સુરત,તા.7 જુલાઈ 2023,શુક્રવાર : ( એડિટર : જિગર વ્યાસ ) : વિજય માલ્યા કે નીરવ મોદી ત્યાં સુધી જ ઈજ્જતદાર હતા,જ્યાં સુધી તેમની કાળી કમાણી અને લાખો લોકોના રૂપિયા કેવી રીતે ક્યાં હજમ થઈ ગયા તે લોકો જાણી નહોતા શક્યા.હવે આવું જ કંઈક આવનારા સમયમાં સુરતના હીરાબજારમાં થવા જઈ રહ્યું હોય એવા અનુમાન લાગી રહ્યા છે.વાત છે હીરાબજારમાં લેબગ્રોન ડાયમંડ કંપની કે જેના દિવસો ગણાઈ રહ્યા હોવાનો ગણગણાટ વ્યાપકપણે થઇ રહ્યો છે.ચર્ચા છે કે કંપની 2500 કરોડમાં ગમે ત્યારે કાચી પડે મતલબ કે કહેવા સારું પરંતુ જમીની હકકીત તો એ છે કે,આ કંપનીએ પાસે લેબગ્રોન ડાયમંડમાં કોઈ મશીનો હતા ખરા ? શું ખરેખર ડાયમંડ પ્રોસેસ થતા હતા કે પછી બહારથી ખરીદવામાં આવતા હતા ? જેવા પ્રશ્નો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે.હીરાબજારના ઇતિહાસમાં કદાચ આ સૌથી કલંકિત અને સૌથી મોટું ઉઠમણું પણ સાબિત થઇ શકે તેવી પરિસ્થિતિ આકાર લઇ રહી હોવાના અહેવાલ આવી રહ્યા છે.
આવું જ કંઈક થઈ રહ્યું છે સુરતના હીરા ઉદ્યોગ જગતમાં.સેંકડો લોકો પાસેથી લાખોથી કરોડો સુધીની રકમ લઈને મોટો નફો અપાવે એવા સિન્થેટિક ડાયમંડ તેમજ હીરા માપવાની ટેક્નોલોજીના કોઈએ ન જોયેલા મશીનના કાગળ પરના માલિકો બનાવવામાં આવ્યા અને છેલ્લા બે વર્ષથી આ મશીનો નથી રોકાણકારો એ જોયા કે ડાયમંડ ક્યાંથી આવે છે તૈયાર થઈને તે પણ.આ કંપનીના ગેટમેન પણ નથી જાણતા,જી હા આ હક્કીત છે કારણ કે લેબગ્રોન કિંગ તરીકે નામના પામેલા આ ડાયમંડ કંપનીનો કારભાર શરુઆતથી જ ખુબ રહસ્યમય રહયો છે.ચર્ચા છે કે આ મશીનમાં આજદિન સુધી કોઈપણ માલ તૈયાર થયો નથી અને બરોબર બજારમાંથી માલ ખરીદીને રોકાણકારોને સુપરત કરવામાં આવે છે.આ મશીન એટલા રહસ્યમય છે કે જેના દર્શન આજદિન સુધી કોઈપણ રોકાણકારે કે નફો રળવા ધંધામાં જોડાયેલા કોઈએ જોયા નથી.કથિત લેબગ્રોન કિંગ તરીકે નામચીન થયેલા આ કંપનીના સંચાલકની પૃષ્ઠભુમિકા પણ શંકાસ્પદ જ રહી હોવાનું હીરાબજારમાં છેડેચોક ચર્ચાઈ રહ્યું છે.લેબગ્રોન કિંગ એક નહિ પણ 8 કરતા વધુ કંપનીઓમાં ડિરેકટર સહિતનો કારભાર સંભાળી રહ્યા છે જે પૈકીની એક આ એલએલપી કંપની છે જેમાં લેબગ્રોન ડાયમંડના નામે કરોડો રૂપિયા રોકાણકારો પાસે ઉઘરાવી લેવામાં આવ્યા છે અને નફામાં રિટર્ન આપવાના સ્થાને તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે.આ લેબગ્રોન ડાયમંડ કંપનીના ડિરેકટરની અન્ય કંપનીઓ પણ કાગળ પર જ હોવાની વાત પણ બજારમાં ચાલી રહી છે અને લેબગ્રોન ડાયમંડમાં મોટો નફો હોવાની હવા ચલાવી રોકાણકારોના કરોડો રૂપિયા ઉસેટવામાં આવ્યા હોવાના સમાચાર પ્રતિદિન ફેલાઈ રહ્યા છે.અધુરામાં પૂરું કો-ઓપરેટીવ બેંક પણ 600 કરોડની માતબર લોન આપી સાણસામાં ફસાઈ ચુકી હોવાની ચર્ચા પણ હીરાબજારમાં ચાલી રહી છે.આ બધા સમીકરણો અને હાલની સ્થિતિ જોતા આવનારા દિવસોમાં આ લેબગ્રોન કંપની હીરાબજારમાં ઐતહાસિક ઉઠમણું કરે તો નવાઈ પામવા જેવી કશું નહીં હોય.
