શિવસેનાના ધારાસભ્યોની અપાત્રતા બાબતે 14મી સપ્ટે.થી સુનાવણી

41

– શિંદેની શિવસેના તથા ઉદ્ધવ જૂથના સભ્યોને સુનાવણીમાં હાજર રહેવા નોટિસો
– 40 ધારાસભ્યોને પુરાવા સાથે હાજર રહેવા જણાવાયું, પોતાનું પદ બચાવવા દલીલો પણ કરી શકશે : સીએમ શિંદે સહિતના 16 ધારાસભ્યોનું ભાવિ નક્કી થશે

મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેનામાં બે ફાંટા પડયા બાદ સર્જાયેલી રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં શિવસેનાના બંને જૂથના ધારાસભ્યોની પાત્રતા બાબતે નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટમાં આગામી તા. ૧૪મી સપ્ટેમ્બરથી સુનાવણી શરુ થવાની સંભાવના છે.

મુખ્યપ્રધાન એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેના તથા ઉદ્ધવ જૂથનાં વડપણ હેઠળની શિવસેના-યુબીટી એમ બંનેના કુલ ૪૦ ધારાસભ્યોને વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં હાજર થવા જણાવાયું છે.ધારાસભ્યોને તેમની પાત્રતાના ટેકામાં તમામ દસ્તાવેજો સાથે રાખવા જણાવાયું છે. તેઓ પોતાનું પદ બચાવવા માટે રુબરુ દલીલો પણ કરી શકશે.

ગત વર્ષે એકનાથ શિંદેના વડપણ હેઠળ શિવસેનામાં બળવો થતાં ઉદ્ધવ સરકારનું પતન થયું હતું.આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે જે રીતે ઉદ્ધવ સરકારને વિશ્વાસ મત માટે કહેવાામાં આવ્યું હતું તે તત્કાલીન રાજ્યપાલનું અયોગ્ય પગલું હતું.પરંતુ, ઉદ્ધવે વિશ્વાસ મતનો સામનો કર્યા વિના જ રાજીનામું ધરી દીધું હોવાથી હવે તેમની સરકારને પુનઃબહાલ કરી શકાય નહીં.તે વખતે ધારાસભ્યોની અપાત્રતાનો મુદ્દો સુપ્રીમ કોર્ટે સ્પીકર પર છોડયો હતો.જોેકે, ગત મે માસમાં સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી પણ સ્પીકર રાહુલ નાર્વેકરે તત્કાળ સુનાવણી નહીં કરતાં ઉદ્ધવ જૂથ દ્વારા ફરી સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી હતી.

બીજી તરફ, સ્પીકર દ્વારા બંને જૂથના ૪૦ ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે.તેમાં ખાસ તો શિંદે જૂથના ૧૬ ધારાસભ્યોએ જે તે સમયે પાર્ટીએ આપેલા વ્હિપનો ભંગ કર્યો હતો કે કેમ અને જો કર્યો હોય તો તેમને ગેરલાયક ઠેરવવા કે કેમ તે બાબતે ફેંસલો થવાનો છે.તે વખતે ખરેખર અસલી શિવસેના કોની હતી અને કોના દંડક દ્વારા અપાયેલો વ્હિપ કાયદેસર હતો તે બાબતે નિર્ણય થવાની સંભાવના છે.

શિંદે સરકારનું પતન થશે કે નહીં , અનેક રાજકીય મતમતાંતર

રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે ખુદ મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત તેમના જૂથના ૧૬ ધારાસભ્યોનું ધારાસભ્યપદ જોખમાઈ શકે છે.જોેકે, તેમ છતાં પણ જો સ્પીકર ખરેખર શિંદે જૂથની વિરુદ્ધ નિર્ણય કરે તો પણ એકનાથ શિંદે સરકારનું પતન થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.શિંદે સરકારને ટકાવવી રાખવી કે નહીં તેની બાજી ભાજપના હાથમાં છે.

