નવી િદલ્હી : જીએસટી કાઉન્સિલે કેસિનો,ઓનલાઇન ગેમિંગ,ઘોડાની દોડ અને લોટરી પર ૨૮ ટકા ટેક્સ લાદવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે,સંબંધિત પક્ષકારો સાથે વધુ ચર્ચા કર્યા પછી આ બાબતે નિર્ણય લેવાશે.મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની આગેવાનીમાં મંત્રીઓના જૂથને વેલ્યુએશન પદ્ધતિ અંગે પક્ષકારો સાથે ફરી ચર્ચા કરી ૧૫ જુલાઇ સુધીમાં અહેવાલ સુપરત કરવા જણાવાયું છે.
તેમણે કહ્યું હતું કે,“કાઉન્સિલ આ મુદ્દે નિર્ણય કરવા ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ફરી બેઠક કરશે.”જીએસટી કાઉન્સિલની બે દિવસની બેઠકમાં મંત્રીઓના જૂથે રજૂ કરેલા અહેવાલ પર ચર્ચા થઈ હતી,પણ ગોવા અને અન્ય રાજ્યો વધુ વિગતો રજૂ કરવા ઇચ્છતા હોવાથી નિર્ણય મોકૂફ રખાયો હતો.કાઉન્સિલે ઓનલાઇન ગેમિંગમાંથી મળતી તમામ આવક પર ટેક્સ લાદવા ભલામણ કરી હતી.જેમાં ગેમમાં ભાગ લેવા માટે ખેલાડીએ ચૂકવેલી કોન્ટેસ્ટ એન્ટ્રી ફીનો પણ સમાવેશ થાય છે.રેસ કોર્સની બાબતમાં પણ એવું સૂચન કરાયું હતું કે,સટોડિયા પાસે આવેલી સટ્ટાની તમામ રકમ પર જીએસટી લેવામાં આવે.ઉપરાંત,ગેમિંગમાં કુશળતાના આધારે રમાતી ગેમ્સ અને નસીબ આધારિત ગેમ્સ એવો કોઇ તફાવત કર્યા વગર ૨૮ ટકાના દરે જીએસટી વસૂલવા ભલામણ હતી.ઘણા રાજ્યોને લોટરીના બિઝનેસમાંથી નોંધપાત્ર આવક થાય છે. એવી રીતે પર્યટન આધારિત કેટલાક રાજ્યોમાં કેસિનો બિઝનેસનો વ્યાપક વિકાસ થયો છે.

