– આવકમાં કર્ણાટક પછી ત્રીજા નંબરે ગુજરાત
– કેન્દ્રીય નાણામંત્રાલયે રાજ્યવાર જાહેર કરેલા ગ્રોથરેટના આંકડા
– એપ્રિલ-23માં રૂ.457 કરોડ વધીને રૂ.11,721 કરોડે પહોંચી
– આવકમાં પ્રથમ નંબર મહારાષ્ટ્રનો
અમદાવાદ,તા.04 મે 2023,ગુરૂવાર : દેશના વિવિધ રાજ્યોમાં જીએસટીની આવકમાં ગુજરાત છેક ત્રીજા નંબરે હોવાનું કેન્દ્રીય નાણામંત્રાલયે જાહેર કર્યું છે.બિહાર,છત્તીસગઢ,રાજસ્થાન,મધ્યપ્રદેશ જેવા પછાત રાજ્યોમાંય ગ્રોથ ડબલ ડિજિટમાં જ્યારે રાજ્યમાં માત્ર 4 % ગ્રોથ ગુજરાતમાં અતિ મહત્ત્વના રાજ્ય વેરા વિભાગમાં મુખ્ય કમિશનરની પોસ્ટ છેલ્લા લગભગ બે મહિનાથી વધારાના ચાર્જથી હંકારાય છે.રાજ્ય સરકારને સૌથી વધુ વેરા આવક રળી આપતો આ વિભાગ કરોડોને અબોજો રૂપિયાના બોગસ,બિલિંગ કોભાંડોથી ખદબદી રહ્યો છે.
ગુજરાતનો ગ્રોથરેટ 4 ટકા જ છે
શું આ કારણોસર ગુજરાતની જીએસટીની આવકનો વિકાસ દર દેશના મોટા રાજ્યોમાં સૌથી નીચો છે ? કારણ ગમે તે હોય,પણ કેન્દ્રીય નાણામંત્રાલયે જાહેર કરેલા જીએસટી આવકના આંકડા મુજબ ગુજરાતનો ગ્રોથ રેટ એપ્રિલ-20-22ની તુલનામાં એપ્રિલ-2023માં માત્ર 4 ટકા જ છે,જ્યારે બીજા મોટા રાજ્યોમાં આ ગ્રોથ ડબલ ડિજિટમાં અને ઘણો વધારે છે.
અન્ય રાજ્યો ગુજરાત કરતા ક્યાંય આગળ
રાજ્ય માટે શરમજનક એ છે કે , નબળાં ગણતા રાજ્યોમાં પણ ગ્રોથ રેટ રાજ્ય કરતાં ઘણો જ વધારે છે,જેમ કે બિહારમાં 11 ટકા, ઝારખંડમાં 19 ટકા,છત્તીસગઢમાં 18 ટકા, મધ્ય પ્રદેશમાં 28 ટકા,કેરળમાં 12 ટકા ગ્રોથ રેટ છે.ગુજરાત માટે આશ્વાસનરૂપ એ છે કે, દેશમાં જીએસટી આવકમાં તેનો નંબર મહારાષ્ટ્ર અને કર્ણાટક પછી ત્રીજા ક્રમે છે.રાજ્યમાં એપ્રિલ-22માં જીએસટી આવક રૂ.11,264 કરોડ રહી હતી જે એપ્રિલ-23માં રૂ.457 કરોડ વધીને રૂ.11,721 કરોડે પહોંચી છે.