હવે 73 (એએ)ના કેસોમાં નવી જંત્રી મુજબ દર વસુલવા નવો આદેશ

156

– જુની જંત્રી મુજબ દસ્તાવેજ નોંધાવવા માટે હવે અઠવાડિયાનો પણ સમય નથી ત્યારે આ પરિપત્રના કારણે પક્ષકારો,વકીલ આલમમાં ભારે નારાજગી
– હજુ તો કલમ-63 અને બિનખેતીના દસ્તાવેજોમાં કાર્યવાહી ચાલુ છે ત્યારે હવે 73 એએ ના કેસો શોધવા પડશે

જુની જંત્રી મુજબ દસ્તાવેજો નોંધાવવા માટે હવે અઠવાડિયાનો પણ સમય નથી.ત્યારે ગાંધીનગર સુપ્રિ. ઓફ સ્ટેમ્પ દ્વારા એક નવો પરિપત્ર જારી થયો છે.જેમાં લેન્ડ રેવન્યુ કોડની કલમ ૭૩ એએ હેઠળ ૧૫ મી એપ્રિલ પછી નોંધાયેલા દસ્તાવેજોમાં નવી જંત્રીનો દર વસુલવાનો થતો હોવાનો આદેશ કર્યો હોવાથી માંડ માંડ બિનખેતી અને કલમ-૬૩ માંથી નવરા પડેલા અધિકારીઓ હવે ૭૩ એએ નો દસ્તાવેજો શોધવાની કસરત શરૃ કરશે.

સુરતમાં કલમ-૬૩ હેઠળ બિનખેતીના બદલે ખેતીની જંત્રીના દરે દસ્તાવેજ કરીને સરકારને કરોડો રૃપિયાની સ્ટેમ્પ ડયુટીનો ચૂનો ચોપડવાનો કેસ સામે આવ્યા પછી ગાંધીનગરના સબ રજિસ્ટ્રાર વિભાગ પણ એકદમ એલર્ટ થઇ ગયુ છે.અને જુની જંત્રી મુજબ સ્ટેમ્પ પેપરો ખરીદીને દસ્તાવેજ નોંધાવવા માટે પક્ષકારો,વકીલો પાસે ખુબ જ ઓછો સમય છે.ત્યારે એક પછી એક પરિપત્ર બહાર પાડતા વકીલો,પક્ષકારો,અધિકારીઓ દોડતા થયા છે.તાજેતરમાં જ ગાંધીનગર સુપ્રિ.ઓફ સ્ટેમ્પ દ્વારા ૧૧.૭.૨૩ ના રોજ પરિપત્ર કરીને ૧૫ મી એપ્રિલ પછી જેટલા પણ કલમ-૬૩ અને બિનખેતીના હુકમો થયા હોય અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં જો બિનખેતીના બદલે ખેતીના દસ્તાવેજ થયો હોય તો આવા કેસમાં નવી જંત્રીનો દર વસુલાનો રહેશે.આ પરિપત્રના કારણે થયેલી તપાસમાં ૧૮૦ દસ્તાવેજોમાં રૃા.૧૨.૦૮ કરોડની સ્ટેમ્પ ડયુટીના ગોટાળા બહાર આવ્યા છે.

આ તપાસ હજુ ચાલુ જ છે.ત્યારે સોમવારે ફરીથી એક નવો પરિપત્ર થયો છે.જેમાં લેન્ડ રેવન્યુ કોડની કલમ ૭૩ એએ અને સૌરાષ્ટ્ર ઘરખેડ,ગણોત વહીવટ પતાવત,ખેતીની જમીન વટહુકમ ૧૯૪૯ ની કલમ ૫૪,૫૫ માં કલેકટર દ્વારા ૧૫.૪.૨૩ કે તે પછી હુકમ કરેલ હોય અને દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ હોય તો આવો દસ્તાવેજ ૧૫.૪.૨૩ પછી સહી થયેલો ગણાય.જેથી આવા દસ્તાવેજોમાં ઓછી સ્ટેમ્પ ડયુટી ભરવાના ઇરાદે દસ્તાવેજમાં અગાઉની તારીખ નાંખી સહી કરેલાનુ માનવાને કારણ રહે છે. આથી આવા કેસોમાં નવા જંત્રીના દર અનુસાર બજાર કિંમત ગણી તે મુજબ સ્ટેમ્પ ડયુટી વસુલવા હુકમ કર્યો છે.આ હુકમને લઇને વકીલો,પક્ષકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.આક્ષેપો થઇ રહ્યા છે કે હવે જુની જંત્રી મુજબ દસ્તાવેજ નોંધાવવા માટે અઠવાડિયાના પણ સમય નથી.ત્યારે આ નવા પરિપત્રના કારણે નવા સ્ટેમ્પ પેપરો ખરીદવા પડશે.સાથે જ સબ રજિસ્ટ્રાર અને સ્ટેમ્પ ડયુટી અધિકારીઓ પણ હવે ૭૩ એએ ના કેસો શોધશે.

સ્ટેમ્પ પેપરો ખરીદયા હોય અને દસ્તાવેજ કરવાનુ માંડી વાળ્યુ હોય તો રીફંડ મળશે

હાલમાં કલમ-૬૩, બિનખેતીના નવી જંત્રીના દર વસુલવાનો આદેશ થયો હોવાથી ઘણા કિસ્સાઓમાં દસ્તાવેજ કરવાનુ માંડી વાળ્યુ હશે.તો આવા કેસોમાં જેમણે પણ જુની જંત્રી મુજબ ગણતરી કરીને સ્ટેમ્પ પેપરો ખરીદયા હશે,પરંતુ આ સ્ટેમ્પ પેપરો ના આધારે દસ્તાવેજની નોંધણી કરાવી ના હશે તો કે પછી સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવાના ના હોય તો સ્ટેમ્પ પેપર ખરીદયાની તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ અધિકારીને અરજી કરવાની રહેશે.અરજી બાદ રીફંડની કાર્યવાહી થશે.

કલમ 73 (એએ) શુ છે

લેન્ડ રેવન્યુ કોડની કલમ ૭૩ એએ માં જેઓ આદિવાસી નથી. ખેડુત ખાતેદારો છે.તેઓ આદિવાસી પરિવારો પાસેથી જમીન ખરીદવી હોય તો આ કલમ હેઠળ સુરત જિલ્લા કલેકટર કે પછી ગ્રામ્ય વિસ્તારમાં સુરત જિલ્લા વિકાસ અધિકારી પાસેથી મંજુરી લઇ જમીન ખરીદી શકે છે.અને દસ્તાવેજ નોંધણી કરાવી શકે છે.

Share Now