– પરિણામ પહેલા જ સુરતની આ સીટ પર કોંગ્રેસી ઉમેદવારે ભાજપ સામે હારવા માટે કર્યું એવું કામ કે કોંગ્રેસીઓએ કરી ફરિયાદ
– હર્ષ સંઘવીની જીત નક્કી,કોંગી ઉમેદવાર બળવંત જૈૈૈને એજન્ટો મૂકવામાં કરી મોટી ગરબડ
ગુજરાત રાજ્યની વિધાનસભા ચુંટણીમાં હાઇપ્રોફાઇલ મજૂરા બેઠક પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે કોંગ્રેસ દ્વારા બળવંત જૈન નામના ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા હતા.મહત્વનું છે કે, તેમના બૂથો પર ટેબલો અને પોલિંગ એજન્ટો ગાયબ હોવાની ફરિયાદો મળી હતી.અમુક જગ્યાએ જ્યાં મોકલવામાં આવ્યા તે પણ બીજી વિધાનસભાના હોવાથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા.એટલે હવે હર્ષ સંઘવીની જીત પરિણામ પહેલા જ નક્કી થઇ ગઇ હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.જો એજન્ટો હતા જ નહીં તો પાર્ટી તરફથી મળેલા 40 લાખ રૂપિયાનું શું થયું તેવો સવાલ ખુદ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યા છે.જો વાત કરવામાં આવે તો મજૂરા વિધાનસભામાં સવારથી જ ઘણા બૂથો ટેબલ કે એજન્ટ ન હતા. જોકે, કેટલીક જગ્યાએ એજન્ટો ગયા પરંતુ તે જે તે વિધાનસભાના વોટર ન હોવાને કારણે તેમાંથી ઘણાને કાઢી મૂકવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએપણ મીડિયાને બ્રીફ કરતા જણાવતા કહ્યું હતું કે, તેમણે પોતે કોંગ્રેસના 30થી વધુ પોલિંગ એજન્ટોને બહાર કઢાવ્યા હતા કારણ કે તે લોકો મજૂરાના વોટર જ ન હતા.મહત્વનું છે કે, નિયમ મુજબ તેમને રાખી શકાય નહીં.
અજય ટપાલી નામના ભાજપના એક કાર્યકરે જણાવતા કહ્યું હતું કે, તેમણે ભટાર,ખટોદરા સહિતના વિસ્તારોમાં 60થી 70 એજન્ટોને દૂર કરાવ્યા હતા કારણ કે તેઓ ત્યાના વોટર ન હતા.તેમનું કહેવું હતું કે અંદાજે 200 જેટલા બૂથ પર આ પ્રકારની સ્થિત હોઇ શકે છે.અહિયાં એ પણ સવાલ પેદા થઇ રહ્યો છે કે, શું તો બળવંત જૈન દ્વારા બૂથ એજન્ટોની નિમણૂક જ નહોતી કરવામાં આવી? ત્યારે આ અંગે કોંગ્રેસના કાર્યકર અને અગાઉ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા ગોવિંદ પટેલને પૂછતા તેમણે જણાવતા કહ્યું હતું કે, મતદાનના પહેલા દિવસે મોડીરાત સુધી એજન્ટોને જે ચૂકવણુ કરવામાં આવતું હોય છે તે કરવામાં આવ્યું ન હતું.છેવટે થોડા ઘણા રૂપિયા આપીને એજન્ટોને મોકલવાની વાત કરવામાં આવી એટલે મોટા ભાગનાએ ના પાડી દીધી હતી.ત્યાર પછી તેમણે શું કર્યું તે ખબર નથી.એવું લાગી રહ્યું હતું કે, તેમણે રૂપિયા આપવા જ ન હતા.