આ લેબગ્રોન કંપનીએ લોકોને એવી લાલચ આપી કે લાલચમાં આવી ગયેલા લોકો જેમાં મોટાભાગના મૂળ તો સૌરાષ્ટ્રવાસીઓ છે,જેમાં કોઈએ જમીન વેચી તો કોઈએ વ્યાજે ફરતી રકમો પાછી ઉઘરાણી કરીને આ ડાયમંડ કિંગ ને આપી દીધી.ડાયમંડ કિંગ એ પણ તમામને વ્યાજ કરતા વધુ કમાશો અને ચોખ્ખો નફો મળતો રહેશે તેવી લાલચ આપીને લાખો કરોડોની રકમ ઉઘરાવી લીધી પણ હાલ ન નફો દેખાઈ રહ્યો છે કે ન તો પેલું સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજી વાળું મશીન ! કહેવાઈ છે કે આ કથિત લેબગ્રોન ડાયમંડ કિંગે લોકોને જે તે સમયે એવું કહ્યું હતું કે,આ દુનિયાનું સૌથી પહેલું અને બેસ્ટ ટેક્નોલોજીયુક્ત મશીન છે કે જે એમની કંપનીએ બનાવ્યું છે.હકીકતમાં આ મશીન ઇઝરાયેલ સ્થિત સરિન ટેકનોલોજીસની છે જેનું ડુપ્લિકેશન કરવામાં આવ્યું હતું જે અંગેનો કોપયરાઈટ,પેટર્ન અને કલેઇમનો કાનૂની દાવો સુપ્રીમ કોર્ટમાં સરિન ટેક્નોલોજીસ જીતી ચુકી છે અને કોર્ટ દ્વારા આ ડુપ્લિકેશન કરવા પર રોક લગાવી દેવામાં આવી છે જેથી સુરત ખાતે કાર્યરત આ કથિત લેબગ્રોન કિંગ વધુ ભરાયા છે અને રોકાણકારોને પણ આવનારા દિવસોમાં ભરાવી દેશે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
આ ડાયમંડ કથિત કિંગની એક મોડસ ઓપરેન્ડી હતી અને સૌને કહેતો કે, અમારી પાસે જે મશીન છે તે દુનિયામાં કોઈ પાસે નથી અને આ ટેકનોલોજી લીક નથી થવા દેવાની એટલે એ તમને જોવા નહિ મળે પણ તમે મશીનના માલિક કહેવાશો પણ માત્ર કાગળ પર જ.હવે રોકાણકારોને નફાના સ્થાને નવા નવા જવાબો પ્રતિદિન મળી રહ્યા છે.ચર્ચા મુજબ કોરોનાકાળ દરમ્યાન હોસ્પિટલોમાં કરોડો રૂપિયા કમાયેલા વરાછા,કતારગામ અને મૂળ સૌરાષ્ટ્રવાસી ડોક્ટરોએ પણ મોટાપાયે આ લેબગ્રોન ડાયમંડ કંપનીમાં રોકાણ કર્યું છે તેવા તમામ પણ હાલ ભેરવાયા છે અને હવે રૂપિયા પાછા આપવાના સ્થાને આવા તમામને વાયદાઓ મળી રહ્યા છે.રોકાણકરો પણ બજારનો રૂખ બદલાતા આ કંપની પાસે ઉઘરાણી શરુ કરી ચુક્યા છે અને હાલમાં દિવાળી સુધી રાહ જોવાના વાયદા-વચન આપવામાં આવી રહ્યા છે તે જોતા કદાચ દિવાળી પહેલાં કે દિવાળી પછી સુરતના હીરાબજારમાં અત્યાર સુધીના સૌથી મોટા ઉઠમણાના સમાચાર આવે તેવી પ્રબળ શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં ધ્યાન દોરે એવી બાબત એ છે કે, આજદિન સુધી કોઈને પણ આ મશીન જોવા મળ્યા નથી અને હીરા આપવા જતા ધંધાર્થીઓને કહેવામાં આવે છે જો તમારે તમારા મશીનમાં હીરા મપાવવા હોય તો અમારા કંપનીના ગેટ પર આપી દેવાના અને મપાય ગયેલો માલ પણ તમને ત્યાં જ મળી જશે એમ કહેવામાં આવે છે.વધુમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે જ જો મશીનના માલિક બનવું હોય અને નફો મેળવવો હોય તો પૈસા આપી દો પણ તમને મશીન જોવા મળશે નહીં.એ મોડેસ ઓપરેન્ડી આધારે 2000 થી 2500 કરોડ રૂપિયા આ કંપનીએ ઉઘરાવી લીધા છે અને હવે રોકાણકારો નફો અને નાણાં માંગી રહ્યા છે ત્યારે સરખા જવાબ ન મળતા પરિસ્થિતિ ડામાડોળ થઇ હોવાના અહેવાલ પણ આવી રહ્યા છે.
