
નવી દિલ્હી : દેશના રાજકારણમાં ગુનેગારોનું વધતું પ્રમાણ રોકવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરાયા છે ત્યારે કોઈપણ ગુનામાં દોષિત ઠરેલા સાંસદો-ધારાસભ્યોને ચૂંટણી લડવા વર્તમાન છ વર્ષના પ્રતિબંધની જગ્યાએ આજીવન પ્રતિબંધ મૂકવા માટે એમિકસ ક્યુરીએ સુપ્રીમ કોર્ટને ભલામણ કરી છે.સુપ્રીમ કોર્ટ દ્વારા સંસદો-ધારાસભ્યો વિરુદ્ધ ગુનાઈત કેસ સાથે સંકળાયેલી બાબતોમાં નિયુક્ત એમિકસ ક્યુરીએ તેનો ૧૯મો રિપોર્ટ રજૂ કર્યો છે.ન્યાય મિત્રે મુખ્ય ન્યાયાધીશ ચદ્રચૂડના અધ્યક્ષપદે બેન્ચને આ ભલામણ કરી હતી.
કોઈપણ ગુના બદલ દોષિત ઠેરવાયેલા કર્મચારીઓ પર કાયમી પ્રતિબંધ મૂકાય છે ત્યારે નેતાઓ પર માત્ર છ વર્ષનો પ્રતિબંધ અતાર્કીક
મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડના અધ્યક્ષપદની બેન્ચ સમક્ષ ન્યાય મિત્ર વિજય હંસારિયો કહ્યું કે, સાંસદ અને ધારાસભ્ય સામાન્ય જનતાની સંપ્રભુ ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે અને એક વખત નૈતિક અધમતા સંબંધિત ગુના કરતા દોષિત ઠરે તો તેમને ચૂંટણી લડવા માટે સ્થાયીરૂપે અયોગ્ય ઠેરવી દેવા જોઈએ. એમિકસ ક્યુરી હંસારિયાએ તેમના રિપોર્ટમાં કહ્યું કે, કેન્દ્રીય વિજિલન્સ પંચ કાયદા, ૨૦૦૩ અને લોકપાલ તથા લોકાયુક્ત કાયદા, ૨૦૧૩ હેઠળ દોષિત ઠેરવાયા પછી સ્થાયી અયોગ્યતા ધારણ કરવાથી હટાવવાની જોગવાઈ છે. કલમ ૮ હેઠળ ગુનાને ગંભીરતા અને ગંભીરતાના આધાર પર વર્ગીકૃત કરાઈ છે, પરંતુ બધા જ કેસોમાં દોષિત ઠર્યા પછી અયોગ્યતા માત્ર ૬ વર્ષના સમય માટે જ છે.
વિજય હંસારિયાએ તેમના રિપોર્ટમાં સિવિલ સેવકો સંબંધિત નિયમો તરફ ઈશારો કર્યો છે.અનૈતિક કાર્યો સંબંધિત કોઈપણ ગૂના માટે દોષિત ઠેરવાયેલા કર્મચારીને બરખાસ્ત કરવાની સરકારમાં જોગવાઈ છે અને કેન્દ્રીય વિજિલન્સ કમિશન તથા માનવાધિકાર પંચ જેવા કાયદાકીય એકમો સંબંધિત કાયદાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે,જેમાં આવા ગુનાઓ માટે દોષિત ઠેરવાયેલી કોઈપણ વ્યક્તિને ટોચના પદો પર નિમણૂક માટે સ્પષ્ટરૂપે અયોગ્ય જાહેર ઠરે છે.
હંસારિયાના રિપોર્ટમાં તર્ક અપાયો છે કે કોઈ કાયદાકીય પદ પર કોઈપણ દોષિત અધિકારી અથવા પ્રાધિકારીની નિમણૂક થઈ શકતી નથી તો એ સ્પષ્ટરૂપે અતાર્કીક છે કે આ જ પ્રકારની સજા માટે દોષિત કોઈ વ્યક્તિ સજાની નિશ્ચિત મુદત પૂરી થયા પછી દેશ અથવા રાજ્યોના સર્વોચ્ચ વિધાન મંડળ સંસદ અથવા વિધાનસભા-વિધાનપરિષદમાં આવીને બેસી શકે છે.કાયદા નિર્માતાઓ આવા કાયદા હેઠળ પદ સંભાળનારી વ્યક્તિઓની સરખામણીમાં વધુ પવિત્ર અને અભેદ્ય હોવું જોઈએ.
વકીલ સ્નેહ કલિતાના માધ્યમથી દાખલ રિપોર્ટમાં જણાવાયું છે કે એવું કોઈ નેક્સસ નથી કે કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિને કોઈ કાયદાકીય પદ ધારણ કરવાથી અયોગ્ય ઠેરવવા માટે કોઈ કાયદો બનાવી શકે છે,પરંતુ કાયદો બનાવનારી વ્યક્તિ (સાંસદ-ધારાસભ્ય) પોતાના માટે માત્ર એક મર્યાદિત સમય માટે અયોગ્યતાનો કાયદો બનાવી શકે છે.
ભાજપ નેતા અશ્વિની ઉપાધ્યાયે ૨૦૧૬માં દાખલ કરેલી અરજીના સંબંધમાં સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાને એમિકસ ક્યુરી નિયુક્ત કર્યા હતા.અશ્વિની ઉપાધ્યાયે તેમની અરજીમાં જનપ્રતિનિધિત્વ કાયદા ૧૯૫૧ની કલમ ૮ની બંધારણીય કાયદેસરતાને પડકારી છે, જે એક દોષિત સાંસદ અથવા ધારાસભ્યને માત્ર છ વર્ષ માટે ચૂંટણી લડવાથી અયોગ્ય ઠેરવે છે.
હંસારિયાના રિપોર્ટમાં કહેવાયું છે કે દોષિત સાંસદોને છ વર્ષ પછી ફરીથી ચૂંટણી લડવાની મંજૂરી આપવી ‘સ્પષ્ટરૂપે મરજી મુજબનું અને બંધારણની કલમ ૧૪નો ભંગ છે જ્યારે બંધારણની કલમ ૧૪ સમાનતા અને કાયદાની સમાન સુરક્ષાની ખાતરી આપે છે.’ રિપોર્ટમાં ધારાસભ્યો-સાંસદો વિરુદ્ધ પેન્ડિંગ કેસોના વહેલી તકે ઉકેલની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.
દેશની વિવિધ નીચલી કોર્ટોમાં નેતાઓ વિરુદ્ધ કુલ ૫,૧૭૫ કેસ પેન્ડિંગ છે, તેમાંથી ૨,૧૧૬ કેસ પાંચ વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે,જેમાં સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશ (૧,૩૭૭)માં છે.ત્યાર પછી બિહાર (૫૪૬) અને મહારાષ્ટ્ર (૪૮૨)નો નંબર છે. દેશમાં સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ પેન્ડિંગ કેસોની સંખ્યા ૨૦૧૮માં ૪,૧૨૨ હતી.