રાજકોટમાં પોતાને કલ્કી અવતાર કહેનારા પૂર્વ સરકારી કર્મચારી રમેશ ફેફરની પોલીસે અટકાયત કરી છે.વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં બ્રહ્મ સમાજના આગેવાનોએ પોલીસને લેખિતમાં ફરિયાદ આપી હતી,ત્યારબાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.બ્રહ્મ સમાજના આગેવાનોએ પોલીસને બોલાવી રમેશ ફેફરના ઘરે વિરોધ કર્યો હતો.બ્રહ્મ સમાજ વિશે જેમ તેમ બોલનાર રમેશકુમાર ફેફરને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.બ્રહ્મ સમાજના યુવાનો પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
શહેરમાં રહેતા અને સરકારી પૂર્વ કર્મચારી રમેશ ફેફર પોતાને કલ્કી અવતાર ગણાવે છે.પરંતુ આ કર્મચારીએ તો આ વખતે હદ કરી નાંખી.વિવાદોનો બીજો પર્યાય બની ગયેલા રમેશ ફેફરે બ્રહ્મ સમાજનું સૌથી મોટું અપમાન કર્યુ.તેણે બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની સરખામણી રાક્ષસ સાથે કરી અને બ્રાહ્મણોનો નાશ થશે તેવી ભવિષ્યવાણી કરી નાંખી હતી.જોકે આ વ્યક્તિ આટલે જ અટક્યો ન હતો.તેણે ચંદ્રયાન-3ના લેન્ડિંગને પણ સરકારનું પબ્લિસિટી સ્ટંટ ગણાવી દીધો.જે ક્ષણ દેશવાસીઓ માટે ગૌરવ સમાન હતી તે ક્ષણને આ તુચ્છ જીવે 615 કરોડ રૂપિયાના ચૂંટણી પ્રચાર ગણાવી દીધો.રમેશ ફેફર અગાઉ પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યો છે.જોકે આ વખતે તેણે બ્રહ્મ સમાજનું અપમાન કરીને પોતાની મુશ્કેલી વધારી દીધી છે.કેમ કે બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે તેમનું મોં કાળું કરનાર વ્યક્તિને 11,000 રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે અને આગામી સમયમાં આવા વ્યક્તિ સામે ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
મહત્વનું છે કે પૂર્વ સરકારી કર્મચારી રમેશ ફેફરે દાવો કર્યો હતો કે તે કલ્કી અવતાર છે.અહીં સુધી તો ઠીક છે પરંતુ આ મહાશયે સરકારને ધમકી આપી હતી કે જો તેમને પગાર નહીં ચૂકવવામાં આવે તો દુષ્કાળ લાવી દેશે.તેમણે સરકારને પત્ર લખીને પોતાનો એક વર્ષનો પગાર અને ગ્રેચ્યુઈટીના રોકેલા રૂપિયા 16 લાખ રૂપિયા તાત્કાલિક આપવા માગણી કરી હતી.ત્યારથી તે અવારનાર ભગવાન અને વિવિધ સમાજ વિશે વિવાદિત નિવેદન કરીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરે છે.પરંતુ આવા માનસિક રીતે બીમાર વ્યક્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.
સૌ સુખી રહે, સૌ રોગમુક્ત રહે, સૌનું જીવન મંગલમય રહે અને કોઈ દુઃખમાં ભાગી ન બને. હે ભગવાન અમને એવું વરદાન આપો!… વિશ્વ કલ્યાણની ભાવના સાથે ચાલનાર એટલે બ્રાહ્મણ.જે પોતાનું નહિ વિશ્વનું કલ્યાણ થાય તેવું વર માંગનાર એટલે બ્રાહ્મણ.બ્રાહ્મણનું અપમાન એટલે સમગ્ર વિશ્વનું અપમાન ગણાય છે તેવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.
પોતાને ભગવાન કલ્કિનો અવતાર ગણાવીને જેમણે પહેલાં જ દેવી – દેવતાઓનું અપમાન કર્યું છે તેઓએ હવે પવિત્ર શ્રાવણ માસમાં બ્રાહ્મણોનું અને ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનું પણ ઘોર અપમાન કર્યું છે.રમેશચંદ્ર ફેફરના આ દુષ્કૃત્ય બદલ બ્રહ્મસમાજમાં રોષની જ્વાળા ઉઠી છે અને આ અપમાનને બ્રહ્મસમાજ કદી નહિ ભૂલે તે નક્કી છે. સાંસ્કૃતિક અસ્મિતાના વાહક,માતા સરસ્વતીના ઉપાસક એવાં ભૂદેવો યુગો યુગોથી ધર્મ અને જ્ઞાનનો ફેલાવો કરી રહ્યાં છે.સાથે જ ચિરંજીવ આરાધ્યદેવ ભગવાન પરશુરામનો અનાદર તે સમગ્ર બ્રહ્મ તેજનો અનાદર છે.
રમેશ ફેફર માનસિક બિમારીથી પીડાતા હોય તેવું લાગી રહ્યું છે અને તેથી જ સનાતન ધર્મને બદનક્ષીથી બચાવવા માટે રાજકોટના ખ્યાતનામ ન્યુરોસર્જન ડૉ.હેમાંગ વસાવડાએ જાહેર કર્યું છે કે તેઓ રમેશભાઈની સારવાર તદ્દન નિઃશુલ્ક કરશે.આ અનાદર સામે ન્યાયિક કાનૂની પગલાં લેવામાં આવશે અને સાથે જ બ્રહ્મ અગ્રણી તરીકે હું જાહેર કરું છું કે જે વ્યક્તિ રમેશ ફેફરનું મોં કાળું કરશે તેઓને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાંગ રાવલ તરફથી 11,000/- ઈનામ સ્વરૂપે આપવામાં આવશે.