સુરત : સુરત ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે.જો કે, છેલ્લા કેટલાક સમયથી ડાયમંડ સિટી ક્રાઈમ સિટી તરીકે પણ ઓળખાવા લાગી છે.અહીં છેલ્લા કટેલાક સમયથી હત્યા,લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.સુરત શહેરમાં બાળકીઓ પર દુષ્કર્મના કેસ વધ્યા છે.આથી હવે મૃત્યુદંડ આપવાનું કેપિટલ પણ બની રહ્યું છે.જેની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ચાર વર્ષની અંદર સૌથી વધુ સુરત કોર્ટમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતમાં ગંભીર ગુનાઓ આચરનાર આરોપીઓ સામે કોર્ટ મૃત્યુ દંડ સુધીનો ફેંસલો સંભળાવી રહી છે.સુરત છેલ્લાં થોડાં વર્ષોમાં મૃત્યુદંડ માટેનું કેપિટલ બન્યું હોય એ પ્રકારના ચુકાદાઓ સામે આવ્યા છે.ત્રણ વર્ષની અંદર જ સુરતમાંથી કુલ નવ જેટલા આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.જેનાથી આરોપીઓમાં કાયદાનો ડર બેસી રહે અને સમાજમાં ન્યાય પર લોકોનો ભરોસો કાયમ રહે એ માટે કડક સજા પણ સુરત કોર્ટ કરી રહી છે.
દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા
સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની માસૂમ બાળકીને મૂળ બિહારના બક્સર જિલ્લાના વતની 24 વર્ષીય અનિલ યાદવે 14 ઓક્ટોબર 2018ના રોજ ચોકલેટ આપવાના બહાને પોતાની સાથે લઈ જઈ દુષ્કર્મ આચરી હત્યા કરી હતી.જેને સુરત એડિશનલ સેશન્સ જજ પી.એસ.કાલાએ માન્ય રાખી તા.31મી જુલાઈ 2019ના રોજ અનિલ યાદવને ફાંસીની તથા દંડની સજા ફટકારી હતી.
10 દિવસમાં જ દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા
સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે 4 નવેમ્બરના રોજ દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં ગુડ્ડુ યાદવને દોષી ઠેરવી સેશન્સ કોર્ટે 7 ડિસેમ્બરે ફાંસીની સજા ફટકારી હતી.આ કેસમાં પણ પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી.7મીએ કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરાઇ હતી,સાથે જ બાળકીના પરિવારને 20 લાખની સરકારી વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો.
દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરનારાને ફાંસીની સજા
સુરતના પાડેસરામાં ડિસેમ્બર-2020માં માત્ર 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટોના ઘા મારી પાશવી હત્યા કરનારા આરોપી દિનેશ બૈસાણેને સેશન્સ કોર્ટે 16 ડિસેમ્બરના રોજ ફાંસીની સજા સંભળાવી હતી.ગત 10 ડિસેમ્બરના રોજ એડિશનલ સેશન્સ જજ એન.એ.અંજારિયાએ આરોપી દિનેશને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી.
કિશોરી અને તેની માતાની હત્યા કરનાર એકને ફાંસી, એકને આજીવન કેદ
6 એપ્રિલ, 2018ના રોજ ભેસ્તાન સાંઇ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 11 વર્ષની કિશોરીનો મૃતદેહ મળ્યો હતો.તેની પર જાતીય હુમલો અને દુષ્કર્મ થયું હતું.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ દરમિયાન 6 દિવસ બાદ સચિન-મગદલ્લા હાઇવે પર એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો.જેને ગળેફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.આ કેસમાં સીસીટીવી મળતાં એમાં કાળા કલરની કારમાં આ મૃતદેહને કોઇ ફેંકી ગયું હોવાનું સામે આવ્યું હતું.જોકે આરોપીએ હત્યા બાદ માતા અને દીકરીના મૃતદેહનો અલગ-અલગ સ્થળે નિકાલ કર્યો હતો.બંને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતાં પહેલાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો,જેમાં બંને માતા-પુત્રી હોવાનું ખૂલ્યું હતું.નરાધમે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતુ અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ કિશોરીના ગુપ્તાંગમાં લાકડી નાંખી મોતને ઘાટ ઉતારી હતી.કોર્ટમાં બંને કેસ સાથે જ ચલાવવા માટે કરાયેલી અરજી મંજૂર રહેતા 4 માર્ચના રોજ કોર્ટમાં બંને આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.જેમાં બંને આરોપીમાંથી હર્ષસહાયને ફાંસી અને હરિઓમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
11 વર્ષની કિશોરીની દુષ્કર્મ બાદ હત્યા
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત 20મી ફેબ્રુઆરી 2022ના રોજ 11 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરાઇ હતી.પોલીસે આ કેસમાં બે આરોપીને ઝડપ્યા હતા.સમગ્ર કેસમાં 42 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આરોપીઓનું કૃત્ય નિર્દયી હતું.બાળકીને લોહીલુહાણ હાલતમાં રૂમમાં બંધ કરીને આરોપીઓ નાસી ગયા હતા.માનવતાને લજવે એવું કૃત્ય હોવાથી ફાંસીની સજાની માગ કરાઈ હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખીને એકને ફાંસી અને સહાયતા કરનારને આજીવન કેદની સજા ફટકારી હતી.
એકતરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપી હત્યા કરી
સુરતના પાસોદરામાં ફેનિલ ગોયાણી નામના યુવકે એકતરફી પ્રેમમાં ગ્રીસમાં વેકરિયા નામની યુવતીની જાહેરમાં હત્યા કરી હતી.આ હત્યાનો વીડિયો પણ સામે આવ્યો હતો.જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે 5 મે 2022ના રોજ ફાંસીની સજા ફટકારી હતી.કોર્ટે ગ્રીષ્માની હત્યાનો કેસ રેરેસ્ટ ઓફ ધી રેર ગણાવ્યો.કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માનાં પરિવારજનો હાજર હતાં.કોર્ટમાં ચુકાદાની શરૂઆત કરતા જજ વિમલ કે. વ્યાસે કહ્યું હતું કે દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે અને ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ હત્યા
સુરતના પુણા ગામમાં 13મી એપ્રિલ 2022ના રોજ એક શખસે ઘર નજીકથી બાળકીને ઊંચકીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ પિશાચી કૃત્ય આચર્યું હતું.ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેના માથામાં પથ્થર મારી હત્યા કરી ખાડામાં દાટી દેનારો આરોપી રામપ્રસાદસિંહ સીસીટીવીમાં ઝડપાઇ ગયો હતો.સીસીટીવીની મદદથી આરોપીની ઓળખ થઈ હતી. કોર્ટે 20 જુલાઈ 2022ના રોજ આરોપીને દોષિત ઠેરવ્યો હતો.ત્યાર બાદ 26 જુલાઈના રોજ આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો,જેમાં નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
કતારગામમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
સુરતના કતારગામ વિસ્તારમાં ગત ડિસેમ્બરમાં સાત વર્ષની બાળકી સાથે બર્બરતાપૂર્ણ દુષ્કર્મ બાદ હત્યા કરાઇ હતી. 42 વર્ષીય નરાધમ મુકેશ ઉર્ફે મૂકો પંચાલ 6 વર્ષ અને 8 મહિનાની બાળકીને કૂતરાને બિસ્કિટ ખવડાવવાની લાલચ આપી સાથે લઇ ગયો હતો.બાદમાં તેના જ ઘરમાં બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી નાખી હતી.આરોપીએ 7 વર્ષની માસૂમને પીંખ્યા બાદ હત્યા કરી વિકૃત આનંદ માણતા પેટ ભરીને ભોજન લીધું હતું તથા બાળકીની માતા સાથે પણ ક્રૂર મજાક કરી હતી.ત્યારે આ મામલે કોર્ટમાં દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપી મુકેશ પંચાલને ફાંસીની સજા ફટકારી હતી.
મિત્રની બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા
સુરતના સચિન સ્થિત ક્પલેઠા ગામમાં રહેતા એક શ્રમિક પરિવારની બે વર્ષીય બાળકીને તેના પિતાનો મિત્ર ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ 27 ફેબ્રુઆરી 2023ના રોજ રમાડવા આવ્યો હતો અને બાદમાં બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો.બાળકી મોડે સુધી ઘરે પરત નહિ આવતાં પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી.સાથે બનાવની જાણ પોલીસને કરી હતી.બાળકીનો મૃતદેહ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયા હોવાની સ્થિતિમાં બંધ મકાનના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો.બે વર્ષની બાળકીને નરાઘમે પેટના ભાગે બચકાં ભર્યા હતા.સુરત કોર્ટે 5 મહિનામાં જ આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદને દોષિત જાહેર કરી 2 ઓગસ્ટે ફાંસીની સજા સંભળાવી હતી.