નવી દિલ્હી, તા. 09 મે 2022 સોમવાર : ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનુ આઈપીએલ 2022માં પણ બેટ ખામોશ છે.તે રન માટે સંઘર્ષ કરી રહ્યુ છે.એક દિવસ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોહલી એકવાર ફરી પહેલા જ બોલ પર આઉટ થઈ ગયા.આ સિઝનમાં ત્રીજીવાર આવુ થયુ જ્યારે કોહલી ગોલ્ડન ડકનો શિકાર થયા.કોહલીનુ ખાતુ ખોલ્યા વિના જ પેવેલિયનમાં પરત ફર્યા બાદ તેમને બીજીવાર રેસ્ટ આપવાની માગ ઉઠવા લાગી પરંતુ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આને લઈને કોહલીને ચેતવણી આપી દીધી.
કોહલીએ આઈપીએલની 12 મી મેચમાં 111 ના સ્ટ્રાઈક રેટથી 216 રન બનાવ્યા છે.તેમણે આ સિઝનમાં માત્ર એક અડધી સદી ફટકારી છે અને 6 સિંગલ ડિજિટ સ્કોર તેમના નામે છે.આ કોઈ પણ આઈપીએલમાં તેમનુ સૌથી ખરાબ પ્રદર્શન છે.આ કારણથી તેમને બ્રેક આપવાની માગ ઉઠી રહી છે.તાજેતરમાં જ પૂર્વ ભારતીય હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ એ કહ્યુ હતુ કે કોહલી ખરાબ રીતે પાકી ગયા છે અને હવે તેમને થોડા સમય માટે બ્રેક આપવો જોઈએ. કેટલાક દિગ્ગજોએ પણ શાસ્ત્રીના સૂરમાં સૂર મિલાવતા કોહલીને આરામ આપવાની વકાલત કરી હતી પરંતુ ગાવસ્કર આની વિરુદ્ધ છે.
સુનીલ ગાવસ્કરે કોહલીને લઈને કહ્યુ બ્રેકનો અર્થ એ નથી કે કોહલી ભારતની મેચને મિસ કરશે.ભારત માટે રમવુ તેમની પહેલી અને સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.આ બિલ્કુલ સ્પષ્ટ અને સીધુ છે.મારુ માનવુ છે કે જો રમીશુ જ નહીં, તો પછી કેવી રીતે ગુમાવેલુ ફોર્મ પાછુ પ્રાપ્ત કરી શકીશુ? ચેન્જ રૂમમાં બેસી રહેવાથી તો તમારુ ફોર્મ પાછુ આવશે નહીં.જેટલુ વધારે તમે રમશો, એટલુ જ વધારે એ વાતની સંભાવના છે કે તમે જૂના રંગમાં પાછા આવો.
પૂર્વ ભારતીય કેપ્ટને આગળ કહ્યુ, આપ સમગ્ર ભારતમાં જઈને પૂછો જે પણ ક્રિકેટને ઓળખે છે અને આ રમતને ફોલો કરે છે તો તમામ એ કહેશે કે અમારે ભારત માટે કોહલીનુ ફોર્મ પાછુ જોઈએ.તો આપ ટીમ ઈન્ડિયા માટે રમવાથી તો બ્રેક લઈ શકતા નથી.તમે ઈચ્છો છો કે કોહલી ભારત માટે રન બનાવવાનુ શરૂ કરે.અમે સૌ આ જ ઈચ્છીએ છીએ.અમે સૌ તેને ફરીથી મોટા રન બનાવતા જોવા ઈચ્છીએ છીએ.