આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે ત્યારે સરકાર વિપક્ષ પર આકરા પ્રહારો સાથે પોતાની સિદ્ધિઓ ગણાવશે.આ ઉપરાંત વિપક્ષ સરકારની ખામીઓ ગણાવીને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે.
રાહુલ ગાંધી ચર્ચા શરૂ કરી શકે તેવી પ્રબળ સંભાવના
કેન્દ્ર સરકાર આજે તેના બીજા કાર્યકાળમાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે.લોકસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાનાર છે અને સંખ્યાના દૃષ્ટિકોણથી સરકાર પર કોઈ ખતરો નથી.આ સાથે જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ એવા સમયે ફરી પ્રાપ્ત થશે જ્યારે કેન્દ્રની સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે સંસદમાં ચર્ચા કરવામાં આવશે.કોંગ્રેસે કહ્યું છે કે પાર્ટી ઈચ્છે છે કે તેઓ સરકાર વિરુદ્ધ આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પાર્ટી વતી મુખ્ય વક્તા તરીકેની ભૂમિકા ભજવે.આ સ્થિતિમાં રાહુલ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી શકે તેવી પ્રબળ સંભાવના છે.
વિપક્ષ સરકારની ખામીઓ ગણાવીને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે
આ દરમિયાન સરકાર વિપક્ષ પર પ્રહારો સાથે પોતાની સિદ્ધિઓ ગણાવશે.આ સાથે જ વિપક્ષ સરકારની ખામીઓ ગણાવીને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે તેમજ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે દરખાસ્ત રજૂ કરનાર ગૌરવ ગોગોઈ અધ્યક્ષને વિનંતી કરશે કે તેઓ તેમના સ્થાને રાહુલ ગાંધીને ચર્ચા શરૂ કરવાની મંજૂરી આપે.આ અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બપોરે 12 વાગ્યે ચર્ચા થશે.ત્રણ દિવસમાં 18 કલાક ચર્ચા થશે.આ ઉપરાંત પીએમ મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપશે.નિશિકાંત દુબે બીજેપી તરફથી પ્રથમ વક્તા હશે.