નવસારી : 2 બસ વચ્ચે અકસ્માત સર્જાતા 15થી વધુ મુસાફરો ઘાયલ, બસ ચાલકનું મોત

243

રાજ્યમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે,જે ખૂબ જ ચિંતાજનક છે.આ માર્ગ અકસ્માતમાં કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે,તો અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે.લોકો પુરપાટ ઝડપે વાહનો ચલાવતા જોવા મળે છે,તો બીજા રોંગ સાઇડમાં વાહન ચલાવતા હોય છે,જેને કારણે અકસ્માત સર્જાય છે.ત્યારે વધુ એક સમાચાર ગુજરાતના નવસારીમાંથી સામે આવ્યા છે,જેમાં 2 એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 15થી વધુ મુસાફરો ઘાયલ થયા છે,જ્યારે બસ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આજે સવારે નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર 2 બસ વચ્ચે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત 2 એસટી બસ વચ્ચે જ સર્જાયો હતો,જેને કારણે બસમાં સવાર 15 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.આ અકસ્માત ખૂડવેલ ગામના વળાંક નજીક સર્જાયો હતો.અકસ્માત દરમિયાન પીપલખેડના બસ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.બસમાં સવાર ઘાયલ મુસાફરોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ અને આલીપોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ લોકલ પોલીસને થતાં ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.ધારાસભ્ય નરેશ પટેલને અકસ્માતની જાણ થતાં તેમણે ઘાયલોની મુલાકાત લઈ ઘાયલોની સ્થિતિ જાણી હતી.ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તે માટે પણ ધારાસભ્ય નરેશ પટેલે તબીબો સાથે વાત કરી યોગ્ય સૂચનો આપ્યા હતા.

થોડા દિવસ પહેલા સુરતમાં પણ એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો,જેમાં બ્રિજ પરથી રોંગ સાઇડમાં પુરપાટ ઝડપે એક બસ આવી રહી હતી અને એક્સિડેંટ થતાં શાળાના 6 માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.આ અકસ્માતના cctv પણ સામે આવ્યા હતા,જેમાં રોંગ સાઇડમાં આવતી બસે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.

Share Now