
– રહેઠાણ અને ધંધાકીય જગ્યાઓ પર વાપી ઇન્કમટેક્ષના અધિકારીઓના કાફલાએ સર્ચની કાર્યવાહી હાથ ધરી
આજે વહેલી સવારે ઈન્કમટેક્ષ વિભાગે વલસાડ અને વાપીમાં અગ્રણી બિલ્ડરો,લેન્ડ ડેવલપર્સ,એડવોકેટ્સ અને આર્કિટેક્ટ્સને નિશાન બનાવીને એક સાથે દરોડા પાડ્યા હતા.વાપી ઇન્વેસ્ટિગેશન ટીમના વડા આર.પી. મીનાની આગેવાનીમાં આ ઓપરેશને જિલ્લાના ઉચ્ચ વર્ગના અને ઉચ્ચ આવક ધરાવતા કરદાતાઓમાં વ્યાપક ચર્ચા જગાવી છે.
લાંબા ગાળાની નિષ્ક્રિયતા ખંખેરી વલસાડમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા આ નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સર્ચ ઓપરેશનમાં વલસાડ અને વાપી જિલ્લાની અંદર અને બહારના બંને ઇન્કમટેક્ષ અધિકારીઓની એક મોટી ટીમ સામેલ હતી, જેઓ અનેક હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓના રહેઠાણ અને વ્યવસાયિક જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.ઇન્કમટેક્ષના દરોડા અંગે માહિતી વાયુવેગે ફેલાયા બાદ સમગ્ર ઉદ્યોગકારો અને વાપી ઇન્ડસ્ટ્રીમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.
જે લોકોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા તેમના નામ નીચે મુજબ છે.
– બિપીનભાઈ પટેલ, વલસાડના એક અગ્રણી બિલ્ડર, શહેરમાં તેમના વૈભવી બંગલા માટે જાણીતા છે.
– દિપેશભાઈ ભાનુસાલી અને તેમના ભાઈ હિતેશભાઈ ભાનુસાલી, તેમના ભાગીદાર જગદીશ સેઠિયા સાથે, જેઓ મોટા પાયે સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે જાણીતા છે.
– રાકેશ જૈન, ધરમપુર ચોકડી પર એક મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માટે જવાબદાર બિલ્ડર.
– વિપુલ કાપડિયા, જમીન સંબંધિત કોર્ટના કેસોમાં નિષ્ણાત એક પ્રખ્યાત વકીલ.
– દીપસિંહ સોલંકી, એક પ્રખ્યાત જમીન વિકાસકર્તા.
– મનીષ શાહ, વાપી સ્થિત અગ્રણી આર્કિટેક્ટ.
ઇન્કમટેક્ષ વિભાગની વિવિધ ટીમોએ આ તમામના વ્યક્તિઓની ઓફિસ અને રહેઠાણ બંને સ્થળે સર્ચની કાર્યવાહી શરૂ કરી છે.જેમાં એકાઉન્ટિંગ બુક્સ, વ્યવસાયિક રેકોર્ડ્સ અને વ્યક્તિગત મિલકતોની સંપૂર્ણ તપાસ કરી હાથ ધરવામાં આવી રહી છે.આ દરોડા સંભવિત નાણાકીય ગેરરીતિઓ અને કરચોરીની વ્યાપક તપાસનો એક ભાગ છે.
આ હાઇ-પ્રોફાઇલ કામગીરી એ જિલ્લાના વ્યાપાર અને સામાજિક વર્તુળોમાં ખરભળાટ મચાવ્યો છે.તપાસના અંતે વ્યાપક કરચોરી પકડાઈ શકે એવી શક્યતા છે તેમજ સર્ચ કાર્યવાહીનો સ્કેલ આવતીકાલે પણ રાબેતા મુજબનો રહે એવી શક્યતા છે.