નવી દિલ્હી તા.7 : કરદાતાઓ માટે રાહતના સમાચાર છે.હવે તેમણે સીએની ઓફીસના ચકકર નહિં કાપવા પડે.સરકારના આદેશ અનુસાર હવે 5 કરોડથી વધુના કારોબારવાળા ગુડસ એન્ડ સર્વીસીઝ ટેકસ (જીએસટી) કરદાતા પોતાના વાર્ષિક રીટર્નને ખુદ પ્રમાણીત કરી શકશે.અર્થાત સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) પાસેથી ફરજીયાત ઓડીટ સર્ટીફીકેશન કરાવવાની જરૂરત નહિં રહે.તેના માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન ડાયરેકટેડ ટેકસેસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ નિર્દેશ પણ જાહેર કર્યો છે.
વેપારીઓને મોટી રાહત
જીએસટી અંતર્ગત વર્ષ 2020-21 માટે 2 કરોડ રૂપિયા સુધીના વાર્ષિક વેપારીઓને છોડીને અન્ય બધા એકમો માટે વાર્ષિક રિટર્ન જીએસટીઆર-9/9 એ ) દાખલ કરવુ અનિવાર્ય છે.ઉલ્લેખનીય છે કે પાંચ કરોડ રૂપિયાથી વધુનો વેપારવાળા કરદાતાને ફોર્મ જીએસટીઆર-9સી ના રૂપમાં સમાધાન વિવરણ જમા કરાવવાની જરૂરત હતી.ત્યારબાદ આ વિવરણને ઓડીટ બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સત્યાપિત કરે છે.
જીએસટીનાં નિયમોમાં થયુ સંશોધન
સીબીઆઈસીની સૂચના અનુસાર જીએસટી નિયમોમાં સંશોધન કરાયું છે.જે અંતર્ગત 5 કરોડ રૂપિયાથી વધુ વેપાર કરનારા કરદાતાઓએ વાર્ષિક રીટર્નની સાથે સ્વ પ્રમાણીત સમાધાન વિવરણ આપવું પડશે.હવે તેના માટે સીએનાં પ્રમાણપત્રની જરૂર નહિં રહે.આથી હજારો કરદાતાઓને રાહત મળશે.અલબત, જાણી જોઈને કે ભૂલથી વાર્ષિક રિટર્નમાં ખોટા વિવરણથી મુશ્કેલી પેદા થઈ શકે છે.

