વડોદરામાં ભાજપના કાર્યકરની ઘાતકી હત્યાનો વિડીયો ગતરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આજે આ ઘટનામાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન વિવિધ મુદ્દાઓને લઇને પોલીસ ઝીણવટભરી તપાસ કરશે.
અગાઉ વડોદરાના રેસકોર્ષ સર્કલ પાસે આવેલી મિર્ચ મસાલા રેસ્ટોરેન્ટની ગલીમાં પાર્કિંગ બાબતે થયેલી માથાકુટ બાદ ત્રણ ઇસમો દ્વારા સચિન ઠક્કર અને પ્રિતેસ ઠક્કરની ઘાતકી માર મારવામાં આવ્યો હતો.આ ઘટનામાં ટૂંકી સારવાર દરમિયાન સચિન ઠક્કરનુ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય પ્રિતેસ ઠક્કર સીરીયસ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.આ ઘટનામાં આરોપી પાર્થ બાબુલ પરીખ(ઉ.40) (રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, હરિભક્તિ કોલોની રેસકોર્સ, વડોદરા) વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી(ઉં.33), (રહે. નાગરવાડા સૈયદપુરા વડોદરા) અને વિકાસ લોહાણા(ઉં.30) (રહે.વ્હાઇટ વુડાના મકાનમાં, ખોડિયારનગર, વડોદરા)ને આજે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા.કોર્ટે તમામના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ફરિયાદી તરફે વકીલ પ્રવિણ ઠક્કરે કોર્ટમાં દલીલો કરી હતી.તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તપાસ અધિકારીએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.આરોપીઓ ખુબ જ ઝનુની પ્રકૃતિના છે, અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, ગુનાહિત ભૂતકાળ ધરાવે છે,પોલીસની કામગીરીથી અવગત છે,ત્યારે તપાસ અધિકારીને પુરતો સહકાર નથી મળ્યો તેવી રજૂઆત કરવામાં આવી હતી.જ્યારે આરોપીઓએ તપાસમાં સહકાર ન આપ્યો હોય,ત્યારે ઉંડાણ પૂર્વકની તપાસ માટે આરોપીઓની વધુ હાજરી માટે આવશ્યકતા નકારી શકાય તેમ નથી.તપાસ અધિકારીએ આ ગુનામાં વપરાયેલા હથિયાર કબ્જે કરવાના બાકી છે.ઇજાગ્રસ્ત સાહેદ ગઇકાલ સાંજ સુધી સારવાર હેઠળ હતો.બે અજાણ્યા ઇસમોને સાહેદ ઓળખી શકે તે માટેની ઓળખ પરેડ કરવાની બાકી છે.આરોપીઓ ગુજરાત બહાર ભાગી ગયા હતા,તેમને કોણે મદદ કરી,તેમને કોણે આશરો આપ્યો,તેમની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે,આ ગુનાને અંજામ આપવા ક્યાં કાવતરૂં રચ્યું,હથિયારો ક્યાંથી લાવ્યા,તેમને મોબાઇલ ફેંકી દીધા હોવાની ગોળગોળ વાતો કરે છે.તે કબ્જે કરવાના બાકી છે.આવા મહત્વના કારણો રજૂ કરવામાં આવ્યા છે.તમામ મુદ્દાઓને ધ્યાને લઇ કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વાયરલ વિડીયો અંગે વકીલ પ્રવિણ ઠક્કરે મીડિયાને જણાવ્યું કે, મેં વિડીયો અત્યારે જોયો છે.આ બનાવમાં આરોપીઓનું એક્ટીવ પાર્ટીશીપેશન હોય તેવું જણાય છે.પાર્થ તેના ગંગોત્રી વાળા ઘરેથી હાથમાં દંડો / હથિયાર લઇ નિકળતો હોય,બનાવ સ્થળે પહોંચતો હોય,બીજા આરોપીઓ સાથે મળીને ગુનાહિત કૃત્યમાં જોડાયો હોય અને છેલ્લે બે ગાડીઓ પર હુમલો કર્યાનું જોવા મળે છે.શરૂઆતથી લઇને અંત સુધી વિડીયોમાં દેખાતા આરોપીઓનો એક્ટીવ રોલ રહેવા પામ્યો છે.આ ત્રણેય જણાએ ક્યાં ભેગા થઇને ગુનાને અંજામ આપ્યો,તેને કોનું પીઠબળ છે,તેના પરિવારના કોઇ સભ્યો અથવા સાગરીતો સંડોવાયેલા છે કે કેમ આ બાબતે ઉંડાણ પૂર્વક તપાસ કરવા માંગ કરી છે.તપાસ પાંચ દિવસમાં પૂર્ણ ન થાય.મહત્વના પૂરાવા એકત્ર કરવાના રહી જાય તો વધુ રિમાન્ડની માંગણી કરી શકાય છે.
