– નવી દિલ્હી, તા.22.જાન્યુઆરી શનિવાર : આઈપીએલની 15મી સીઝન માટેના મેગા ઓક્શન પહેલા જ ભારતના સ્ટાર ક્રિકેટરો પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.
આઈપીએલમાં આ વખતથી સામેલ કરાયેલી બે નવી ટીમો અમદાવાદ અને લખનૌએ જાહેર કરેલા પોતાના ડ્રાફ્ટમાં હાર્દિક પંડ્યા,રાશિદ ખાન અને શુભમન ગિલને પોતાની ટીમમાં લઈ લીધા છે.અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યાને 15 કરોડ રુપિયા,રાશિદ ખાનને 15 કરોડ રુપિયા અને શુભમન ગિલને આઠ કરોડ રુપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
જ્યારે લખનૌની ટીમે કે એલ રાહુલને 17 કરોડ રુપિયા,ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સ્ટોઈનિસને નવ કરોડ રુપિયા અને યુવા સ્પિનર રવિ બિશ્નોઈને ચાર કરોડ રુપિયા આપીને પોતાની ટીમમાં લીધા છે.આ તમામ ખેલાડીઓને અગાઉ મળતી હતી તેના કરતા વધારે સેલેરી મળી છે.રાહુલ તો ઓક્શન પહેલા જ સૌથી વધારે રકમ મેળવનાર પ્લેયર બની ગયો છે.
આ પહેલા ચેન્નાઈએ જાડેજાને 16 કરોડ,મુંબઈએ રોહિત શર્માને 16 કરોડ અને દિલ્હીએ રિષભ પંતને 16 કરોડ આપીને રિટેન કર્યા છે.મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગયા વખતે 11 કરોડ રુપિયા આપ્યા હતા.જ્યારે રાશિદ ખાનને હૈદ્રાબાદે પહેલા 9 કરોડ રુપિયા આપ્યા હતા.માર્કસ સ્ટોઈનસને પણ ગયા વખત કરતા લગભગ ડબલ રકમ લખનૌની ટીમે આપી છે.