સુરત : શહેરનાં રાંદેર વિસ્તારના ફુટના વેપારી અને જમીન દલાલીનું કામ કરતા વ્યક્તિને ગઇકાલે રાત્રે અડાજણ પાટીયા ગંગાસાગર સોસાયટી પાસે માથાભારે અલ્તાફ પટેલના માણસોએ આંતરીને પેટના ભાગે રિવોલ્વર ટેકવી રૂ.4 કરોડની ખંડણી માંગી હતી અને ખંડણી નહીં આપે તો જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી નાસી ગયા હતા.બનાવ અંગે બુધવારે મોડી સાંજે રાંદેર પોલીસે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા સહિત તેના 7 માણસો સામે ગુનો નોંધ્યો છે.
ન્યુ રાંદેર-ગોરાટ રોડ ઉપર આવેલી અલનુર રેસીડેન્સીમાં રહેતા નવાઝ જાફર પોઠીયાવાલા ફ્રુટનો વેપાર કરે છે.આ સાથે સાથે જમીન દલાલી અને લે-વેચનું કામ કરે છે.ગઇકાલે મોડી રાત્રે નવાઝ પોઠીયાવાલા અડાજણ પાટીલા ગંગાસાગર દર સોસાયટી નજીકથી પસાર થતો હતો.તે સમયે એક કારમાં આવેલા 6થી 7 જણાએ તેને આંતર્યો હતો અને ગંગાસાગર સોસાયટીના ગાર્ડનના પાકીંગમાં લઈ ગયા હતા.ત્યાં એક વ્યક્તિએ રિવોલ્વર કાઢીને કહ્યુ હતું કે, અમે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરાના માણસો છે.તારે આ વિસ્તારમાં ધંધો કરવો હોય અને રહેવું હોય તો અમને જીએસટી આપવો પડશે.જોતુ રૂપિયા 4 કરોડ નહીં આપે તો તને શાંતીથી રહેવા દઇશું નહીં. તારે જાનથી હાથ ધોવા પડશે. જેથી 4 કરોડની વ્યવસ્થા કરી લેજે.તેમ કહી તમામ નાસી ગયા હતા.
આ બનાવ અંગે આજે મોડી સાંજે રાંદેર પોલીસ સ્ટેશનમાં તેને ધમકી આપનાર જેને તે ઓળખતો હતો તે, અબ્દુલ્લા ઉર્ફે માંજરો ડાંગરા (રહે.ગંગાસાગર સોસાયટી, અડાજણ પાટીયા), ગ્યાસ ઉર્ફે ભુરા શેખ (રહે. માનદરવાજા) અને ઝુબેર ( રહે. આશિયાપ્ના કોમ્પલેક્ષ, અડાજણ પાટીયા) સામે રૂ.4 કરોડની ખંડણી માંગવા બાબતનો ગુનો નોંધાવ્યો હતો.જેમાં વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલના નામનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અલ્તાફ સામે હાલમાં પણ ગુજસીટોકનો ગુનો નોંધાયો છે અને તે આ પ્રકરણમાં પોલીસ ચોપડે વોન્ટેડ છે.આ બનાવ અંગે રંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા બંને ભેગા મળીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હોય તેમની વિરૂધ્ધ પોલીસે ગુજસીટોક નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.
અલ્તાફ પટેલ માથાભારે તરીકેની છાપ ધરાવે છે અને વર્ષો અગાઉ મુંબઇમાં વિદેશી મહિલાની હત્યામાં પણ તેની સંડોવણી હોવાનું ખુલ્યું હતું.સુરતના કુખ્યાત અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા વિરુદ્ધ ગણતરીના દિવસોમાં બીજો ગુનો નોંધાયો છે. અડાજણના રેતી કપચીના વેપારી સાહિદ શબ્બીર ગોડીલેને ફરિયાદ પાછી ખેંચવા માથાભારે અલ્તાફ પટેલ, વિપુલ ગાજીપરા અને સાગરીતોએ થોડા દિવસો અગાઉ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 નજીક બંધક બનાવી માર મારી રૂપિયા 10થી 15 લાખની ખંડણી માગી હોવાની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં 21 જાન્યુઆરીએ નોંધાઈ હતી,
દોઢથી બે વર્ષ પહેલાં હત્યાની કોશિષની સોપારી આપવાના ગુનામાં પોલીસ અલ્તાફનો પીછો કરી રહી હતી ત્યારે નવસારી ટોલનાકા પર અલ્તાફે પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.તે સમયે પોલીસ અધિકારી વી.વી,ભોલાએ એક સાઉન્ડ ફાયરીંગ પણ કર્યું હતું