નવી દિલ્હી,તા.૧૮ : અમેરિકન રોકાણકારોના એચડીએફસી બેન્કના શેર્સ ખરીદીમાં થયેલા કથિત નુકસાન બદલ અમેરિકન લો ફર્મ રોઝેન લોએ તપાસ શરૂ કરવાની ઘોષણા કરી છે અને આ કાયદકીય કંપનીએ કલાસ એકશન સ્યુટ ફાઇલ કરવાની તૈયારી શરૂ કરી છે.
એચડીએફડી બેન્કે રોકાણકારોને કથિત રીતે ગેરમાર્ગે દોરતી માહિતી આપી હોવાના આક્ષેપોને પગલે આ તપાસ શરૂ થઇ હોવાનું માનવામાં આવે છે.
રોઝેન લો એ એચડીએફસી બેન્ક લિ.ના શેર્સ ખરીદનાર રોકાણકારોને શેર ખરીદીની માહિતી પૂરી પાડવા તેમની વેબસાઇટ દ્વારા અપીલ કરીને જણાવ્યું છે જેથી તેમને થયેલા નુકસાનનું વળતર બેન્ક પાસેથી વસુલ કરી શકાય.
રોઝન લો ફર્મ એ બેન્કના રોકાણકારોને કહ્યું છે કે તેઓ કલાસ એકશન લો સ્યુટ માટે માહિતી આપવા આગળ આવે તે માટે લો કંપનીના પ્રતિનિધિ તેમની પાસે માહિતી વિના મૂલ્યે એકત્રિત કરશે.બેન્કના પ્રતિનિધિઓએ ઓટો લોન સાથે જીપીએસ ડિવાઇસિસ પણ ખરીદવા માટે દબાણ કર્યુ એટલું જ નહીં આ ડિવાઇસીસ નહિ ખરીદે તો લોન મંજુર નહિ થાય એવો આગ્રહ કર્યો હતો, એવો આક્ષેપ વિવિધ આરોપમાં સામેલ છે.
મુંબઇની કંપની ટ્રેક પોઇન્ટ દ્વારા ઉત્પાદિત જીપીએસ ઉપકરણની કિંમત રૂ. ૧૮,૦૦૦ છે. બેન્ક આ વિશે આંતરિક તપાસ કરી અમુક અધિકારીઓને બરતરફ કર્યા હતા.બેન્કના અમુક અધિકારીઓ દ્વારા થયેલી ગેરરિતીનો ઉલ્લેખ બેન્કના સીઇઓ આદિત્ય પુરીએ એજીએમમાં પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે અમુક બેજવાબદાર કર્મચારીહો વિરૂધ્ધ આંતરિક તપાસ થઇ હતી અને તેમની વિરૂધ્ધ યોગ્ય પગલા લેવામાં આવ્યા છે.ઓટો લોન વેચવા કેટલાક એકિઝકયુટિવઝે અંગત ધોરણે ગેરરીતિ કરી હતી, તે કેસમાં બેન્કના હિતોનો ટકરાવ નહોતો, એમ આદિત્ય પુરીએ જણાવ્યું હતું.