દેહરાદૂન : કર ચોરી પર અંકુશ લગાડવા અને વધુને વધુ લોકો ટેક્સ ભરે તે દિશામાં રાજ્ય કર વિભાગના પ્રયાસ ચાલુ છે,જેમાં સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે.રાજ્ય કર વિભાગના અધિકારીઓના પ્રયાસથી 17.01 કરોડ રૂપિયાના નકલી આઈટીસી ક્લેમના મામલે પકડવામાં આવેલા ફર્મ સંચાલકને પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
આઠ માસમાં ટ્રાયલ ખતમ, GST ચોરીના દોષીને સજા મળી
આ કેસમાં રાજ્ય કર વિભાગથી લઈને દલીલ કરનાર વકીલ અને કોર્ટ દ્વારા દરેક સ્તરે ઝડપ દેખાડવામાં આવી.હરિદ્વારના મુખ્ય ન્યાયાધીશ મુકેશ ચંદ્ર આર્યની કોર્ટે 8 જ માસમાં ટ્રાયલ પૂર્ણ કરી GST ચોરીના દોષિતને સજા સંભળાવી છે.આસિસ્ટન્ટ કમિશનર ઓફ કોમન સેલ્સ ટેક્સના ડૉ. અહમદ ઈકબાલના જણાવ્યા મુજબ GST ચોરીમાં દેશમાં પહેલી સજા મળી છે.
ડૉ. અહમદ ઈકબાલના નિર્દેશ પર લગભગ આઠ માસ પહેલાં વિભાગની CIUએ નકલી આઈટીસી (ઈનપુટ ટેક્સ ક્રેડિટ) ક્લેમના કેસમાં પીએસ એન્ટરપ્રાઈઝ સહિત છ ફર્મ પર દરોડા પાડ્યા હતા.તપાસમાં સામે આવ્યું કે પીએસ એન્ટરપ્રાઈઝના સંચાલક સુરેન્દ્ર સિંહે દિલ્હી,ઉત્તરપ્રદેશ તેમજ હરિયાણાની ફર્મથી આર્યન અને પ્લાયવુડની નકલી ખરીદી કરી હતી.આ ખરીદી તેમણે પાંચ અન્ય ફર્મના માધ્યમથી કરી હતી.તપાસમાં એ પણ સામે આવ્યું કે જે ફર્મથી નકલી ખરીદી દેખાડવામાં આવી છે,તે અસ્તિત્વમાં જ નથી.ગંભીર વાત એ છે કે નકલી ખરીદી પર ફર્મ સંચાલક સુરેન્દ્ર સિંહે વિભાગને 17.01 કરોડ રૂપિયાનું ક્લેમ પણ મેળવી લીધું હતું.આ મામલે GST ટીમે 5 એપ્રિલ, 2022નાં રોજ સુરેન્દ્ર સિંહની ધરપકડ કરી હતી.
આ સમગ્ર કેસમાં અધિકારીઓથી લઈને વકીલ લક્ષ્ય સિંહે મજબૂત પુરાવા અને દલીલો કરી,જેના આધારે 8 માસમાં ટ્રાયલ સમાપ્ત થઈ ગયું અને મુખ્ય ન્યાયાયિક મેજસ્ટ્રેટ હરિદ્વાર મુકેશ ચંદ્ર આર્યએ દોષીને પાંચ વર્ષની સખત સજા સંભળાવી.સાથે જ સુરેન્દ્ર સિંહ પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો.દંડ ન ભરે તો છ માસની વધુ સજા ભોગવવી પડશે.
આ ફર્મમાંથી પકડાયું આઈટીસી
એસએસએસ એન્ટરપ્રાઈઝ,પીએસ એન્ટરપ્રાઈઝ,પીએસડી પેકેજિંગ સર્વિસ,દીપક એન્ટરપ્રાઈઝ,સુરીત મેટલ્સ.
નકલી આઈટીસી ક્લેમને રોકવા માટે રાજ્ય કર વિભાગની મશીનરી ગંભારતાથી કામ કરી રહી છે.જેના પરિણામ હવે સામે આવવા લાગ્યા છે. GST ચોરીમાં દેશમાં સજાનો આ પહેલો કેસ ચોરી કરનારાઓની ચિંતા વધારશે
– પ્રેમચંદ અગ્રવાલ (ઉત્તરાખંડના નાણા મંત્રી)
GST ચોરીમાં સજાના દ્વાર ઉત્તરાખંડથી ખુલ્યાં છે. કેસને પરિણામ સુધી પહોંચાડવા માટે સમગ્ર ટીમે અથાગ પ્રયાસ કર્યા.જેનાથી અધિકારીઓનું મનોબળ વધ્યું છે અને કરચોરી કરનારા ઈરાદાઓ ધરાસાયી થયા છે.
ડૉ. અહમદ ઈકબાલ (ઉત્તરાખંડના આસિસ્ટન્ટ કમિશનર ઓફ કોમન સેલ્સ ટેક્સ)

