મુંબઈ, તા. 25 એપ્રિલ 2022, સોમવાર : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ખરાબ દિવસો પૂરા થવાનું નામ નથી લઈ રહ્યા.ટીમ અત્યાર સુધીમાં 8 મેચ રમી છે અને તમામ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો છે.રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈની ટીમ આ સિઝનમાં હજુ સુધી પોતાની જીતનું ખાતું નથી ખોલાવી શકી.સતત 8 મેચની હાર સાથે મુંબઈની ટીમે IPL ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.આ ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સતત 8 મેચ હારનારી પ્રથમ ટીમ બની છે.અત્યાર સુધી કોઈપણ ટીમ સતત આટલી મેચો હારી નથી.અગાઉ 10 વખત એવી સ્થિતિ સર્જાઈ છે કે, કોઈ ટીમ સતત 7 મેચ હારી હોય.
કઈ ટીમ ઓપનિંગમાં સૌથી વધુ મેચ હારી છે
જો આપણે સતત સૌથી વધુ મેચ હારવાની વાત કરીએ તો આ મામલે પણ મુંબઈ ટોપ પર છે.મુંબઈ ઈન્ડિયન્સ બાદ દિલ્હી ડેયરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નંબર આવે છે.તેઓ શરૂઆતથી સતત 6 મેચ હારી ચૂક્યા છે.દિલ્હીએ 2013ની સિઝનમાં અને બેંગ્લોરની ટીમે 2019ની સિઝનમાં આ અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો હતો.વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં મુંબઈની ટીમ 8 મેચ રમી છે અને તમામ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.આ ટીમ અત્યાર સુધીમાં દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ (બે વખત) અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી છે.
મુંબઈ ટીમની આગામી મેચમાં કોણ આમને-સામને
રોહિતની કેપ્ટનશિપવાળી મુંબઈની ટીમે હજુ વધુ 6 મેચ રમવાની છે.આ મેચ રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઈટન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે.
લખનૌએ મુંબઈને 36 રને હરાવ્યું
મુંબઈની ટીમ રવિવારે છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી હતી જેમાં તેને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 6 વિકેટે 168 રન બનાવ્યા હતા.કેપ્ટન KL રાહુલ 62 બોલમાં 103 રનની ઈનિંગ રમ્યા હતા.જવાબમાં મુંબઈની ટીમ 8 વિકેટે 132 રન જ બનાવી શકી હતી.કેપ્ટન રોહિત શર્માએ 39 અને તિલક વર્માએ 38 રન બનાવ્યા હતા.


