નવી દિલ્હી, તા.૨૪ : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમંડ્સે કહ્યું છે કે, આઇપીએલમાં મને જંગી રકમનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.જોકે તે નાણાંને કારણે જ મારા અને માઈકલ ક્લાર્કના સંબંધો વણસ્યા હતા.ક્લાર્કને કદાચ મારી ઈર્ષ્યા થતી હતી અને આ કારણે તે જાણે મારો દુશ્મન બની ગયો હતો.હેડને પણ આ અંગે ઈશારો કર્યો હતો.ધ બ્રેટ લીના પોસ્ટકાર્ડમાં સાયમંડ્સે આ અંગેનો ખુલાસો કર્યો હતો.તેણે કહ્યું કે, આઇપીએલ પહેલા મારા અને ક્લાર્કના સંબંધો ખુબ જ સારા હતા.જોકે આઇપીએલમાં મને જંગી નાણાં મળ્યા હતા અને ત્યાર બાદ સંબંધોમાં તનાવ જોવા મળ્યો હતો.સાયમંડ્સને ૨૦૦૮ની આઇપીએલમાં ડેક્કન ચાર્જર્સે ૫.૪ કરોડ રૃપિયામાં ખરીદ્યો હતો.
સાયમંડ્સે તેના એક સમયના સાથી બ્રેટ લી સાથેની વાતચીતમાં કહ્યું કે, અમારી વચ્ચે સારી એવી દોસ્તી હતી.તે (ક્લાર્ક ) જ્યારે ટીમમાં આવ્યો ત્યારે મારી તેની સાથે ઘણી ભાગીદારી થઈ હતી.જેના કારણે અમારી દોસ્તી વધી ગઈ હતી.જોકે આઇપીએલના કોન્ટ્રાક્ટ બાદ પરિસ્થિતિ કથળી હતી.હેડને એક વખત મને કહ્યું હતુ કે, આઇપીએલમાં તને સારા એવા નાણાં મળ્યા તેના કારણે કદાચ તેને (ક્લાર્કને) ઈર્ષ્યા થઈ હશે અને આ જ બાબતને કારણે તમારા સંબંધો વણસ્યા હશે.સાયમંડ્સે ઊમેર્યું કે, મને લાગે છે કે નાણાંને કારણે ઘણી સારી બાબતો પણ થાય છે.જોકે તે એક જાતનું ઝેર પણ છે.મને લાગે છે કે, તેના જ કારણે અમારા સંબંધોમાં ઝેર રેડાયું હતુ.મને તેના માટે ઘણો આદર છે.જોકે હવે મારી તેની સાથે દોસ્તી રહી નથી. તેનાથી મને કોઈ વાંધો નથી.જોકે હવે હું કાદવ ઉછાળવા માંગતો નથી.
ક્લાર્ક કેપ્ટન બન્યો ત્યારે સાયમંડ્સ તેની કારકિર્દીના અસ્તાચળે હતો.એક વન ડે શ્રેણીમાં ટીમ મિટિંગમાં ગેરહાજર રહીને સાયમંડ્સ માછલી પકડવા જતો રહ્યો હતો.જે પછી ક્લાર્કે તેને ટીમમાંથી કાઢી મૂક્યો હતો.વર્ષ ૨૦૧૫માં સાયમંડ્સે ક્લાર્કની કેપ્ટન્સીની ટીકા કરી હતી.જ્યારે ક્લાર્કે ખુલાસો કર્યો હતો કે, ૨૦૦૮માં સામયંડ્સ એક વન ડે રમવા માટે દારુ પીને આવ્યો હતો.