અમદાવાદ : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની ફાઈનલ પૂર્વે રંગારંગ સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો.આઈપીએલમાં ત્રણ વર્ષના અંતરાય બાદ ક્લોઝિંગ સેરેમની યોજવામાં આવી હતી.બોલીવૂડના સ્ટાર રણવીર સિંહે જબરજસ્ત પરફોર્મન્સ કરીને લોકોને ડોલાવ્યા હતા.આ ઉપરાંત ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એ આર રહેમાને સૂરો રેલાવ્યા હતા.જેમાં વંદે માતરમ ગીત પ્રસ્તુત કર્યું હતું તેમજ જય હો દ્વારા સ્ટેડિયમમાં હાજર દર્શકોનો જુસ્સો વધાર્યો હતો.
ગાયક બેની દયાલ,મોહિત ચૌહાણ,નીતિ મોહન સહિતના કલાકારોએ રહેમાનનો સાથ આપ્યો હતો.ક્લોઝિંગ સેરેમનીમાં ભારતના વિવિધ રાજ્યોની લોકનૃત્યની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.ગરબા,ભાંગડા, લાવણી,ભરતનાટ્યમ,ઘૂમર સહિતના વિવિધ રાજ્યોના કલાકારોએ સુંદર પ્રસ્તુતી રજૂ કરી હતી.રણવીર સિંહે સૌપ્રથમ 83 ફિલ્મના ગીત જીતેગા ઈન્ડિયાથી શરૂઆત કરી હતી.સ્ટેજ પર રણવીજને નાચતા જોઈને દર્શકોની ચીચીયારીઓથી સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું.સમાપન સમારોહમાં ભારતના ક્રિકેટના ઈતિહાસને દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ વિશાળ સ્ક્રીન પર દર્શાવવામાં આવી હતી.આ ડોક્યુમેન્ટરીમાં કપિલ દીવની ટીમ દ્વારા સૌપ્રથમ 83 વર્લ્ડ કપ જીતની પળો ઉપરાંત ભારતના ટી20 વર્લ્ડ કપ વિજય,આઈસીસી ચેમ્પિયન તથા વન-ડે વર્લ્ડ કપ સહિતની પળોને દર્શાવવામાં આવી હતી.