વડોદરામાં પોલીસની બેદરકારીને કારણે ભાજપ કાર્યકરની હત્યા,આરોપી પાર્થ પરીખ ઉજ્જૈનથી પકડાયો
વડોદરાના દીવાળીપુરા વિસ્તારના ભાજપના સંનિષ્ઠ કાર્યકર સચીન ઠક્કરની બે દિવસ પહેલાં ખૂની હુમલો થતાં આજે સવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.ગોત્રી પોલીસની બેદરકારીને કારણે કાર્યકરની હત્યા થતાં ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.ગઇ તા.9 મીએ કાર્યકર સચીન ઠક્કરની માતાને રેસકોર્સ હરિભક્તિ નજીકની લેબોરેટરીમાં ચેકઅપ માટે લઇ ગયા ત્યારે પાર્કિંગ બાબતે પાર્થ પરીખ સાથે તકરાર થઇ હતી.તેણે અહીં પાર્કિંગ નહિં કરવા બાબતે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી અને ધમકી આપી પ્રિતેશનો મોબાઇલ પણ ફેંકી દીધો હતો.
પંદર દિવસ પહેલાંના બનાવ અંગે પ્રિતેશે ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.આ અરજીની તપાસ કરતા કોન્સ્ટેબલ પ્રવિણ ધૂળાભાઇએ ગુનો નોંધ્યો નહતો અને કોઇ તપાસ પણ કરી નહતી.જો તેમણે બાબુલ પરીખના નબીરાને પકડયો હોત તો કદાચ હત્યાનો બનાવ અટકી શક્યો હોત.જેથી પોલીસ કમિશનરે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો છે.જ્યારે,મોટા અધિકારીઓએ શું મોનિટરિંગ કર્યું તે મુદ્દે કોઇ તપાસ થઇ નથી.જેથી મોટા અધિકારીઓને ક્લિનચીટ મળી ગઇ હોય તેમ લાગે છે.જો તે દિવસે પગલાં લીધા હોત તો પાર્થ અને તેના સાગરીતોની ભાજપના કાર્યકર સચીન પર ફરી હુમલો કરવાની હિંમત ના થઇ હોત.
ખૂની હુમલો કર્યા બાદ ભાગેલા પાર્થ પરીખને ઉજ્જૈનથી દબોચી લીધો
ભાજપના કાર્યકર પર હુમલો કર્યા બાદ પાર્થ પરીખ તેના સાગરીતો સાથે ઉજ્જૈન પહોંચી ગયો હતો.જેથી ગોત્રી પોલીસે તેની શોધખોળ કરી ઉજ્જૈન ખાતેથી તેને દબોચી લીધો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે,પાર્થ કન્સ્ટ્રક્શનને લગતું કામકાજ કરે છે.જ્યારે, વાસિક અજમેરી ડ્રાઇવિંગનું કામ કરે છે અને વિકાસ લોહાણા અગાઉ એસટી વિભાગના કોન્ટ્રાક્ટનું કામ કરતો હતો.
પાર્થ સામે અગાઉ પણ ખૂની હુમલાનો કેસ થયો હતો
પાર્થ પરીખ સામે અગાઉ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં મારામારી કરી ખૂની હુમલો કરવાનો એક ગુનો નોંધાયો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.ગોત્રીના પીઆઇએ કહ્યું હતું કે,આ અંગે લક્ષ્મીપુરા પોલીસ પાસે વધુ માહિતી માંગવામાં આવી છે.