નિફટીએ ઇતિહાસ સર્જ્યો : 20,000ની સપાટી કૂદાવી

60

– રોકાણકારોની સંપત્તિ રૂ. ૩.૩૨ લાખ કરોડ વધીને રૂ. ૩૨૪.૨૬ લાખ કરોડની સપાટીએ
– મિડ-કેપ શેરોની તેજી ચિંતાજનક વાંચો વેપાર પાને

અમદાવાદ : ભારતીય શેરબજારમાં એપ્રિલમાં શરૂ થયેલ એક બિગ બુલરન જુલાઈમાં અટક્યો હતો પરંતુ ફરી ગત સપ્તાહે સપ્ટેમ્બરની શરૂઆતથી જ કોન્સોલિડેશનના તબક્કા બાદ બજારમાં નવી તેજીનો દોરી સંચાર જોવા મળી રહ્યો છે અને આ જ કરંટમાં નિફટી ૫૦ ઈન્ડેકસે આજે નવો લાઈફહાઈ બનાવવાની સાથે ઈન્ટ્રાડે ૨૦,૦૦૮ ની નવી ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો,જ્યારે સેન્સેક્સે પુનઃ ૬૭૦૦૦ની સપાટી હાંસલ કરી હતી.

૨૮ જૂને પહેલીવાર ૧૯,૦૦૦ને પાર કર્યા પછી ૫૨ ટ્રેડિંગ સેશનમાં નિફટીએ ૧૦૦૦ પોઈન્ટની તેજી દર્શાવીને આજે ૨૦,૦૦૦ની સપાટી કૂદાવી હતી.જોકે ઇન્ડેક્સ જુલાઈમાં જ ૨૦,૦૦૦ને વટાવી જવાની તૈયારીમાં હતો,પરંતુ માત્ર આઠ પોઇન્ટના અંતરેથી ૧૯,૯૯૨ની વિક્રમી ઊંચી સપાટી બનાવી હતી પરંતુ ઉપલા મથાળેથી ભારે વેચવાલીે જોવા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નિફ્ટી ૫૦ જુલાઈમાં જ ૨૦,૦૦૦ની સપાટીને પાર કરી ગયો હોત તો તે ઈન્ડેક્સના ઈતિહાસમાં સૌથી ઝડપી ૧૦૦૦ પોઈન્ટની તેજી હોત.જોકે હજી પણ આ ૫૨ સેશનની તેજી સાથે પાંચમી-સૌથી ઝડપી ૧૦૦૦-પોઇન્ટની તેજી તરીકે સ્થાન મેળવ્યું છે.

ઓગસ્ટના અંતે બજારમાં ૧૯,૦૦૦નું લેવલ તૂટવાનો ભય હતો પરંતુ સપ્ટેમ્બર એફએન્ડઓ એક્સપાયરીની શાનદાર શરૂઆત સાથે ૧૯,૨૦૦થી લગભગ ૭૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળી ચૂક્યો છે.આ સાથે ૨૦ માર્ચ, ૨૦૨૩ના નીચલા સ્તર ૧૬,૮૨૮થી ઇન્ડેક્સ ૩૧૫૦ પોઈન્ટથી વધુ વધ્યો છે.

૧૯,૦૦૦થી ૨૦,૦૦૦ની આ ઉતાર-ચઢાવ ભરી તેજીમાં સૌથી મહત્વનો ફાળો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ આપ્યો છે.ત્યારબાદ ટોપ કોન્ટ્રીબ્યુટરની યાદીમાં ઈન્ફોસિસ અને લાર્સન એન્ડ ટુબ્રો સામેલ છે.ત્રણેય શેરોએ મળીને ૧૦૦૦ પોઈન્ટના ઉછાળામાં લગભગ અડધાથી વધુ ફાળો આપ્યો છે.

જોકે આ તેજીમાં એચડીએફસી બેંક,કોટક મહિન્દ્રા બેંક,એશિયન પેઇન્ટ,યુપીએલ જેવા પણ કેટલાક શેર છે જેમણે ભાગ લીધો નથી.જોકે સપ્ટેમ્બરની એફ એન્ડ ઓ સીરીઝની શરૂઆતથી ઇન્ડેક્સમાં જે ઉથલપાથલ જોવા મળી છે તેમાં એચડીએફસી બેંકે મુખ્ય ભૂમિકા ભજવી છે.ટકાવારીની દ્રષ્ટિએ નિફટી ૫૦માં સામેલ એનટીપીસી અને કોલ ઈન્ડિયા જેવી સરકારી કંપનીઓના શેર વધ્યા છે,જ્યારે યુપીએલ,બ્રિટાનિયા અને એચયુએલ ટોપ લુઝર્સ છે.

આજે કામકાજના અંતે નિફ્ટી ૧૭૬.૪૦ પૉઈન્ટ વધીને ૧૯૯૯૬.૩૫ ની નવી ટોચે બંધ રહ્યો હતો,જ્યારે સેન્સેક્સ ૫૨૮ પૉઈન્ટ ઊછળીને પુનઃ ૬૭,૦૦૦ની સપાટી કૂદાવી ૬૭,૧૨૭ બંધ રહ્યો હતો.આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૩૨ લાખ કરોડનો વધારો થતાં અંતે રૂ. ૩૨૪.૨૬ લાખ કરોડ રહી હતી.

– વિશ્વના શેરબજારોમાં તેજી : અમેરિકાના ફુગાવા પર રોકાણકારોની નજર

બેઇજિંગ : વિશ્વના મોટા ભાગના શેરબજારોમાં આજે તેજી જોવા મળી હતી.વિશ્વના શેરબજારો અમેરિકાના ફુગાવા અને ચીનના આર્થિક આંકડાઓની રાહ જોઇ રહ્યાં છે.હોંગકોંગ અને ટોક્યોના બેન્ચમાર્કમાં ઘટાડો જોવા મળ્યો હતો.જ્યારે શાંઘાઇ,પેરિસ,ફ્રેંકફર્ટ અને લંડનમાં વધારો જોવા મળ્યો હતોે.જર્મનીના શેરબજારમાં પણ આજે તેજી રહી હતી.ચાલુ સપ્તાહમાં ચીનના આર્થિક આંકડાઓ જારી થશે..

Share Now