નવી દિલ્હી, તા. 26 માર્ચ 2022, શનિવાર : IPL 2022 (IPL 2022) 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે પરંતુ શરૂ થતા પહેલા જ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની ટીમ વિવાદના કારણે ચર્ચામાં આવી ગઈ છે.આ વિવાદ ફ્રેન્ચાઈઝીની અંદરનો છે જે સ્પષ્ટ રીતે સંજૂ સેમસન સાથે જોડાયેલો છે.ત્યારબાદ કેપ્ટન સંજુ સેમસને પોતાની ફ્રેન્ચાઈઝીને પણ ટ્વિટર પર અનફોલો કરી દીધી છે.હકીકતમાં ફ્રેન્ચાઈઝીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સંજુ સેમસનનો એક ફોટો ફની રીતે પોસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ આ મજાક તેમના પર જ ભારી પડી ગઈ હતી.
કેપ્ટન સેમસનને આ મજાક પસંદ ન આવ્યો અને તેમણે સોશિયલ મીડિયા પર જ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને પછી તેમણે સીનિયર મેનેજમેન્ટને ફરિયાદ કરી દીધી હતી.
ફ્રેન્ચાઈઝીએ નિવેદન આપીને જણાવ્યું કે,આજની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તે સોશિયલ મીડિયા માટે તેના અભિગમ અને ટીમમાં ફેરફાર કરશે. રાજસ્થાને આની સાથે જણાવ્યું કે,ટીમની અંદર બધુ બરાબર છે અને ટીમ પ્રથમ મેચની તૈયારીમાં વ્યસ્ત છે.સનરાઈઝર્સ હૈદરાબાદની સામે પ્રથમ મેચની તૈયારી કરી રહેલી ટીમમાં બધું બરાબર છે.
ફ્રેન્ચાઈઝીએ કહ્યું કે,મેનેજમેન્ટ સમગ્ર ડિજિટલ વ્યૂહરચના પર ફરીથી તપાસ કરશે અને આગામી સમયમાં નવી ટીમની નિમણૂક કરશે.હકીકતમાં રાજસ્થાન રોયલ્સના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સેમસનનો જે એડિટ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો તેમાં તેમને એક મહિલાની જેમ બતાવવામાં આવ્યા હતા.
આ ફોટોમાં રોયલ્સના કેપ્ટન બસની અંદર બેઠા છે અને કેપ્શન આપ્યું કે,ક્યા ખૂબ લગતે હો..ત્યારબાદ સેમસને આ પોસ્ટને રીટ્વિટ કરતા લખ્યું કે,મિત્રોનું આવું બધું કરવું ઠીક છે પરંતુ ટીમ પ્રોફેશનલ હોવી જોઈએ.


