અધ્યાદેશ અંગે આખરે કોંગ્રેસે ‘આપ’ને સમર્થન આપ્યું : આપ ગદ્ ગદ્

61

– દિલ્હીમાં સેવાઓ ઉપર કેન્દ્રનાં નિયંત્રણ અંગે અપાયેલા અધ્યાદેશના વિરોધમાં કોંગ્રેસે ઘણા દિવસ પછી ટેકો આપ્યો

નવીદિલ્હી : કોંગ્રેસે રવિવારે સ્પષ્ટ કરી દીધું કે, તે દિલ્હીમાં સેવાઓનાં નિયંત્રણના મુદ્દે કેન્દ્રના અધ્યાદેશનું સમર્થન નહીં કરે.કોંગ્રેસનું કહેવું છે કે, દેશમાં ”સંઘવાદ” ખત્મ કરવાના સરકારના કોઈ પણ પ્રયાસનો વિરોધ કરશે.કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે કહ્યું કે, રાજ્યપાલો દ્વારા વિપક્ષ સાથી રાજ્યોમાં હસ્તક્ષેપ કરવાના કેન્દ્રના દરેક પ્રકારના નિર્ણયોનો વિરોધ કરશે.કોંગ્રેસનાં આ નિવેદનથી આપ ગદ્ગદ્ બની રહ્યું છે.તેને આપે પોઝિટિવ ડેવલપમેન્ટ કહ્યું છે.

વેણુગોપાલે વધુમાં કહ્યું કે સંસદમાં અધ્યાદેશ પર વિધેયક લાવવામાં આવશે તો કોંગ્રેસ તેનો વિરોધ કરશે.આ સાથે આમ-આદમી પાર્ટી (આપ) સોમવારથી બેંગલુરૂમાં શરૂ થનારી બીજી બેઠકમાં ભાગ લેશે તે નિશ્ચિત થઈ ગયું છે.આપ નું સતત કહેવું હતું કે, અધ્યાદેશ અંગે કોંગ્રેસે તેનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.તે પછી જ તે વિપક્ષોની આગામી બેઠકમાં ભાગ લેવા અંગે નિર્ણય લેશે.હવે કોંગ્રેસે તે અધ્યાદેશનો વિરોધ કરવાનો નિર્ણય લેતાં આપના નેતા રાઘવ ચઢ્ઢાએ તેનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, આ એક સકારાત્મક ઘટનાક્રમ છે.ઉલ્લેખનીય છે કે કેન્દ્રના અધ્યાદેશના મુદ્દે કોંગ્રેસનું આ વલણ તેવા સમયે આવ્યું છે કે, જ્યારે કોંગ્રેસનાં દિલ્હી અને પંજાબનાં એકમોએ ત્યાંની આપ સરકારોને સમર્થન નહીં આપવાનો વિચાર જાહેર કર્યો છે.તે જે હોય તે પરંતુ અત્યારે તો કોંગ્રેસે અધ્યાદેશ અંગે આપ ને સમર્થન આપી દડો તેના કોર્ટમાં નાખ્યો છે.જોઈએ વિપક્ષી એકતાનો સંઘ ક્યારે કાશીએ પહોંચશે તેમ પણ ઘણા નિરીક્ષકોનું કહેવું છે.

Share Now