– ગુજરાતની કોઈ એજન્સી આ ટેન્ડર ભરી શકશે નહીં
– 9 કરોડનું ટર્નઓવર, ISO સર્ટી., 75 હજારને તાલીમ આપી હોવાની શરતો
– અધિકારીઓની માનીતી એજન્સીઓ જ પસંદ થાય તેવો કારસો રચાયાની ચર્ચા
ગાંધીનગર,તા. 20 એપ્રિલ 2023, ગુરુવાર : અટલ ભૂજલ યોજનાનું 18 કરોડનું કામ માનીતાને મળે તે મુજબનું ટેન્ડર બનાવાયું છે.જેમાં GWRDCના અધિકારીઓએ માનીતા માટે ‘VIP’ ટેન્ડર બહાર પાડયું છે.તેમાં 9 કરોડનું ટર્નઓવર,ISO સર્ટી., 75 હજારને તાલીમ આપી હોવાની શરતો છે.તથા નાણા વર્લ્ડ બેંક અને કેન્દ્ર સરકારના ‘વહિવટ’ ગુજરાતના અધિકારીઓનો છે.સરકારના અધિકારીઓ ભ્રષ્ટાચારના એવડા મોટા ખેલ પાડી રહ્યાં છે કે જેને લઈને સરકારને નીચાજોણું થાય છે.
9 કરોડનું ટર્નઓવર, ISO સર્ટી., 75 હજારને તાલીમ આપી હોવાની શરતો
સિંચાઈ વિભાગ હેઠળના ગુજરાત વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ કોર્પોરેશને ગ્રામ પંચાયતોને તાલીમ આપવાની અટલ ભૂજલ યોજનાનું 17.53 કરોડનું ટેન્ડર અતાર્કિક અને અવ્યવહારૂ શરતો સાથે બહાર પાડતા વિવાદ સર્જાયો છે. ISO સર્ટિ હોવું જોઈએ, 9 કરોડનું ટર્નઓવર હોવું જોઈએ, 75 હજાર લોકોને તાલીમ આપેલી હોવી જોઈએ-જેવી શરતો રખાતા ગુજરાતની કોઈ એજન્સી આ ટેન્ડર ભરી શકશે નહીં અને અધિકારીઓની માનીતી એજન્સીઓ જ પસંદ થાય તેવો કારસો રચાયાની ચર્ચા જાગી છે.
ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે અટલ ભૂજલ યોજના અમલી બનાવાઈ
જમીનના તળમાં પાણીનું સ્તર વધે તે માટે રાજ્યના છ જિલ્લા બનાસકાંઠા,કચ્છ,મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર અને પાટણના 36 તાલુકાની 1,873 ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે અટલ ભૂજલ યોજના અમલી બનાવાઈ છે. 17.53 કરોડના કામ માટે એજન્સી પસંદ કરવા GWRDC દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.જેમાં રાખવામાં આવેલી શરતો જોઈને આ ટેન્ડરની પ્રિ-બીડ મીટિંગમાં 17થી વધુ એજન્સીઓએ વાંધા નોંધાવ્યા છે.ગુજરાતની એજન્સીઓએ સરકારમાં રજૂઆત કરી છે કે આ ટેન્ડર માટે 8.77 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર માંગવામાં આવ્યું છે.આ ઉપરાંત એજન્સીએ રપ00 જેટલી ટ્રેનિંગ યોજેલી હોવી જોઈએ.વર્ષ દરમિયાન એજન્સીએ 75 હજાર લોકોને તાલીમ આપેલી હોવી જોઈએ.એક વર્ષમાં 1.76 કરોડનું કામ સિંગલ ઓર્ડરમાં કરેલું હોવું જોઈએ.સાથોસાથ એજન્સી ISO 9001-2015નું સર્ટિફિકેટ ધરાવતી હોવી જોઈએ.
દિલ્હી અને હરિયાણાની બે એજન્સીને કામ આપવા માટે તેમને અનુકૂળ હોય તેવી શરતો
આ ટેન્ડરની શરતો જોતા જ કોઈપણ ને ખ્યાલ આવી જાય કે આ ટેન્ડર GWRDCના અધિકારીઓએ એવી રીતે બનાવ્યું છે કે પોતાની માનીતી એજન્સી જ પસંદ થાય.સિંચાઈ વિભાગના અંતરંત વર્તુળોના જણાવ્યા મુજબ દિલ્હી અને હરિયાણાની બે એજન્સીને કામ આપવા માટે તેમને અનુકૂળ હોય તેવી શરતો સાથે આ ટેન્ડર બનાવવામાં આવ્યું છે.કારણ કે આવી શરતો સાથે ગુજરાતની કોઈ NGO કે સ્વૈચ્છિક સંસ્થા આમાં પસંદ જ થઈ શકે તેમ નથી.