સુરત જિલ્લા કલેક્ટર દ્વારા નેશનલ હાઈવે અને સરકારી જમીનો પર થયેલા દબાણને દૂર કરવા માટે છેલ્લા ત્રણ દિવસથી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ અભિયાન હેઠળ વર્ષોથી સરકારી જમીન પર દબાણ કરનારી હજીરાની એએમએનએસ કંપની સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.તપાસ બાદ સરકારે કંપનીને 80 હજાર ચોરસ મીટરમાં દબાણ કરવા બદલ રૂ.18 કરોડનો દંડ ફટકારીને જગ્યા ખુલ્લી કરી હતી.તે ઉપરાંત અન્ય નાના-મોટા દબાણો દુર કરી 52 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી.
સુરતના હજીરામાં સ્ટીલનું ઉત્પાદન કરતી એએમએનએસ કંપનીએ વર્ષોથી હજારો એકર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું.સ્થાનિકોએ આ અંગે તત્કાલિન કલેક્ટર સામે અનેક રજૂઆતો કરી હતી.ત્યારબાદ કલેક્ટરે મામલતદારને તપાસના આદેશ આપ્યા હતાં.જેમાં જાણવા મળ્યું હતું કે એએમએનએસ કંપની દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું.આ મામલે ચોર્યાસી વિસ્તારના મામલતદાર સમક્ષ 18 કેસ આવ્યા હતાં અને તેમાંથી 10 કેસ એએમએનએસ કંપની વિરૂદ્ધ સાબિત થયા હતાં.મામલતદાર દ્વારા કરાયેલી તપાસમાં સાબિત થયું હતું કે, કંપનીએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો.જેથી મામલતદારે કંપનીને 18 કરોડ રૂપિયા દંડ ફટકાર્યો હતો.દબાણની કાર્યવાહી અંતર્ગત હજીરા, ઉધના,પાંડેસરા અને શહેરના અન્ય ઉદ્યોગ વિસ્તારોમાં પણ સરકારી જમીન પર કબજો કરનારા મોટા ઉદ્યોગો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.અત્રે નોંધનીય છે કે આ કંપની અગાઉ પણ ઘણીવાર વિવાદોમાં સપડાઈ ચુકી છે તેમજ સમગ્ર તંત્રને અંધારામાં રાખી પોતાની મનમાની કરી રહ્યું છે.થોડા સમય અગાઉ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો જેમાં કારીગરોના મોત થયા હતા જે પ્રકરણમાં પણ વહીવટી તંત્રને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.