– પ.બંગાળમાંથી કોંગ્રેસ નેતા કૌસ્તવ બાગચીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું
– આસામમાં કદાવર નેતા રાણા ગોસ્વામીએ આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામાની જાહેરાત કરી
જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ માટે મુશ્કેલીઓનો ખડકલો સર્જાતો જઇ રહ્યો છે.તાજેતરના એક અહેવાલ અનુસાર પ.બંગાળ અને આસામમાંથી કદાવર નેતાઓ પાર્ટીનો સાથ છોડી ગયાના અહેવાલ છે.માહિતી અનુસાર પ.બંગાળમાંથી કોંગ્રેસ નેતા કૌસ્તવ બાગચીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.તેમણે એક્સ પર પોસ્ટ કરીને આ મામલે માહિતી આપી હતી.જ્યારે આસામમાં કદાવર નેતા રાણા ગોસ્વામીએ આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે.રાણાએ ગત દિવસોમાં આસામના સંગઠન ઈન્ચાર્જ પદેથી પણ રાજીનામું આપ્યું હતું.
કૌસ્તવ બાગચીએ શું કહ્યું?
પ.બંગાળમાં મમતા બેનરજીની સરકારના સત્તામાં રહે ત્યાં સુધી વાળ ન વધારવાની સોગંદ લેનારા કૌસ્તવ બાગચીએ ગત વર્ષે જામીન પર મુક્ત થયા બાદ મુંડન કરાવી લીધું હતું.તેઓ છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા.તેમણે ટ્વિટમાં કહ્યું કે હવે કદાચ લોકો મને પાર્ટી વિરોધી કહેશે પણ હું એવાત કહી દેવા માગુ છું કે હું કોંગ્રેસ અને ભ્રષ્ટ ટીએમસી વચ્ચે મિત્રતાની વિરુદ્ધ છું.કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ પ.બંગાળના એકમને કોઈ મહત્ત્વ આપતું નથી.એટલા માટે મેં સ્વાભિમાન સાથે સમજૂતી કરી નથી અને હું પાર્ટીથી અલગ થઇ રહ્યો છું.
રાણા ગોસ્વામી ભાજપમાં જોડાઈ શકે
બીજી બાજુ આસામમાં કોંગ્રેસમાંથી રાજીનામું મૂકનારા રાણા ગોસ્વામી તાત્કાલિક દિલ્હી પહોંચ્યા હતા.બની શકે કે તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરીને ભાજપમાં જોડાઈ શકે છે.આ મામલે સીએમ હિમંતા બિશ્વ સરમાએ કહ્યું કે મને આ મામલે જાણકારી નથી પણ તે કોંગ્રેસના એક શક્તિશાળી નેતા છે અને જો તે ભાજપમાં જોડાવા માગે છે તો તેમનું સ્વાગત કરીશ.