ગુરૂગ્રામ : હરિયાણાના નૂહમાં હિંસાને કારણે છ લોકોએ જીવ ગુમાવ્યો છે.હિંસાની ઘટનાઓ બાદ પ્રશાસન દ્વારા ૬૦૦ જેટલી ગેરકાયદે ઇમારતો તોડી પાડવામાં આવી હતી.એવામાં સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા બુલડોઝર પર હાઇકોર્ટે બ્રેક લગાવી દીધી છે.હરિયાણા-પંજાબ હાઇકોર્ટે ડિમોલિશન ડ્રાઇવની સુઓમોટો દ્વારા નોંધ લીધી હતી અને હાલ તોડફોડ રોકવાના આદેશ આપ્યા હતા.જેને પગલે હાલ હરિયાણા સરકારની આ ડિમોલિશન ડ્રાઇવને અટકાવી દેવામાં આવી છે.
બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે હરિયાણામાં થયેલી હિંસામાં સામેલ આરોપીઓ પાડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાગી ગયા છે.આશરે ૧૫૦ જેટલા આરોપીઓ આ રાજ્યોમાં છુપાયા હોવાથી પોલીસ ટીમો રવાના કરાઇ છે જે તેમની શોધખોળ કરી રહી છે.આમાંથી કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.આ આરોપીઓને પકડવાની જવાબદારી હરિયાણા પોલીસની એસટીએફને સોપવામાં આવી છે.તેથી સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમોને આ બન્ને રાજ્યોમાં રવાના કરવામાં આવી છે.આ આરોપીઓને પકડીને હરિયાણા લાવવામાં આવશે.
નૂહ અને ગુરૂગ્રામની હિંસામાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુની ધરપકડ કરવામાં આવી છે.જોકે હિંસાની નાની મોટી ઘટનાઓ હજુ પણ યથાવત છે.પોલીસને મળેલી એક ફરિયાદમાં દાવો કરાયો છે કે હિંસાખોરોએ ગુરૂગ્રામમાં હિન્દુ અને મુસ્લિમોના પ્રતિક તરીકે ઓળખાતી એક મજારમાં તોડફોડ કરી છે અને મજારમાં કેટલાક પ્રાર્થના માટેના કાગળોને પણ સળગાવી દેવાયા છે.આ મજારમાં હિન્દુઓ અને મુસ્લિમો બન્ને જતા હતા અને પ્રાર્થના કરતા હતા.મજારની દેખરેખ રાખતા ઘસિટે રામે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આશરે ૧૦ જેટલા યુવકોનું ટોળુ મજારમાં ઘૂસ્યુ હતું અને આગ લગાવવાનું શરૂ કરી દીધુ હતું.મજારની આસપાસના લોકોએ આગ લાગી હોવાની જાણકારી આપી હતી.હાલમાં આગને કાબુ કરી લેવામાં આવી છે.જ્યારે સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે આરોપીઓની શોધખોળ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ પર પણ નજર રાખી રહી છે. ૧૫ મિનિટ માટે પોલીસ હટાવી લો પછી જોવો શું થાય છે તેવી ભડકાઉ પોસ્ટ બદલ પોલીસે ૧૪ લોકોની ધરપકડ કરી છે.ઉત્તર પ્રદેશના સમ્ભલ જિલ્લાના રહેવાસી યુવક દ્વારા આ પોસ્ટ ફેસબુક પર કરવામાં આવી હતી.પોસ્ટને પગલે બન્ને સમુદાયના લોકો વચ્ચે તકરાર થઇ હતી,સ્થાનિકોએ પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરતા બન્ને સમુદાયના મળીને કુલ ૧૪ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જેમાં મુખ્ય આરોપી જુનૈદનો પણ સમાવેશ થાય છે.