ઉત્તર પ્રદેશના રામપુરની એક મુસ્લિમ યુવતીના હોબાળાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.એસપી કાર્યાલયની બહાર યુવતીએ બૂમબરાડા કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે મદદ પણ માંગી હતી.વાયરલ થયેલા આ વિડીયોમાં યુવતી બુમો પાડી-પાડીને કહી રહી છે કે, મારી હત્યા કરી નાંખશે,સીએમ યોગી સર મને બચાવી લો.કહેવામાં આવી રહ્યું છે કે યુવતીએ પોતાના કેટલાક સગા સબંધીઓ પર શોષણનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરાવી હતી.હોબાળા બાદ પોલીસે યુવતીની અટકાયત કરી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે,બાદમાં તેને સમજાવીને મુક્ત કરવામાં આવી હતી.
મીડિયા અહેવાલો મુજબ ઉત્તર પ્રદેશના રામપુર ખાતે આવેલી એસપી ઓફિસની બહાર એક મુસ્લિમ યુવતીએ પોતાની ફરિયાદને લઈને હોબાળો મચાવ્યો હતો.અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ યુવતીએ લગભગ 2 વર્ષ પહેલાં પોતાના સગા-સબંધીઓ પર શોષણનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરાવી હતી.જે મામલે રજૂઆત કરવા તે પોતાના વકીલ સાથે એસપી કચેરીએ આવી હતી.આ દરમિયાન કોઈ બાબતે આ મુસ્લિમ યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને પોતાના મઝહબ વિશે આક્રોશ ઠાલવી ન્યાયની માંગ કરી હતી.યુવતીએ હોબાળો કરતાની સાથે જ પોતાનો બુરખો પણ ઉતારી ફેંક્યો હતો.આ હોબાળાની માહિતી મળતા જ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનની મહિલાકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવતીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
એવો બુરખો નથી જોઈતો જે નગ્ન કરે, મને મુસ્લિમ ધર્મથી નફરત છે : યુવતી
ઉલ્લેખનીય છે કે રામપુરની મુસ્લિમ યુવતીના હોબાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલા પોલીસ કર્મચારીઓ વચ્ચે સફેદ કપડામાં ઉભેલી યુવતી રડી રહી છે.રડતાં-રડતાં આ યુવતી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે ન્યાયની માંગણી કરી રહી છે.વિડીયોમાં યુવતી બૂમો પાડીને કહી રહી છે કે, શું થશે મારી સાથે,યોગી આદિત્યનાથજી..,મને એવો બુરખો નથી જોઈતો,જે બુરખો નગ્ન કરતો હોય. I Hate The Muslims (મને મુસ્લિમોથી નફરત છે) યોગી આદિત્યનાથ સર….પ્લીઝ સર મારી મદદ કરો.મેં તમને ફરિયાદ કરી એટલે મારી સોપારી આપી દેવામાં આવી છે,મારી ગમે ત્યારે હત્યા થઈ શકે છે.આ સાથે જ આ વિડીયોમાં યુવતી કહી રહી છે કે, હું મુસ્લિમ ધર્મ છોડવા માંગું છું,મને મુસ્લિમ ધર્મથી નફરત છે.બુરખાની અંદર મારી સાથે ખોટું કામ કરાવવા માંગે છે.આ આખા વિડીયો દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓ સતત યુવતીને સમજાવવાનો પ્રયત્ન કરતા નજરે પડી રહ્યા છે.વીડિયોના અંતમાં પોલીસ યુવતીને પોલીસ જીપમાં બેસાડીને લઇ જતી નજરે પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ જ યુવતીનો અન્ય એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે,જેમાં તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા વાળું ટીશર્ટ પહેરીને મુસ્લિમ મૌલાનાઓ અને મઝહબ વિશે આક્રોશ વ્યક્ત કરી રહી છે.નોંધનીય છે કે કોઈ પણ ફરિયાદ દાખલ ન થવાના કારણે યુવતીની ધરપકડ નથી કરવામાં આવી,પરંતુ શાંતિભંગની કલમ હેઠળ આ મુસ્લિમ યુવતીને દંડિત કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.