– દમણના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો અને નિંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
વાપી,તા.19 જુલાઈ 2023,બુધવાર : વલસાડ જિલ્લાના સંઘપ્રદેશ દમણમાં વિતેલા 24 કલાકમાં 9.5 ઈંચ વરસાદ પડતા ઠેરઠેર પાણીપાણી થઇ જતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ હતી.મળસ્કે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં જ 8.5 ઈંચ જેટલો ભારે વરસાદ પડતા જનજીવન પર ભારે અસર થઇ હતી.
વાપી નજીક આવેલા પાડોશી સંઘપ્રદેશ દમણમાં પણ મેઘરાજાએ ધુઆધાર રમત રમતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.ગઇકાલે મંગળવારે સવારે 8 વાગ્યાથી આજે સવારે પુર્ણ થતા 24 કલાકમાં દમણમાં 9.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં માત્ર આજે મળસ્કે ચારથી સવારે આઠ વાગ્યા સુધીમાં જ 8.5 ઈંચ વરસાદ ઝીંકાયો હતો.ભારે વરસાદના કારણે દમણના ખારીવાડ,ડાભેલ સહિતના માર્ગો પર પાણી ફરી વળતા રાહદારી સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.ગ્રામ્ય વિસ્તારોમાં નિંચાણવાળા ભાગોમાં પાણી ઘુસી જતા આ વિસ્તાર તળાવ રૂપાંતરિત થઇ ગયો હતો.આ ઉપરાંત પટલારા ગામે ખાડી ઉભરાતા પાણી રોડ પર ફરી વળ્યું હતું.જ્યારે દા.ન.હવેલીમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો.ચોમાસાની મૌસમ દરમિયાન અત્યાર સુધીમાં દમણમાં 49 ઈંચ અને દા.ન.હવેલીમાં 47 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.