ન તો NDAમાં જોડાયા, ન તો INDIAમાં જોવા મળ્યા, હવે ક્યાં જશે આ 9 મોટી પાર્ટીઓ?

42

– બેંગલુરુમાં યોજાયેલી આ બેઠકમાં વિપક્ષના લગભગ 26 પક્ષોએ ભાગ લીધો હતો
– સોનિયા ગાંધીને મહાગઠબંધનના મુખિયા બનાવવાની યોજના બની રહી છે

દક્ષિણમાં બેંગલુરુ અને ઉત્તરમાં દિલ્હી,બંને મહાનગરોમાં મોટા રાજકીય મેળા લાગ્યા હતા,જ્યાં 60થી વધુ પક્ષોએ ભાગ લીધો હતો.જો કે દરેકનો ઉદ્દેશ્ય વર્ષ 2024ની લોકસભા ચૂંટણી જીતવાનો હતો અને તેના માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી હતી.કેટલીક પાર્ટીઓ એવી પણ હતી જે ન તો દિલ્હી પહોંચી અને ન તો બેંગલુરુમાં જોવા મળી હતી.જેમાં 9 મોટી પાર્ટીઓના નામ સામેલ છે.

સોનિયા ગાંધીને મહાગઠબંધનના મુખિયા બનાવી શકાય છે

ગઈકાલે થયેલી બેઠક દરમિયાન વિપક્ષે INDIA એટલે કે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ નામ પર મહોર લગાવી હતી.બેંગલુરુમાં યોજાયેલી આ બેઠકમાં વિપક્ષના લગભગ 26 પક્ષોએ ભાગ લીધો હતો.એવી અટકળો ચાલી રહી છે કે વિપક્ષ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મહાગઠબંધનના મુખિયા બનાવવાની યોજના બનાવી રહ્યા છે.દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ 38 પાર્ટીઓ સાથે હોવાનો દાવો કર્યો છે.આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે હાજરી આપી હતી.

જનતા દળ (સેક્યુલર)

વર્ષ 2006માં આ પાર્ટી ભાજપ સાથે રહીને સરકારમાં સામેલ હતી.વર્ષ 2018 માં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી અને મુખ્યમંત્રી પદ પણ મેળવ્યું હતું.એવું માનવામાં આવે છે કે વર્ષ 2023માં કારમી હાર બાદ જેડીએસ ભાજપ સાથે ગઠબંધન પર વિચાર કરી શકે છે,પરંતુ હજુ સુધી કોઈએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.જેડીએસ ગઈકાલે યોજાયેલી બેઠકમાંથી પણ ગાયબ રહ્યું હતું.

શિરોમણી અકાલી દળ (SAD)

એવા અહેવાલો હતા કે શિરોમણી અકાલી દળ NDAમાં પરત ફરી શકે છે,પરંતુ ગઈકાલે પાર્ટીની ગેરહાજરીએ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું.જો કે અકાલી દળ પણ બેંગલુરુમાં વિપક્ષ સાથે જોવા મળ્યું ન હતું.એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું મુખ્ય કારણ પંજાબનું રાજકારણ હોઈ શકે છે,જ્યાં પાર્ટી તેના કટ્ટર હરીફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે દેખાવા નથી માંગતી.ત્રણ ખેડૂત કાયદાઓને લીધે જે હવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે, SADએ NDAથી પોતાને દૂર કરી દીધા છે.

બહુજન સમાજ પાર્ટી (BSP)

એક સમયે ઉત્તર પ્રદેશના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતી બસપા છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ સહિત અનેક પક્ષોને ઘેરી રહી છે.આ ઉપરાંત BSP ભૂતકાળમાં પણ ભાજપની વિરોધી રહી છે. BSP બેંગલુરુ કે દિલ્હીમાં જોવા મળી ન હતી.

બીજૂ જનતા દળ (BJD)

ઓડિશામાં વિપક્ષે શાસક બીજેડી સાથે સંબંધો બાંધવાની અપીલ કરી હતી,પરંતુ મુખ્યમંત્રી નવીન પટનાયકે વિપક્ષના મોરચાને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો.પાર્ટીનું કહેવું છે કે પ્રાદેશિક પક્ષ હોવાને કારણે અમારી પોતાની નીતિઓ છે,જેમાંથી મોટાભાગની નીતિઓ ઓડિશાના હિત સાથે જોડાયેલી છે.અમે સંસદમાં અને બહારના મુદ્દાઓના આધારે સમર્થન આપીએ છીએ.

ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)

તેલંગાનાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, જે એક સમયે વિપક્ષી એકતા બનાવવા માટે મોખરે જોવા મળ્યા હતા,તેઓ બેંગલુરુમાં થયેર્લી બેઠકમાં હાજર રહ્યા ન હતા.તે દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેસીઆર બિન-કોંગ્રેસી ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.વિપક્ષની બેઠકથી દૂર રહેવાનું કારણ કોંગ્રેસ અને ભાજપ પણ હોઈ શકે છે.ભાજપ સતત દક્ષિણમાં વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેલંગાનાને આગામી લક્ષ્ય માની રહ્યું છે.કોંગ્રેસ પણ રાજ્યમાં BRSની કટ્ટર વિરોધી છે.રાહુલ ગાંધી પણ અનેક પ્રસંગોએ BRSને ઘેરી ચૂક્યા છે.

યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)

યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી એટલે કે YSRCPના મુખિયા વાયએસ જગન મોહન રેડ્ડી કોઈપણ બેઠકમાં હાજર ન હતા.વર્ષ 2010માં તેઓ કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા.કેન્દ્રમાં ભાજપની નીતિઓને ટેકો આપવા છતાં, YSRCPએ આંધ્ર પ્રદેશમાં પાર્ટીથી અંતર જાળવી રાખ્યું છે.એવું જાણવા મળે છે કે તેમને કોઈ તરફથી મીટિંગનું આમંત્રણ મળ્યું નથી.

ઇન્ડિયન નેશનલ લોક દળ (INLD)

એવા અહેવાલ છે કે INLD હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ ત્રીજો મોરચો તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે.પાર્ટી પહેલાથી જ બે વખત NDAનો ભાગ રહી ચૂકી છે.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)

હૈદરાબાદમાં 7 ધારાસભ્યો અને લોકસભામાં એક સાંસદ સાથે AIMIM કોઈપણ બેઠકનો ભાગ નહોતી.હાલના તબક્કે પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બંનેને નિશાન બનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)

આસામમાં મોટા મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી AIUDF ભાજપની નીતિઓનો વિરોધ કરી રહી છે.પરંતુ પાર્ટીએ વિપક્ષની બેઠકમાં પણ ભાગ લીધો ન હતો. માનવામાં આવે છે કે તેનું કારણ કોંગ્રેસથી અંતર પણ હોઈ શકે છે.વર્ષ 2021માં વિધાનસભાની ચૂંટણી એકસાથે લડ્યા ત્યારથી જ બંને પક્ષો સામસામે છે.

Share Now