કાબુલ,તા.29 જુલાઈ 2023,શનિવાર : ગળામાં પહેરવામાં આવતી ટાઈ સામે હવે અફઘાનિસ્તાનના તાલિબાની શાસકોને વાંધો પડી ગયો છે.તાલિબાને કહ્યુ છે કે, ગળામાં પહેરવામાં આવતી ટાઈ ખ્રિસ્તી ધર્મના ક્રોસનુ પ્રતિક છે અને તેને સમાજમાંથી હટાવવાની જરુર છે.જો કોઈ અફઘાન નાગરિક નેકટાઈ પહેરીને દેખાશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.આ આદેશ બાદ અફઘાનિસ્તાનનો ઉચ્ચ મધ્યમ વર્ગ દહેશતમાં છે.કારણકે અફઘાનિસ્તાનના ધનિક વર્ગમાં સુટની સાથે ટાઈ પહેરવાનો રીવાજ છે.બાકીના લોકો તો એમ પણ કુર્તા પાયજામા પહેરે છે.
અફઘાનિસ્તાનની સરકારના એક અધિકારી મહોમ્મદ હાશિમ શહીદ રોરે કહ્યુ છે કે, જ્યારે પણ હું હોસ્પિટલ કે બીજી જગ્યાએ જઉં છુ અને અફઘાન ડોકટરો તેમજ એન્જિનિયરોને ટાઈ પહેરેલા જોઉં છું તો મને ખરાબ લાગે છે.કારણકે ટાઈ એ ક્રોસનુ જ પ્રતિક છે.શરિયતમાં આદેશ છે કે તેને ખતમ કરવામાં આવે.
મહોમ્મદ હાશિમ એ વિભાગના વડા છે જે અફઘાનિસ્તાનમાં લોકોની રહેણી કરણી માટેની ગાઈડ લાઈન બહાર પાડે છે.મહોમ્મદ હાશિમે આગળ કહ્યુ હતુ કે, ટીવી ન્યૂઝના એન્કર્સ પણ ટાઈ પહેરે છે.ટાઈ એ બીજા સમુદાયનુ પ્રતિક છે.ઈશુ ખ્રિસ્તને પણ જે રીતે ગળામાં ટાઈ પહેરીએ છે તે રીતે ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા.મને ખબર છે કે, મીડિયા હવે એવો દાવો કરશે કે તાલિબાન ઈસ્લામ પ્રત્યે વિકૃત દ્રષ્ટિકોણ ધરાવે છે અને અમે શાંતિપૂર્ણ રીતે ધર્મનુ પાલન નથી કરી રહ્યા.તેમણે કહ્યુ હતુ કે, ખ્રિસ્તીઓ અને યહૂદીઓ ઈસ્લામ પ્રત્યે ભારે તિરસ્કાર રાખે છે અને તેમનો વિનાશ નિશ્ચિત છે.
ઉલ્લેખનીય છે કે, તાલિબાને સત્તા સંભાળ્યા બાદ મહિલાઓ માટે તો જાત જાતના નિયમો બહાર પાડ્યા છે પણ પુરુષો માટે આ પહેલો ડ્રેસ કોડ જાહેર કરાયો છે.સામાન્ય રીતે અફઘાનિસ્તાનમાં કામ કરતા અધિકારીઓ સલવાર કમીઝ જેવા એક સરખા કપડા પહેરે છે.ટાઈની વાત કરવામાં આવે તો ટાઈનો ઉદભવ 17મી સદીમાં ઉદભવ થયો હતો અને ફ્રાંસના લોકોએ તેને ફેશનનો એક મહત્વનો હિસ્સો બનાવી દીધી હતી.