સમગ્ર મામલે અંગે કોંગ્રેસના કાર્યકારી દીપ નાયકે એક ખાનગી પોર્ટલને જણાવતા કહ્યું કે, આ અંગેની મૌખિક ફરિયાદ તેમને મળી છે પરંતુ તે માહિતી ચોક્કસ નથી.તપાસ કરવામાં આવી રહી છે.સુરત કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઇને પણ આ અંગે પૂછવામાં આવતા તેમણે અજાણ હોવાની વાત કરી હતી.જોકે, તેમણે જણાવતા કહ્યું હતું કે, પાર્ટીએ ઉમેદવાર દીઠ રૂપિયા 40 લાખનું ફંડ આપ્યું છે.એટલે રૂપિયા ન આપ્યા હોય તેવું ન બને.છતાં આ અંગે જો કોઇ ફરિયાદ મળશે તો તપાસ કરાવવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર જો વાત કરવામાં આવે તો બળવંત જૈનને પહેલેથી જ ખબર હતી કે, આ બેઠક પર હારવાનું જ છે.એટલે રૂપિયા ખર્ચવાનો કોઈ મતલબ નથી.જોકે, પાર્ટી દ્વારા આપવામાં આવેલ આ રૂપિયા ક્યાં ગયા તે પ્રશ્ન ખુદ કોંગ્રેસના કાર્યકરો તેમને પૂછી રહ્યા છે.બીજી તરફ ભાજપ દ્વારા પણ આ બેઠક પર કોઇ ખાસ મહેનત કરવાની જરૂર પડી ન હતી.કોંગ્રેસ દ્વારા જે રીતે મજૂરામાં બીજી વિધાનસભાઓના મતદારોને એજન્ટ બનાવવામાં આવ્યા તે બતાવે છે કે, આ જાણી જોઇને જ કરવામાં આવ્યું હોઈ શકે છે.
સુત્રો એવું પણ કહી રહ્યા છે કે, આમ પણ હર્ષ સંઘવી જેવા દમદાર ઉમેદવાર હતા.જેની સામે કોંગ્રેસમાં આ પ્રકારની હાલત હતી.સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે, આ બેઠક પર કોંગ્રેસે ભાજપ સાથે અગાઉથી જ સેટિંગ પાડી દીધુ હતું.એટલે આ પરિસ્થિતિ ઊભી નથી થઇ પરંતુ પહેલાથી જ આ રણનીતિ ઘડવામાં આવી હતી.જયારે અમારા દ્વારા આ અંગે વાત કરવા બળવંત જૈનને ફોન કરવામાં આવ્યો,પરંતુ તેમના દ્વારા ફોન ઉપાડવામાં આવ્યો ન હતો.તેમના વતી વહીવટ કરનાર અને અગાઉની ચૂંટણી વખતે ઉમેદવાર રહેલા ધનપત જૈનને પણ ફોન કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે પણ ફોન ઉપાડ્યો ન હતો.જોકે, આ ઇશ્યું હવે દિલ્હી સુધી પહોંચી ગયો હોવાની વાત સામે આવી છે.
અત્રે નોંધનીય છે કે મજુરા વિધાનસભાના ઉમેદવાર
બળવંત જૈને અન્ય પાર્ટીઓ પાસે પણ ફંડ ઉઘરાવી ઘજાવે ઘાલી દીધો હોવાનો આક્ષેપ ખુદ કોંગ્રેસના કાર્યકર્તા સોશિઅલ મિડિયામાં કરી રહ્યા છે તેમજ બળવંત જૈને આ પાર્ટી ફંડનો ઉપયોગ પોતાના અંગત ઋણ ચૂકવવા કર્યો હોવાની પણ ચર્ચા છે.આમ ચૂંટણી પરિણામ અગાઉ જ બળવંત જૈનએ સીધેસીધો ભાજપના હર્ષ સંઘવીને ફાયદો કરાવી દીધો હોવાની રાજકીય અટકળો જોરશોરમાં ચાલી રહી છે.આ બાબતે અગાઉ કોંગ્રેસના એક વોટ્સએપ ગ્રુપમાં કે જયાં રાષ્ટ્રીય નેતાઓ પણ ગ્રૂપમાં સામેલ છે ત્યાં આવા ગંભીર આક્ષેપો કરાતા ખુદ કોંગ્રેસ પક્ષમાં સોપો પડી જવા પામ્યો છે.જયારે ભાજપના ખેમામાં ખુશીનો માહોલ છવાયો છે અને કોંગ્રેસ પરિણામ આગઉ જ હાર ભાળી ગઈ હોય એવું લાગી રહ્યું છે.