સુરત ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખનું ભુસાવલના વેપારીએ દોઢ લાખનું કરી નાખ્યું !

87

– કુલ રૂ.4.40 લાખના ઓર્ડર પૈકી ભુસાવલના વેપારીએ શરૂઆતમાં રૂ.1.50 લાખ લઈ બાકી પૈસા પણ માંગતા શંકા ગઈ હતી

સુરત,તા.18 જુલાઈ 2023,મંગળવાર : સુરતના ખત્રી સમાજના સુરત ક્ષત્રિય યુવક મંડળે અલુણા નિમિત્તે સમાજની દીકરીઓને ડ્રાયફ્રુટ આપવા ભુસાવલના વેપારીને 1000 કિલોગ્રામ ડ્રાયફ્રુટનો ઓર્ડર આપી એડવાન્સ પેમેન્ટ રૂ.1.50 લાખ કર્યું હતું. છતાં વેપારીએ ડ્રાયફ્રુટ નહીં મોકલતા મંડળના પ્રમુખે આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સલાબતપુરા સત્યનારાયણ મંદિરની સામે બાલાભાઈની શેરી ઘર નં.3/2304 માં રહેતા અને લીંબાયત મહાપ્રભુનગર ખાતે જાન્વી ટેક્ષ્ટાઇલના નામે કાપડનો વેપાર કરતા 44 વર્ષીય જનકભાઈ કનૈયાલાલ કાચીવાલા સુરતના ખત્રી સમાજના સુરત ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખ છે.દર મહિને સમાજના ગરીબ પરિવારો અને વિધવાઓને અનાજની કીટ આપતા મંડળે અલુણા નિમિત્તે સમાજની દીકરીઓને ડ્રાયફ્રુટ આપવાનો નિર્ણય કરતા સભ્ય શૈલેષભાઈ જરીવાલાએ તેમના મિત્ર મહેશભાઈને વાત કરી હતી.મહેશભાઈએ મહારાષ્ટ્ર ભુસાવલમાં દેવેશ ટ્રેડીંગ કંપનીના નામે ડ્રાયફ્રૂટનો હોલસેલ વેપાર કરતા રાહૂલ દેવીદાસ ચૌધરીનો મોબાઈલ નંબર આપતા જનકભાઈએ તેની સાથે વાત કરી કુલ રૂ.4,39,566 ની મત્તાના 1000 કિલોગ્રામ અલગ અલગ ડ્રાયફ્રૂટનો ઓર્ડર તેને આપ્યો હતો.તેના એડવાન્સ પેટે જનકભાઈએ રૂ.50 હજાર મોકલ્યા હતા.

જોકે, બીજા દિવસે રાહુલ ચૌધરીએ તમારો માલ પેક થઈ ગયો છે,બાકી પેમેન્ટના 20 ટકા આપવા પડશે તેમ કહેતા જનકભાઈએ રૂ.1 લાખ ટ્રાન્સફર કર્યા હતા.ત્યાર બાદ ફરી રાહુલ ચૌધરીએ ફોન કરી વધુ પૈસાની માંગણી કરતા જનકભાઈને શંકા ગઈ હતી અને તેમણે પેમેન્ટ કરવાને બદલે ડ્રાયફ્રુટ મોકલો એટલે પેમેન્ટ કરીશું કહેતા તેણે 15 દિવસ સુધી માલ મોકલવાના વાયદા કર્યા હતા પણ માલ મોકલ્યો નહોતો.છેલ્લા પાંચ દિવસથી તેણે ફોન ઉપાડવાનું પણ બંધ કરતા છેવટે જનકભાઈએ ગતરોજ વેપારી રાહુલ ચૌધરી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં રૂ.1.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Share Now