CR પાટીલ વિરુદ્ધ પત્રિકાકાંડમાં સુમુલ ડેરીના સફેદ હાથી ગણાતા નેતાની પૂછપરછમાં જાણો શું બહાર આવ્યું

153

સુરત : પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલની બદનામી કરતી પત્રિકા અને પેનડ્રાઇવના કવર રાજ્યભરમાં પોસ્ટથી મોકલવાના કિસ્સામાં ક્રાઈમ બ્રાંચે તપાસ આગળ વધારી છે.ગુરુવારે સુરત જિલ્લા ભાજપનું મોટું માથુ ગણાતા સુમુલ ડેરીના પૂર્વ પ્રમુખ રાજુ પાઠકની લાંબી પૂછપરછ કરાઈ હતી. નિવેદન લઇ લીધા બાદ સાંજે જવા દેવાયા હતા.

અહેવાલ અનુસાર, સુરત ક્રાઈમ બ્રાંચે પત્રિકાકાંડમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ આપેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.ભાજપ સાથે સંકળાયેલા આગેવાનોના સાગરિત એવા દીપુ યાદવ,રાકેશ સોલંકી અને ખુમાનસિંહ પટેલ તેમજ વિજય રાજપૂત એમ ચાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરાઇ હતી.દીપુ યાદવ,રાકેશ સોલંકી અને ખુમાનસિંહ પટેલને જામીન ઉપર છોડાયા હતા.ત્યારબાદ સુરત જિલ્લા ભાજપ સંગઠન એક્શનમાં આવ્યું હતું.સુરત ક્રાઈમ બ્રાંચે ચાર શખ્સોના નિવેદનોના આધારે દોરીસંચારના શકમંદોને પૂછપરછ માટે બોલાવવાનું શરૂ કર્યું છે.ગુરુવારે સુરત જિલ્લા ભાજપનું મોટું માથુ ગણાતા રાજુ પાઠકને ક્રાઈમ બ્રાંચે સમન્સ આપીને તેડાવ્યા હતાં.ક્રાઈમ બ્રાંચના સૂત્રોના અનુસાર રાજુ પાઠક બપોરે આવ્યા હતાં. તેમની લાંબો સમય પૂછપરછ કરાઈ હતી.અત્યાર સુધી જે ચાર શખ્સો પકડાયા છે,તેમના નિવેદનમાંથી ઉપસ્થિત થયેલા સવાલોના જવાબ તેમની પાસેથી મેળવવાનો પ્રયાસ કરાયો હતો.હજુ આ પ્રકરણમાં વધુ મોટા માથાઓને સમન્સ મોકલવાની પ્રક્રિયા ચાલુ છે.

પત્રિકાઓ ક્યાં બની અને કોને ફેરવી?

ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું હતું કે, રાકેશ સોલંકીએ પોતાની ઓફિસમાં પેનડ્રાઈવ તૈયાર કરી હતી.અન્ય બે પત્ર પણ ઓફિસમાં જ કોમ્પ્યુટરમાં તૈયાર કરાવ્યા હતા.દીપુ યાદવ,ખુમાનસિંહે પેનડ્રાઈવ અને પત્રો નેતાઓને પોસ્ટ કર્યા હતા.પત્રો ભરૂચ તથા પાલેજથી જુદા જુદા નેતાઓને પોસ્ટ મારફતે મોકલાયા હતા.રાકેશ સોલંકીએ કોના ઈશારે કામ કર્યુંએ દિશામાં તપાસ કરી રહી છે.

પત્રિકામાં કોના કોના નામનો ઉલ્લેખ હતો

જે પત્ર પોસ્ટ મારફતે ભાજપના નેતાઓને મોકલાયો હતો, તેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ,મંત્રી મુકેશ પટેલ,ધારાસભ્ય સંગીતા પાટીલ,ધારાસભ્ય સંદીપ દેસાઈ,સુરત સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ,જિજ્ઞેશ પાટીલ,છોટુ પાટીલ, અમિતસિંહ રાજપુત સહિતના આગેવાનોને બદનામ કરાયા હતા.પેન ડ્રાઈવમાં જીનેન્દ્ર શાહના સી.આર. પાટીલ સામે પાર્ટી ફંડના મુદ્દે આક્ષેપ કરતાં વીિડયો હતા.

પ્રદેશ ભાજપ પ્રમુખ પાસે ખંડણી માગનારની મોરબી પોલીસે ફરી ધરપકડ કરી

મૂળ રાજકોટના સરધાર ગામના વતની અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા જીનેન્દ્ર ભરતભાઇ શાહ (ઉ.25) નામના શખ્સે ભાજપ ગુંડાઓની અને ભ્રષ્ટાચારીઓની પાર્ટી હોવાનું જણાવી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશે અપમાનજનક ટિપ્પણી કરતો વીડિયો બનાવી રૂપિયા 8 કરોડની ખંડણી માંગી હતી અને બાદમાં સોશ્યલ મીડિયામાં આ વીડિયો વાયરલ કરતા સુરત પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.ફરાર જીનેન્દ્રે પોતાની ઓળખ છુપાવી ખોટા પુરાવા સાથે મોરબીની હોટલમાં રોકાયાની કબૂલાત કરી છે.જેથી મોરબી પોલીસે જીનેન્દ્ર તથા ખોટા આધરકાર્ડની વ્યવસ્થા કરી આપનાર વિજયસિંહ રજપૂત સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

Share Now