નવી દિલ્હી : ક્રિકેટના ચાહકો હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.ત્યારે હવે ક્રિકેટના ચાહકો માટે એક ખુશખબર છે.ખૂબ જલ્દી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટીમ એકબીજા સામે બાથ ભીડવાની તૈયારીમાં છે.એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે.આ વખતનો એશિયા કપ શ્રીલંકામાં રમાવાનો છે.ટી-20 ફોર્મેટમાં રમાનારી આ ટુર્નામેન્ટ આગામી 27મી ઓગષ્ટથી શરૂ થવાની છે.જોકે હજુ સુધી એશિયા કપ 2022 સિઝનનું સંપૂર્ણ શિડ્યુઅલ બહાર નથી પાડવામાં આવ્યું.
એશિયા કપના આરંભના બીજા જ દિવસે એટલે કે,28મી ઓગષ્ટના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામે તેવી શક્યતા છે.28મી ઓગષ્ટના રોજ રવિવાર છે.એશિયન ક્રિકેટ કાઉન્સિલ સહિતના બ્રોડકાસ્ટર્સ મેચમાં શક્ય તેટલી વધારે ટીઆરપી ઈચ્છે છે.આ કારણે જ બંને દેશ વચ્ચેની મેચ માટે 28મી ઓગષ્ટનો દિવસ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.
ભારતે શ્રીલંકાના પ્રવાસ માટે તથા પાકિસ્તાન સામે રમવા માટે લીલી ઝંડી બતાવી દીધી છે જેથી શ્રીલંકાએ ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.આગામી 21મી ઓગષ્ટથી ક્વોલિફાયર રાઉન્ડ રમાશે જ્યારે 27મી ઓગષ્ટથી 11મી સપ્ટેમ્બર દરમિયાન ટુર્નામેન્ટ મેચ રમાશે.રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળશે જ્યારે પાકિસ્તાનની કમાન બાબર આઝમના હાથમાં હશે.ટી-20 વર્લ્ડકપ 2021માં ભારત પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં પાકિસ્તાન 10 વિકેટથી જીતી ગયું હતું.

