નવી દિલ્હી,તા. 29 : જીએસટીના કલેકશનમાં થયેલા ઘટાડામાં રાજ્યોને વળતર આપવા મુદ્દે સર્જાયેલા વિવાદમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાએ હવે રાજ્ય નહીં પણ કેન્દ્ર જ તે જીએસટી વળતર સંદર્ભમાં ધીરાણ આપશે તેવો સંકેત આપી દીધો છે.
રિઝર્વ બેન્ક ઇચ્છે છે કે,કેન્દ્ર પોતે ધીરાણ મેળવીને પછી રાજ્યોને જે કાઇ ફાળવણી કરવાની હોય તે કરી શકે છે.જીએસટી વળતરમાં અત્યાર સુધીમાં રૂા.97,000 કરોડની રકમ કેન્દ્રએ રાજ્યોને ચૂકવવા તૈયાર બતાવી છે પરંતુ મુખ્ય વિવાદ રૂા.2.35 લાખ કરોડનો છે અને કેન્દ્ર માને છે કે આ રકમ ચૂકવવાની જવાબદારી તેની નથી પરંતુ રાજ્યો રિઝર્વ બેન્ક પાસેથી ધીરાણ મેળવીને તેની ખોટ ભરપાઈ કરી શકે છે અને ભવિષ્યમાં આ ધીરાણ ભરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની જ રહેશે.
સુત્રોના જણાવ્યા મુજબ દેશના અનેક રાજ્યોનું અર્થતંત્ર જે રીતે કંગાળ સ્થિતિમાં છે તે જોતા રિઝર્વ બેન્ક કોઇ વધુ સાહસ કરવા માગતી નથી.રિઝર્વ બેન્કે અગાઉ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પોતે રિઝર્વ બેન્ક પાસેથી ધીરાણ મેળવી શકે છે.
હાલના તબક્કે પણ કેન્દ્ર અને રાજ્યોનું જાહેર દેવુ તેની મર્યાદા કરતા આગળ વધી ગયું છે.અને તેથી જ રિઝર્વ બેન્ક રાજ્યોને વધુ નાણા આપવા માગતી નથી અને કેન્દ્ર પોતે આ વ્યવસ્થામાં જોડાઈને નાણા મેળવી બાદમાં રાજ્ય સરકારોને ચૂકવી શકે છે.જો કે આ અંગે કોઇ સતાવાર જાહેરાત થઇ નથી