નવી દિલ્હી : તા.10 જૂન 2022,શુક્રવાર : ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી(IIT)મદ્રાસના સંશોધકોએ માનવીય હસ્તક્ષેપ વગર જ સેપ્ટિક ટેન્કની સફાઈ કરી શકાય તે માટે એક રોબોટ વિકસાવ્યો છે. ‘હોમોસેપ'(HomoSEP)નામના આ રોબોટ્સના 10 યુનિટ્સને તમિલનાડુ ખાતે તૈનાત કરવાની યોજના બનાવવામાં આવી છે.આ માટે યોગ્ય સ્થળોની વિચારણા કરવા માટે સંશોધકોએ સફાઈ કર્મચારીઓનો (સેનિટાઈઝેશન વર્કર્સ) સંપર્ક સાધ્યો છે.
‘હોમોસેપ’ નામના આ રોબોટ્સને ગટરોની સફાઈ માટે હાથનો ઉપયોગ એટલે કે,માનવીય મદદ લેવામાં આવે છે તેની નાબૂદી માટે વિકસાવવામાં આવ્યા છે.સમગ્ર પ્રોજેક્ટના આગામી તબક્કામાં આ રોબોટ્સને ગુજરાત તથા મહારાષ્ટ્ર ખાતે તૈનાત કરવા માટેની વિચારણા કરવામાં આવી છે.સફાઈ કર્મચારી આંદોલન(SKA) નામના એનજીઓની(NGO)મદદથી ‘હોમોસેપ’ના 2 યુનિટ્સને નાગમ્મા અને રૂથ મેરી નામની મહિલાઓની આગેવાનીવાળા સ્વ-સહાય જૂથોમાં વિતરિત કરવામાં આવ્યા છે.તે બંને મહિલાઓના પતિઓ સફાઈ કામગીરી દરમિયાન ખૂબ જ દુઃખદ રીતે મૃત્યુ પામ્યા હતા.
આઈઆઈટી મદ્રાસ ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર પ્રભુ રાજગોપાલે જણાવ્યું કે,સેપ્ટિક ટેન્કનું વાતાવરણ ખૂબ જ ઝેરીલું હોય છે કારણ કે,તેનો લગભગ બે તૃતિયાંશ ભાગ અર્ધ ઘન તથા અર્ધ પ્રવાહી માનવ મળ પદાર્થથી ભરેલો હોય છે.વધુમાં જણાવ્યું કે,અનેક પ્રતિબંધો તથા નિષેધાત્મક આદેશો છતાં પણ માનવીય મદદથી ગટરોની સફાઈ દરમિયાન દર વર્ષે ભારતમાં અનેક લોકોના મોત થાય છે.

