સુરતમાં સર્જાયો દેશભક્તિનો માહોલ : તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

96

સુરત,તા.14 ઓગષ્ટ 2023,સોમવાર : સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સવારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી હતી.આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો બાળકો અને મહિલાઓ જોવા મળ્યા હતા.સુરતની આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી,રાજ્ય સરકારના બે મંત્રી,પ્રદેશ પ્રમુખ,મેયર સહિત અનેક મહાનુભવો તિરંગા યાત્રામાં જોડાયા હતા.

સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના વિસ્તારમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.તિરંગા યાત્રા નીકળે તે પહેલા જ શહેરના અનેક બાળકો અને યુવાનો યાત્રા સ્થળે ભેગા થઈ ગયા હતા.હાથમાં તિરંગા સાથે હજારો યુવાનો ભારત માતાકી જયના નારા સાથે જોડાતા દેશભક્તિનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.સુરતના પ્રથમ નાગરિક હેમાલી બોગાવાળા,કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ,રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી,નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત અનેક મહાનુભવો પણ આ યાત્રામાં જોડાયા હતા.

સુરત મહાનગરપાલિકાએ “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કર્યું છે જેને બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળી રહ્યો છે.જેના કારણે આજની આ પદયાત્રામાં હજારો યુવાનો હાથમાં તિરંગો લઈ “વંદે માતરમ” અને “ભારત માતા કી જય” ના નારા સાથે જોવા મળ્યા હતા.

Share Now