ચર્ચા છે કે બળવંત જૈન જે દિવસે ચૂંટણી નામાંકન ભરવા ગયા હતા ત્યાં તેમનો ભેટો ભાજપના હર્ષ સંઘવી સાથે થયો હતો ત્યારબાદ જ આ આખો ખેલ ભાજપની તરફેણમાં પડી ગયો હોવાની રાજકીય ચર્ચા છે.ઉપરાંત મજુરા વિધાનસભામાં બુથ ન મુકવાથી મંડી અન્ય આયોજનો પણ હર્ષ સંઘવીને જીતાડવા કે પરોક્ષ રીતે લીડમાં વધારો કરી આપવાનો રાજકીય સોદો અને ચોગઠાંબાજી ગોઠવાઈ હોવાનું ખુદ કોંગ્રેસના રાજકીય પટલ પર ચર્ચાઈ રહ્યું છે.કોંગ્રસના બળવંત જૈન આમ તો ઘણા સામાજિક કર્યો તેમના સમાજ માટે કરી રહ્યા છે પણ આ વખતે કોંગ્રેસને મજુરા વિધાનસભામાં લીડ અપાવવામાં નિષ્ફળ થઇ ગયા હોઈ એવું હાલના હાઇપ્રોફાઈલ દ્રામા પરથી લાગી રહ્યું છે.બળવંત જૈન એ ખેલ પાડ્યો હોઈ તો આ વખતે નિશ્ચિત 2017 કરતા ભાજપના હર્ષ સંઘવીને મોટી સરસાઈ પ્રાપ્ત થશે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે.આ બાબતે મામલો કોંગ્રસ હાઇકમાન્ડ સુધી પોંહચયો છે ત્યારે સાવ હાંસિયામાં ધકેલાઈલી કોંગ્રસ પાર્ટી શું એક્શન લે છે તે તરફ મતદારો અને કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ મીટ મંડાઈ ચુકી છે.
કોંગ્રેસ મજુરા વિધાનસભાના ઉમેદવાર બળવંત જૈનએ પાર્ટી ફંડના 50 લાખનો વહીવટ કરી નાખ્યો હોવાના અહેવાલ વચ્ચે તેમના વહીવટદાર ધનપત જૈન પણ વિવાદોમાં સપડાયા છે.સોશ્યિલ મીડિયામાં ચર્ચા એ પણ ચાલી
રહી છે કે કોંગ્રેસના માત્ર ત્રણ ઉમેદવારને બાદ કરતા પાર્ટી ફંડના રૂપિયાનો તમામ ઉમેદવારો ઓહિયાં કરી ગયા છે ત્યારે આવનારા દિવસોમાં ચૂંટણી પંચ અને ઈન્ક્મટેક્ષ પણ આ મામલે તપાસ કરી શકે છે એવી ભીતિ અને ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે.કોંગ્રસ જીતવા માટે મેદાનમાં ઉતરે છે કે હારવા માટે એ તો ચૂંટણી પરિણામો બાદ જાહેર થઇ જ જશે પરંતુ પાર્ટી ફંડના મામલે હાલમાં કોંગ્રેસમાં જ રાજકારણ ગરમાયું છે.
સૌથી મોટી બાબત એ છે કે બળવંત જૈનનો ચૂંટણીનો જે રફ હિસાબ જે કાગળમાં લખાયો છે તે અને કેટલાંક કાર્યકર્તાઓએ ઓડિયો ક્લિપ પણ કોંગ્રેસના ગ્રૂપમાં મૂકી હતી જે પણ વાઇરલ થઇ છે.આ કાગળના હિસાબમાં 10 દિવસનો લંચનો ખર્ચો રૂપિયા 2,50000,કાર્યાલયનો ખર્ચ રૂપિયા 1,50000,બાઈક રેલીનો ખર્ચ 2,00000 લાખ રૂપિયા જયારે પોસ્ટર અને બેનર પાછળ 2,00000 ,બુથ પાછળ રૂપિયા 5,00000,સભા પાછળ 40,000 એમ વિવિધ રીતે 19,25000 રૂપિયાનો દર્શવવામાં આવ્યો છે જેની કોપી પણ બજારમાં ફરતી થઇ હોવાનું જાણવા મળ્યું છે.આ આખા એપિસોડમાં શહેર કોંગ્રેસ અને હાઇકમાન્ડના નેતાઓ સુધી પ્રકરણ પહોંચી ચૂક્યું છે પરંતુ આબરૂ બચાવવા કોઈપણ મગનું નામ મરી પાડી રહ્યું નથી એવું પણ અંતે જાણવા મળ્યું છે.