ગત જુલાઈ માસમાં એનસીપીમાંથી અલગ પડેલા અજિત પવાર પોતાના ટેકેદારો સાથે સરકારમાં જોડાયા છે.મુખ્યમંત્રી એકનાથ શિંદે જો ધારાસભ્યપદેથી ગેરલાયક ઠરે તો તેમને રાજીનામું અપાવી અજિત પવારને મુખ્યમંત્રી બનાવવાનો તખ્તો ભાજપે ઘડયો હોવાનું લાંબા સમયથી ચર્ચાતું રહે છે.જોેકે, શિંદે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરે તો પણ તેમને વિધાન પરિષદના સભ્ય બનાવી મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખી શકાય છે.ઉદ્ધવ ઠાકરે વિધાન પરિષદના સભ્ય તરીકે જ મુખ્યમંત્રી પદે આરુઢ થયા હતા.

ખુદ અજિત પવાર એનસીપીમાં બળવો કર્યા અગાઉથી એવું કહેતા રહ્યા છે કે જો તમામ ૧૬ ધારાસભ્યો ગેરલાયક ઠરે તો પણ સેના-ભાજપ સરકારને કોઈ ખતરો નથી કારણ કે તેવા સંજોગોમાં વિધાનસભાનું વાસ્તવિક સંખ્યાબળ નીચું આવશે અને તેટલા સભ્યોની હાજરીમાં બહુમતી પુરવાર કરવા માટે ભાજપ-સેના પાસે પૂરતું સંખ્યાબળ છે.

ભાજપ ઈચ્છે તો શિંદે ધારાસભ્યપદેથી ગેરલાયક ઠર્યાની આડ લઈને વહેલી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરાવી શકે છે.સંસદના આગામી સત્રમાં લોકસભા તથા વિધાનસભા ચૂંટણીઓ એકસાથે કરવાનો ખરડો આવશે એમ કહેવાય છે.જો તેવું બને તો મહારાષ્ટ્ર આ ચૂંટણી એકસાથે યોજવા માટેનો ફિટ કેસ બનશે.

ભાજપ શિંદે જૂથના બાકીના ધારાસભ્યો,અજિત જૂથ તથા અન્ય અપક્ષોના ટેકાથી દેવેન્દ્ર ફડણવીસનાં વડપણ હેઠળ સરકાર રચવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખી શકે છે.ભાજપ દ્વારા વખતોવખત થયેલા સર્વેમાં એવું બહાર આવ્યાનું કહેવાય છે કે એકનાથ શિંદે ચૂંટણી મેદાનમાં ભાજપને બહુ મદદ કરી શકે તેમ નથી.

સુનાવણી ધીમી પાડવા એક એક ધારાસભ્યનો ૬ હજાર પેજનો જવાબ

શિંદે જૂથના એક એક ધારાસભ્ય દ્વારા સ્પીકરની નોટિસના જવાબમાં છ-છ હજાર પાનાનો વિગતવાર પ્રત્યુત્તર તૈયાર કરાયો છે.પક્ષના લીગલ સેલ દ્વારા જ આ પ્રત્યુતર તૈયાર કરાયો હોવાનું કહેવાય છે.શિવેસના-યુબીટીનો આક્ષેપ છે કે સ્પીકર સમક્ષ સુનાવણી લાંબા સમય સુધી ચાલતી રહે અને મહિનાઓ મહિનાઓ સુધી તેનો કોઈ નિર્ણય ન આવે તે માટે જાણીબૂઝીને આવો વિસ્તૃત ઉત્તર તૈયાર કરાયો છે.

શિંદે સહિત કયા ૧૬ ધારાસભ્યોનું ભાવિ નક્કી થશે

એકનાથ શિંદે, તાનાજી સાવંત, પ્રકાશ સુર્વે, બાલાજી કિનીક્કર, લતા સોનવણે, અનિલ બાબર, યામિની જાધવ, સંજય શિરસાટ, ભરત ગોગવલે, સંદિપન ભુમરે, અબ્દુલ સત્તાર, મહેશ શિંદે, ચિમનરાવ પાટીલ, સંજય રાઈમુલ્કર, બાલાજી કલ્યાણકર, રમેશ બોરોન

Share Now