
દિલ્હી સરકારે શિયાળામાં વધતા વાયુ પ્રદૂષણ પર અંકુશ લગાવવા માટે મોટો નિર્ણય લીધો છે.આ જ એક્શન પ્લાન હેઠળ દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા બનાવવા પર, વેચાણ,સંગ્રહ અને તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ વર્ષે પણ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.દિલ્હી સરકારે આજે વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે.
આ પ્રતિબંધ માત્ર ફટાકડા ફોડવા પર જ નહીં પરંતુ તેના ઉત્પાદન અને વેચાણ પર પણ લાગશે.એટલે કે, દિલ્હીના સરહદી વિસ્તારમાં ફટાકડાના ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ પરનો પ્રતિબંધ પહેલાની જેમ જ યથાવત રહેશે.પ્રતિબંધ હોવા છતાં આવું કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જારી કર્યા નિર્દેશ
આ અંતર્ગત દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે નિર્દેશ જારી કર્યા છે.પર્યાવરણ મંત્રીએ કહ્યું કે, સરકારે ફટાકડાનું ઉત્પાદન,સંગ્રહ,વેચાણ (ઓનલાઈન વેચાણ સહિત) અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે.દિલ્હી પોલીસને તેના માટે લાયસન્સની પરવાનગી ન આપવાના નિર્દેશ જારી કર્યા છે.તેમણે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે, શિયાળામાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી જાય છે.તેનો સામનો કરવા માટે દિલ્હી સરકારે વિન્ટર એક્શન પ્લાન પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ શહેરમાં તમામ પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણલ લીધો છે.
પર્યાવરણ વિભાગે ફાઈલ મુખ્યમંત્રીને મોકલી, એલજીની પણ પરવાનગી લેવામાં આવશે
શિયાળાની શરૂઆત પહેલા જ દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ યથાવત રાખવાનું એલાન કરી દેવામાં આવ્યું છે.દિલ્હીના પર્યાવરણ વિભાગ દ્વારા તેની ફાઈલ મુખ્યમંત્રીને મોકલવામાં આવી છે.મુખ્યમંત્રી બાદ મંજૂરી માટે ફાઈલ એલજીને પણ મોકલવામાં આવશે.એલજીની મંજૂરી બાદ નોટિફિકેશન જારી કરવામાં આવશે.નોટિફિકેશનની તારીખથી નવા વર્ષ સુધી પ્રતિબંધ યથાવત રહેશે.
દર વર્ષે દિવાળી બાદ રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધી જાય છે અને વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ જાય છે.હવાની ગુણવત્તા ઘટવાના કારણે દર વર્ષે દિલ્હી વાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.