આણંદ : શિકારી ખુદ યહા શિકાર હો ગયા… આણંદ જિલ્લાના કલેક્ટર ગઢવીના સસ્પેન્શનની સ્ટોરી હિન્દી વેબ સીરીઝ જેવી ચટાકેદાર નીકળી.આણંદના કલેક્ટરનો કચેરીમાં જ અશ્લીલ વીડિયો વાયરલ થયો અને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ચર્ચા છે કે આ પહેલાં પણ સાહેબનું નામ અશ્લીલ વીડિયો જોવામાં ઊછળ્યું હતું,પણ એ સમયે વાત દબાઈ ગઈ હતી એવો ગણગણાટ છે.પરંતુ પડદા પાછળનો અસલી ખેલાડી કોણ છે તે બાબત વધુ ચર્ચા જગાવનારું છે.કારણ કે, કલેક્ટરને ગેમ કરનાર બીજું કોઈ નહિ, પણ એક મહિલા અધિકારી જ હોવાનું ચર્ચાય છે.
મહિલા અધિકારીઓએ ગોઠવ્યા હતા કેમેરા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલેક્ટર કચેરીમાં જ ઉચ્ચ હોદ્દા પર કાર્યરત એક મહિલા અધિકારી દ્વારા જ કલેક્ટર ઓફિસમાં સ્પાય કેમેરા લગાવાયા હોવાની ચર્ચા છે.જિલ્લા કલેક્ટર દ્વારા કેટલીક મહિલાઓને ચેમ્બરમાં બોલાવીને પછી કલાકો સુધી બેસાડી રખાતી હતી.આ દરમિયાન અન્યોની એન્ટ્રી પર પ્રતિબંધ ફરમાવાતો હતો.તેથી આ મહિલા અધિકારી દ્વારા કલેક્ટર ઓફિસમાં જ વિવિધ જગ્યાએ સ્પાય કેમેરાઝ લગાવાયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.આ મહિલા અધિકારીએ જ કલેક્ટર ડીએસ ગઢવીનો ખેલ ખુલ્લો પાડ્યો છે.જેથી ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે.તેમજ ગેસ કેડરની બે મહિલા અધિકારીની ટ્રાન્સફર કરાઈ હતી.ત્યારે હવે સરકારી ગલિયારીઓમાં આ ઘટનાથી ચર્ચા તેજ બની છે.
મહિલા અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવાઈ
મંગળવારે જયારે રાજ્ય સરકારે આણંદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા ગેસ કેડરના મહિલા ઓફિસરની એકાએક ટ્રાન્સફર કરી છે.ત્યારે જ હવે ચર્ચા વહેતી થઈ છે કે, ટૂંક સમયમાં કોઈ વધુ બદલી કે સસ્પેનશન થઇ શકે છે.તો અન્ય એક મહિલા અધિકારીની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.આણંદ જિલ્લાના કલેક્ટર IAS અધિકારી ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરીને સરકારે તેમનો ચાર્જ વર્ષ 2017ની બેચના IAS જિલ્લા વિકાસ અધિકારી (DDO) મિલિન્દ બાપનાને સોંપ્યો છે. ત્યારે હવે ગઢવી પોતે જ રચેલી જાળમાં ખુદ ફસાઈ ગયા છે.
56 દિવસ બાદ કાર્યવાહી કેમ
ઉપસચિવ જૈમિન શાહની સહીથી ઈન્કવાયરી કમિટીના આદેશમાં કહેવાયું છે કે, આણંદના મનુભાઈ કેશવલાલ પઢિયારે 13 જૂન 2023ના રોજ વિડીયો ક્લિપ સાથે કલેક્ટરના અધમ કૃત્ય અંગે ફરિયાદ કરી હતી.આમ 56 દિવસ પહેલા GAD પાસે આ ફરિયાદ હતી તેમ છતાંય તેમની સામે કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી? તે મોટો સવાલ છે.ગઢવીનો ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.