ઈઝરાયેલીઓ પરના 27 હુમલા અમે નિષ્ફળ બનાવ્યા છે, ઈરાનને તેની કિંમત ચુકવવી પડશે : મોસાદ

67

તેલ અવીવ,તા.13 સપ્ટેમ્બર 2023,બુધવાર : દુનિયાભરમાં જેની હાક વાગે છે તે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના ચીફ ડેવિડ બાર્નિયાએ ખુલાસો કર્યો છે કે, છેલ્લા એક વર્ષમાં ઈરાનના 27 હુમલા મોસાદે નિષ્ફળ બનાવ્યા છે.આ તમામ હુમલા દુનિયાભરમાં ઈઝરાયેલ અને યહૂદીઓને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યા હતા.સાથે સાથે તેમણે ચેતવણી આપતા કહ્યુ હતુ કે, જો ભવિષ્યમાં ઈરાને ઈઝરાયેલ કે તેના નાગરિકોને ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી તો મોસાદ તેનો જડબાતોડ જવાબ આપશે.

ઈઝરાયેલમાં યોજાયેલા એક કાઉન્ટર ટેરરિઝમ પરના સંમેલનમાં બોલતા ડેવિડ બાર્નિયાએ કહ્યુ હતુ કે, હુમલાનુ કાવતરૂ ઘડનારા જે લોકોને પકડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી જે હથિયારો પકડાયા હતા તે જોતા સ્પષ્ટ હતુ કે, તેમના ટાર્ગેટ નક્કી હતા અને તેઓ યુરોપ,આફ્રિકા,દક્ષિણ અમેરિકામાં ઈઝરાયેલના હિતોને નુકસાન પહોંચાડવા માટે હુમલા કરવાના હતા.

બાર્નિયાએ કહ્યુ હતુ કે, જુનમાં સાઈપ્રસમાં ઈઝરાયેલી નાગરિકોના વિસ્તાર પર હુમલો કરવાનો ઈરાનનો પ્લાન નિષ્ફળ બનાવાયો હતો.ગ્રીસમાં પણ એક યહૂદી રેસ્ટોરન્ટ પર આતંકી હુમલાની યોજના હતી અને તેમાં બે પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.અમે દૂનિયાભરમાં યહૂદીઓને નુકસાન પહોંચાડવાના પ્રયાસોમાં સતત વધારો જોઈ રહ્યા છે.અમે અત્યારે પણ ઈરાન સામે જંગ લડી રહ્યા છે.જેથી દુનિયાભરમાં યહૂદીઓ તેમજ ઈઝરાયેલી નાગરિકોના મોત થતા રોકી શકાય.ઈરાને તેની કિંમત ચુકવવી પડશે.ઈરાન પાસે અમારાથી બચવાનો કોઈ વિકલ્પ નથી.

Share Now