– સૂત્રોના જણાવ્યાં અનુસાર, GPCBના પૂર્વ મેમ્બર સેક્રેટરી એ.વી.શાહે ACBના અધિકારીઓને 30 કરોડ ઓફર કર્યાની ચર્ચા સામે આવી.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ (મેમ્બર સેક્રેટરી) એ.વી.શાહને કામગીરી સામે કથિત પરેશાની હતી.જે તમામ મુદ્દાઓને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય પ્રદુષણ બોર્ડ (GPCB) ના સભ્ય એ.વી. શાહની હકાલપટ્ટી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે કે, એવી ચર્ચા ચાલી રહી છે કે શાહે ACBના અધિકારીઓને શાહે 30 કરોડ ઓફર કર્યા હતાં.
શાહે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો છે
સૂત્રોના જણાવ્યાં અનુસાર ઉદ્યોગગૃહો સાથે મળીને તેઓએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત અમદાવાદના પિરાણામાં નવેમ્બર 2020માં એક ગોડાઉનમાં થયેલાં કેમિકલ બ્લાસ્ટમાં 12 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.જ્યારે સુરત પાસે હજીરામાં એપ્રિલ 2021માં થયેલાં ધડાકામાં 6 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં.આ બન્ને કેસની તપાસમાં પણ શાહે ભીનું સંકેલી લીધું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
એ સિવાય ખાનગી રાહે સરકારે ACBને તપાસના હુકમો કર્યાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ACB એ શાહના ઘરે કરેલી તપાસમાં 15 કરોડ રોકડ ઝડપાયા હતાં.ત્યારે શાહે તેઓને 15 કરોડ ઉપરાંત અન્ય વધારે 15 કરોડ લાંચ સ્વરૂપે ઓફર કર્યાં હતાં.જો કે, ACBના સૂત્રો જણાવે છે કે એવું કંઇ નથી.નિયમાનુસાર આક્ષેપિત અધિકારી સામે અમુક પ્રક્રિયા વિના ઘરે જડતી લઇ શકાતી નથી.
એ.વી.શાહની કથિત કનળગતભરી કામગીરી અંગે છેક CM સુધી રાવ ઉઠી હતી
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યાં અનુસાર શાહ વિરુદ્ધ દર બીજા દિવસે GPCBના તત્કાલિન એમડી સંજીવ કુમાર અને સરકારમાં ફરિયાદો આવતી હતી.મેમ્બર સેક્રેટરી એ.વી.શાહના કાર્યકાળ દરમિયાન GPCBની કાર્યપ્રણાલી સામે અનેક ફરિયાદો ઉઠી હતી.જ્યારે ઔધોગિક એકમોના સંચાલકોએ પણ એ.વી.શાહ સામે અનેક ફરિયાદો કરી હતી.એટલું જ નહી એ.વી.શાહની કથિત કનળગતભરી કામગીરી અંગે છેક મુખ્યમંત્રી સુધી પણ રાવ ઉઠી હતી.ઔધોગિક એકમોના સંચાલકોની પરેશાની પારખી અને એ.વી.શાહ વિરુદ્ધ વધતા જતા ફરિયાદના દૌરને ધ્યાને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લઈ એ.વી.શાહને આ હોદા પરથી હટાવી દેવામાં આવ્યા હતાં.
GPCBના નવા મેમ્બર સેક્રેટરી તરીકે ડી.એમ.ઠાકરની નિમણૂંક
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવ એ.વી.શાહ ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતા તેમની સામે ગેરરિતી તેમજ કોર્ટ-કચેરીના કેસમાં બેદરકારી દાખવવા સહિતના આક્ષેપો કરાયા હતા અને વડાપ્રધાન કાર્યાલય ખાતે રિપોર્ટ કરાયા બાદ તત્કાલિક અસરથી એ.વી.શાહની બદલી કરી દેવામાં આવી છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી તરીકે ડી.એમ ઠાકરની નિમણૂંક કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના વિવાદિત મેમ્બર સેક્રેટરી એ.વી. શાહને હટાવાયા
રાજ્ય સરકારે ઘણાં લાંબા સમયથી અધિકારી એ.વી. શાહને સભ્ય સચિવપદે યથાવત રાખ્યા હતા.તેમના કાર્યકાળમાં બોર્ડની બદનામી સૌથી વધુ થઇ છે.તેમની પર કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ લાગ્યા છે. કેન્દ્રની સૂચના અનુસાર મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે.તેમને પોરબંદરમાં સિનિયર પર્યાવરણ ઇજનેર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.તેઓ બોર્ડમાં ચર્ચા અને વિવાદમાં રહ્યાં છે.
પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં જ્યારે ચેરમેન તરીકે આઇએએસ અધિકારી સંજીવકુમાર હતા ત્યારે સભ્ય સચિવ એવી શાહનો વિવાદિત રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયમાં સુપરત કરવામાં આવ્યો હતો,ત્યારબાદ વહીવટી કારણોસર સંજીવકુમાર હટી ગયા હતા પરંતુ તેમણે સુપરત કરેલો રિપોર્ટ છ મહિનાથી મુખ્યમંત્રી કાર્યાલયની વિચારણામાં હતો. છેવટે વડાપ્રધાન કાર્યાલયને દરમ્યાનગીરી કરવી પડી છે.
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અધિક સચિવ એસજે પંડિતે આદેશ કર્યો છે કે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના સભ્ય સચિવ એવી શાહને તાત્કાલિક અસરથી સભ્ય સચિવના હોદ્દા પરથી દૂર કરીને તેમને સિનિયર પર્યાવરણ ઇજનેર,પોરબંદર તરીકે નિમણૂક આપવામાં આવે છે જ્યારે તેમના સ્થાને સભ્ય સચિવ તરીકેની ખાલી જગ્યાનો વધારાનો હવાલો પર્યાવરણ ઇજનેર દેવાંગ ઠાકરને સોંપવામાં આવે છે.


