મુંબઈ, તા. 09 મે 2022, સોમવાર : ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ રવિવારે એક રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને હરાવ્યું હતું.ચેન્નાઈની આ જીત સાથે પ્લેઓફનું સમીકરણ કંઈક અંશે બદલાઈ ગયું છે.આ મેચમાં એમએસ ધોનીનું પ્રદર્શન પણ જોવા મળ્યું હતુ.તેણે માત્ર 8 બોલમાં 21 રન બનાવ્યા હતા.મેચ પુરી થયા બાદ પણ MS ધોની દિલ્હી કેપિટલ્સના ખેલાડીનો ‘માસ્ટરક્લાસ’ લેતો જોવા મળ્યો હતો.મેચ બાદની તસવીરમાં મહેન્દ્ર સિંહ ધોની સાથે દિલ્હી કેપિટલ્સના રિષભ પંત, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને અન્ય ખેલાડીઓ બેઠા હતા.
ઈન્ડિયન પ્રીમિયર લીગે તસવીર શેર કરતી વખતે પણ લખ્યું છે કે, જ્યારે MS ધોની બોલે છે ત્યારે બધા સાંભળે છે.MS ધોનીની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.માત્ર IPL જ નહીં પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સે પણ આ ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.તમને જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચમાં પ્રથમ દાવમાં 208 રન બનાવ્યા હતા.જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ માત્ર 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.MS ધોનીએ પોતે 8 બોલમાં 21 રનની ઈનિંગ રમી હતી જેમાં 2 સિક્સર પણ સામેલ હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સની આ જીત સાથે 8 પોઈન્ટ થઈ ગયા છે.ચેન્નાઈની માત્ર 3 મેચ બાકી છે અને તે હજુ પણ પ્લેઓફની રેસમાં છે.જો ચેન્નાઈ પોતાની ત્રણેય મેચો મોટા માર્જિનથી જીતી જાય છે તો અંતમાં નેટ-રનરેટને કારણે ટીમ માટે થોડી તક બની શકે છે.