નવી િદલ્હી : માર્ચ મહિનામાં GST કલેક્શન રુ ૧.૨૩ લાખ કરોડની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. GST અર્થતંત્રના સૌથી મહત્વના માપદંડોમાં સામેલ છે.એનો અર્થ એ થયો કે,માર્ચ મહિનાનો જીડીપી ડેટા અર્થતંત્રમાં મહામારીના વર્ષ પછી સારી રિકવરીનો સંકેત આપે છે.ઉલ્લેખનીય છે કે, GST કલેક્શન સતત છઠ્ઠા મહિને રુ ૧ લાખ કરોડથી વધુ રહ્યું છે.નાણામંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ‘GSTની આવકમાં છેલ્લા પાંચ મહિનાથી નોંધપાત્ર રિકવરીનો ટ્રેન્ડ છે.માર્ચ ૨૦૨૧માં GST કલેક્શન અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ૨૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.’ ગયા મહિને માલસામાનની આયાતમાંથી થતી આવક ૭૦ ટકા વધુ હતી. જ્યારે સ્થાનિક વ્યવહારો (સર્વિસિસની આયાત સહિત) અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ૧૭ ટકા વધ્યા હતા.
GSTની આવકનો વૃદ્ધિદર નાણાકીય વર્ષ ૨૦૨૦-‘૨૧ના પ્રથમ ચાર ત્રિમાસિક ગાળામાં અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં અનુક્રમે -૪૧ ટકા, -૮ ટકા, ૮ ટકા અને ૧૪ ટકા રહ્યો હતો. તે GSTની આવક અને એકંદર અર્થતંત્રમાં રિકવરીનો ટ્રેન્ડ દર્શાવે છે. નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, ‘ખોટા બિલ તેમજ GST અને આવકવેરા સહિતના સઘન ડેટા એનાલિટિક્સ, કાર્યક્ષમ ટેક્સ વહીવટ અને કસ્ટમ્સ આઇટી સિસ્ટમ્સના સતત મોનિટરિંગને કારણે છેલ્લા કેટલાક મહિનામાં ટેક્સની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.’
બે કેન્દ્રશાસિત પ્રદેશ (દમણ અને દિવ તેમજ અંદામાન અને નિકોબાર ટાપુ) સિવાય તમામ ૨૮ રાજ્ય અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશના GST કલેક્શનમાં વધારો નોંધાયો છે, જે મહત્વનો મુદ્દો છે. GSTમાં મહત્વનું યોગદાન આપતા મહારાષ્ટ્ર જેવા રાજ્યના કલેક્શનમાં ૧૪ ટકા વૃદ્ધિ થઈ છે. જ્યારે ગુજરાત, કર્ણાટકક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશનું GST કલેક્શન અનુક્રમે ૨૦ ટકા, ૧૧ ટકા, ૨૩ ટકા અને ૫ ટકા વધ્યું છે.GSTમાં નોંધપાત્ર યોગદાન આપનારા વધુ એક રાજ્ય હરિયાણાએ ટેક્સ કલેક્શનમાં ૧૭ ટકા વધારો હાંસલ કર્યો છે. જ્યારે દિલ્હીનું GST કલેક્શન અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ૨૦ ટકા વધ્યું છે.
ડેલોઇટ ઇન્ડિયાના સિનિયર ડિરેક્ટર એમ એસ મણિએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા છ મહિનાથી GSTની આવકમાં સતત વૃદ્ધિના ટ્રેન્ડ ઉપરાંત, તમામ રાજ્યોના ટેક્સ કલેક્શનમાં અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં સારો વધારો નોંધાયો છે.આયાતના GST કલેક્શન સાથે સ્થાનિક બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સમાં વૃદ્ધિ દર્શાવે છે કે ઉત્પાદન અને વપરાશની એકંદર સાઇકલ સામાન્ય સ્તરે આવી છે.’ ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતી નાયરે જણાવ્યું હતું કે, ‘માર્ચ ૨૦૨૧માં પ્રોત્સાહક GST કલેક્શન સહિતના આંકડા નાણાકીય વર્ષ ૨૦૨૦-‘૨૧ની ટેક્સ આવકના અમારા સુધારેલા અંદાજને પણ વટાવી ગયા છે.તેને લીધે ૨૦૨૦-‘૨૧ માટે સરકાર રુ ૧૮.૫ કરોડના સુધારેલા અંદાજ કરતાં પણ ઓછી રાજકોષીય ખાધ નોંધાવશે.’
GST કલેક્શન (રુ કરોડમાં)
મહિનો 2019-20 2020-21
– એપ્રિલ 113865 32172
– મે 100289 62151
– જૂન 99939 90917
– જુલાઈ 102083 87422
– ઓગસ્ટ 98202 86449
– સપ્ટેમ્બર 91916 95480
– ઓક્ટોબર 95379 105155
– નવેમ્બર 103491 104963
– ડિસેમ્બર 103184 115174
– જાન્યુઆરી 110818 119875
– ફેબ્રુઆરી 105361 113143
– માર્ચ 97590 123902
સ્રોતઃ નાણાં મંત્રાલય

