– ગુજરાતને બાદ કરી રાજસ્થાન,મહારાષ્ટ્ર,બિહાર,તામિલનાડુ,છત્તીસગઢ,કર્ણાટક,કેરળમાં ભારે વરસાદની શક્યતા
નવી દિલ્હી : અનેક રાજ્યોમાં સામાન્યથી લઇને ભારે વરસાદ પડી રહ્યો છે.ઉત્તર પ્રદેશમાં વરસાદ સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓમાં ૨૪ કલાકમાં ૧૯ લોકોના મોત નિપજ્યા હતા. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં ૧૫ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. ૧૪મી તારીખ સુધી રાજસ્થાન,બિહાર,મધ્ય પ્રદેશ,પશ્ચિમ બંગાળ,ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૨૪ કલાકમાં કેરળ,બિહાર,છત્તીસગઢ,તેલંગાણા,ગોવા,મધ્ય મહારાષ્ટ્ર,કર્ણાટક,તામિલનાડુ વગેરેમાં ભારે વરસાદ પડશે.ઉત્તર પ્રદેશમાં વરસાદ દરમિયાન વિજળી પડવા સહીતની વિવિધ ઘટનાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ લોકોના મોત નિપજ્યા હતા.ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કલાકો સુધી વરસાદ પડયો હતો તેથી શહેરમા બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઇ ગયા હતા. ઉત્તર પ્રદેશમાં હજુ પણ અતી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રવિવારે સવારથી લઇને સોમવારે સવાર સુધીમાં ૯૩ મિલીમીટર વરસાદ પડયો હતો,જે આ ચોમાસાનો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે. લખનઉમાં ગયા વર્ષે ૧૬મી સપ્ટેમ્બરના રોજ ભયંકર વરસાદ પડયો હતો અને ૩૬ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.હવામાન વિભાગે રાજ્યના ૩૫ જિલ્લામાં સામાન્યથી લઇને ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે.જોકે જે ૧૫ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે તેમાં ગુજરાતનો સમાવેશ નથી થતો.ગુજરાતના નજીકના રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે