– ઇઝરાયેલના હુમલામાં 31નાં મોત અને 27 ઘાયલ
– વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલના હુમલામાં ત્રણ પેલેસ્ટાઇનીઓના મોત : એક વર્ષમાં 763 મર્યા
– આઇડીએફની હુમલાની ચેતવણીના પગલે ફક્ત 24 કલાકમાં જ એક લાખ લેબનીઝે લેબનોન ત્યજી દીધું
તેલઅવીવ : ઇઝરાયેલના હુમલાથી ગભરાયેલું હીઝબુલ્લાહ શરણાગતિના મિજાજમાં લાગે છે.નવા નેતા નઇમ કાસિમે સંકેત આપ્યા છે કે જો તેમને યોગ્ય ઓફર મળે તો તેઓ સશર્ત યુદ્ધવિરામ માટે સંમત થઈ શકે છે.ઇઝરાયેલના લશ્કરે તાજેતરમાં હીઝબુલ્લાહના ગઢ પર તેનો બોમ્બમારો વધુ તીવ્ર બનાવ્યો છે.ઇઝરાયેલના લેબનોન પર ગુરુવારના હુમલામાં ૩૧ના મોત નીપજ્યા અને ૨૭ ઇજા પામ્યા છે.
ઇઝરાયેલના લશ્કરે પૂર્વી શહેર બાલબેકને નિશાન બનાવતા હુમલો તેજ કરી દીધા છે.આ શહેરને હીઝબુલ્લાહનું ગઢ માનવામાં આવે છે.તાજેતરમાં જ ઇઝરાયેલના હુમલામાં હીઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાંડરનું મોત થયું છે અને તેની સાથે બીજા કેટલાય લોકોના મોત થયા છે.લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ એકલા બાલબેકમાં ઓછામાં ઓછા ૧૯ના મોત થયા.લેબનોનના લશ્કરી સૂત્રોના જણાવ્યા મુજબ ઇઝરાયેલના યુદ્ધવિમાન અને ડ્રોને દક્ષિણ લેબનોનના કસ્બાઓ અને ગામડાઓ પર ૫૫ હવાઈ હુમલા જારી કર્યા હતા.આ પહેલા ઇઝરાયેલે દક્ષિણ લેબનોનનો આ વિસ્તાર ખાલી કરવા માટે લેબનોનવાસીઓને ચેતવણી આપી હતી.તેના પગલે એક લાખ લોકોએ આ વિસ્તાર ચોવીસ કલાકમાં ખાલી કરી દીધો હતો.
હીઝબુલ્લાહે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેના લડાકુઓએ ડઝનેક મિસાઇલ અને ડ્રોનની સાથે ઇઝરાયેલ પર બોમ્બાર્ડિંગ કર્યુ હતું.તેમા તેલ અવીવમાં દક્ષિણ-પૂર્વમાં ખાસ દળોના તાલીમ કેમ્પ પર હુમલો કર્યો હતો.આ ઉપરાંત હદેરાના પૂર્વમાં એક મિસાઇલ રક્ષા અને રિજનલ બ્રિગેડ બેઝ પર હુમલો કર્યો હતો.ઇઝરાયેલના લેબનોન પરના હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ હજારના મોત નીપજ્યા છે અને ૧૩ હજારથી વધુ ઇજા પામ્યા છે.લેબનોનના વડાપ્રધાન નજીબ મિકાતીએ યુદ્ધવિરામની સંભાવના અંગે આશા વ્યક્ત કરી છે.આ ઉપરાંત વેસ્ટબેન્કમાં રામલ્લામાં ઇઝરાયેલના લશ્કરના દરોડામાં ત્રણ પેલેસ્ટાઇનીઓના મોત થયા છે.પેલેસ્ટાઇની આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે બેના મોત ઇઝરાયેલના હુમલામાં અને એકનું મોત ઇઝરાયેલના ગોળીબારમાં થયું હતું.હમાસે ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ઇઝરાયેલ પર હુમલો કર્યો ત્યારથી અત્યાર સુધીમાં વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલના હુમલામાં ૧૬૫ બાળકો સહિત ૭૬૩ના મોત થયા છે.
મોટાભાગની આતંકવાદીઓ લશ્કરી કાર્યવાહી દરમિયાન મૃત્યુ પામ્યા છે,પરંતુ આ પ્રકારની કાર્યવાહીમાં તે વિસ્તારમાં રહેતા સ્થાનિક નાગરિકોના પણ મોત થાય છે, જેનો તેમની સાથે કોઈ સંબંધ નથી.આ યુદ્ધ શરૂ થયા પછી પેલેસ્ટાઇનીઆએ ઇઝરાયેલીઆનેે ડઝનેક શૂટિંગ, સ્ટેબિંગ અને કારથી કચડી નાખવાનો પ્રયત્ન કર્યો છે.ઇઝરાયેલે ૧૯૬૭ના યુદ્ધમાં વેસ્ટબેન્ક વિસ્તાર કબ્જે કર્યો હતો.બસ ત્યારથી વેસ્ટ બેન્કનો કબ્જો તેની પાસે છે.તેની સાથે તેણે ત્યાં પાચ લાખ યહૂદીઓ પણ વસાવ્યા છે.