અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા લેવાયેલી એકઝામમાં એક ઇજનેરી કોલેજમાં કોમ્પ્યુટર એન્ડ સાયન્સ બ્રાન્ચમાં કુલ 51 પૈકી 46 વિદ્યાર્થીઓને મશીન લર્નિગ વિષયમાં નાપાસ જાહેર કરાયા હતા.આ વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટ કરાવ્યા પછી પણ પરિણામમાં કોઇ ફેર પડયો નહોતો.વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તરવહીઓ આરટીઇમાં માગ્યા બાદ તમામ જવાબો લખ્યા હોવાનું બહાર આવ્યા પછી પણ પરિણામમાં કોઇ ફેર ન પડતાં હવે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને પત્ર લખીને આ કિસ્સામાં યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર માસમાં સેમેસ્ટર 7ની પરીક્ષા લેવામાં આવી હતી.નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મશીન લર્નિગ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ 51માંથી 46 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર કરાયા હતા.એક સાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં તમામ વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટ માટે અરજી આપી હતી.વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે પુનઃમુલ્યાંકનમાં પણ પરિણામમાં કોઇ ફરક પડયો નહોતો.કેટલાક વિદ્યાર્થીઓએ રાઇટ ટુ ઇન્ફર્મેશનમાં પોતાની ઉત્તરવહીઓ માંગી હતી.મહત્વની વાત એ કે, વિદ્યાર્થીઓએ ઉત્તરવહીઓમાં તમામ પ્રશ્નોના જવાબો લખ્યા છે.આમછતાં મોટાભાગના વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરી દેવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓ કહે છે કે સાતમુ સેમેસ્ટર અમારા માટે મહત્વનું છે કારણ કે,સાતમુ સેમેસ્ટર પાસ ન કરીએ ત્યાંસુધી આઠમા સેમેસ્ટરમાં ગમે તેટલું સારુ પરિણામ આવે તો પણ કોઇ અર્થ રહેતો નથી.વિદ્યાર્થીઓએ તાજેતરમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારને પત્ર લખીને વિદ્યાર્થીઓે સંતોષ થાય તે પ્રકારે કોઇ ઉકેલ લાવવા માટે માંગણી કરવામાં આવી છે.વિદ્યાર્થીઓ કહે છે આ કોર્સ નવો છે,વિષયો પણ નવા છે આમછતાં વિદ્યાર્થીઓે જેટલુ શીખવવામાં આવ્યું છે તેમાંથી સારી રીતે જવાબો આપવા પ્રયાસ કર્યો છે.આ મુદ્દે કોલેજના સત્તાધીશો કહે છે વિદ્યાર્થીઓની રજૂઆત મળી છે.આ રજૂઆતના આધારે અમે યુનિવર્સિટીને પત્ર લખીને યોગ્ય કરવા રજૂઆત કરી છે.હજુસુધી યુનિવર્સિટીમાંથી કોઇ જવાબ આવ્યો નથી.વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે અમે યુનિવર્સિટી સત્તાધીશો સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ.


