મુંબઈ તા.22 : સિકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા (સેબી)એ પીપલ્સ બેંક ઓફ ચાઈનાનું ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર લાયસન્સ ત્રણ વર્ષ માટે રિન્યુ કર્યું છે.ચીન અને હોંગકોંગની એફપીઆઈની ચિંતાઓ આથી હળવી થઈ છે.પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ મેના પ્રથમ સપ્તાહમાં પૂરું થઈ રહ્યું હોવાથી લાયસન્સના સમયસર રિન્યુઅલ માટે સેબી અને નાણા મંત્રાલય સમક્ષ રજુઆત કરી હતી.
ભારતમાં આવતા ચાઈનીઝ રોકાણ પર નિયંત્રણો મુકવા સરકાર પગલાં ભરી રહી હોવાથી માર્કેટ રેગ્યુલેટર તેમના પરવાના તાજા કરશે કે કેમ તે બાબતે ચીનના ફંડો નર્વસ હતા.સેબી પણ ચીનના એફપીઆઈ પર વધુ દેખરેખ રાખી રહી છે,અને તેણે ગત મહિનાથી આવા ફંડોની વધુ વિગતો માંગી હતી. પીપલ્સ બેંક ઓફ ચાઈનાનું હોલ્ડીંગ માર્ચ કવાર્ટરમાં એચડીએફસીમાં 1%થી વધી ગયું ત્યારે વિવાદ ઉભો થયો હતો.ઘણાં લોકોને ડર લાગ્યો હતો કે પૂરતા દારુગોળાવાળી ચીની કંપનીઓ લોકડાઉન અને આર્થિક સુસ્તીમાંથી પસાર થઈ રહેલી ભારતીય કંપનીઓને ગળી નહીં જાયને.