સ્વાભાવિક છે ઊંચો નફો આપવાની વાત કરતા આ ડાયમંડ કિંગની વાતમાં તમામ આવી ગયા અને ગાડરીયા પ્રવાહની જેમ એક પછી એક સેંકડો લોકોએ લાખોથી કરોડોની રકમ આ ડાયમંડ કિંગ ને આપી દીધી.સાંભળવા તો એવું પણ મળ્યું છે કે અહીંયા ઇન્કમટેક્સની એક મોટી રેડ કરવામાં આવી હતી પણ રેડ કરનાર કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓએ મોટો વ્યહવાર કરી લેતા જે તે સમયે ભીનું સંકેલી લેવામાં આવ્યુ હતું.બાકી ત્યારે જ આ કંપનીનો પરપોટો ફૂટી ગયો હોત અને સદનસીબે આ ડાયમંડ કિંગ વિજય માલ્યા કે નીરવ મોદી છે,તે જાહેર થતું થતું રહી ગયું.
અંતે સુરતના આ ડાયમંડ કિંગ એ વિશ્વભરમાં પોતાની ઓફિસો ખોલી નાખી છે.સુરતમાં તો ઠેર ઠેર બિલ્ડીંગો પણ ભાડે રાખીને ઓફિસો ખોલી નાખી હતી.પણ હવે પોતાની હવામાં ઊભી કરેલી વાતો અનુસાર કામ ન થતા ઉઘરાણી વાળાઓ સતત રૂપિયા માંગી રહ્યા છે.ત્યારે આ ડાયમંડ કિંગ લોકોને ઓછી રકમ આપીને ચૂકવણું કરી રહ્યો હોય તેવું પણ જાણવા મળ્યું છે.સરેરાશ છેલ્લા બે વર્ષમાં અસ્તિત્વમાં આવેલી કંપની ઇઝરાયેલની નામાંકિત કંપનીના મશીનોના ડુપ્લીકેટ મશીનો બનાવે છે જેના આધારે લોભામણી જાહેરાતો અને મોટા દેખાડા કરી બજારમાંથી કરોડો રૂપિયા ઉઘરાવી લે છે પંરતુ આ બધું પ્રિ-પ્લાન હોવાનો ગણગણાટ છે જેમાં આ કંપની સાથે જોડાયેલી અન્ય એક કંપનીના બે હોશિયાર બંધુઓને આ વિષે ગંધ આવી જતા તેઓ જે તે સમયે આ કથિત ડાયમંડ કિંગ સાથે છેડો ફાડી ચુક્યા હતા.આ તમામ પાસાઓ જોતા આ કંપનીના ઉઠમણાંનો પરપોટો ગમે તે ઘડી એ ફૂટે એવી શક્યતા છે અને જો આમ થશે તો નિશ્ચિત આ હીરા ઉધોગમાં થયેલું સૌથી મોટું ઉઠમણું હશે કે જેનો અંદાજિત આંક 2500 કરોડ છે પરંતુ અન્ય એક હાર્યા અનુસાર આ અનાકડો લેબગ્રોન ડાયમંડ અને મશીનમાં જે પ્રકારે રોકાણ કરી મેળવવામાં આવ્યો છે તે કદાચ આંખ આજી નાંખે એવો છે અને તે કદાચ સંભવત 10000 કરોડનો પણ હોય શકે એવું હીરાબજારના જાણકારો કહી રહ્યા છે અને ચર્ચા પણ આ જ પ્રકારે ચાલી રહી છે ત્યારે આ રોકાણકારોની આ દિવાળી સુધરશે કે ચોંધાર આંસુએ રડાવશે તે જોવું રહ્યું.