– સમગ્ર વિશ્વ ભલે વર્તમાનમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વિજય માનતી હોય પરંતુ ISIS-K માટે આ ફક્ત એક સમજૂતી છે
નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ : અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી સાથે જ અનેક આતંકવાદી સંગઠનો ફરી મજબૂત બની ગયા છે.અમેરિકાના હુમલાના કારણે નબળા અને છિન્ન-ભિન્ન થઈ ગયેલા આ આતંકવાદી સંગઠનો હવે તાલિબાની રાજમાં ફરી માથું ઉંચકવા લાગ્યા છે.તેઓ આતંકવાદી હુમલા કરી રહ્યા છે, લોકોનો જીવ લઈ રહ્યા છે અને પોતાના સૌથી મોટા દુશ્મન અમેરિકાને પડકારી રહ્યા છે.આવા જ એક સંગઠનનું નામ છે ISIS-K જે અમેરિકા અને તાલિબાન બંનેને પોતાના દુશ્મન માને છે.આ વાત ચોંકાવનારી છે પરંતુ તાલિબાન અને ISIS-K વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.બંને એકબીજાના કટ્ટર દુશ્મનો છે અને એક અલગ વિચારધારા ધરાવે છે.
ISIS-K શું છે?
ISIS-Kમાં Kનો અર્થ ખુરાસન થાય છે.આ આતંકવાદી સંગઠનને SISની જ એક શાખા કે પછી સાથી તરીકે જોઈ શકાય.જ્યારે 2014ના વર્ષમાં ISISએ સીરિયા અને ઈરાકના અનેક વિસ્તારો પર પોતાનો કબજો જમાવી લીધો હતો અને તેની તાકાત અનેક ગણી વધી ગઈ હતી તે સમયે અનેક પાકિસ્તાની તાલિબાનીઓએ બીજા આતંકવાદી સમૂહો સાથે હાથ મિલાવી લીધો હતો.તેમનું લક્ષ્ય અફઘાનિસ્તાનમાં તેમના અસ્તિત્વને મજબૂત કરવાનું હતું અને નામ રાખવામાં આવ્યું આઈએસઆઈએસ-ખુરાસાન.ખુરાસન હકીકતે એક પ્રાચીન સ્થળ છે જેના અંતર્ગત એક સમયે ઉઝબેકિસ્તાન,અફઘાનિસ્તાન,તુર્કમેનિસ્તાન અને ઈરાકના પ્રદેશો આવતા હતા.
હવે તાલિબાન અને ISIS-K બંને જિહાદના નામે આતંકવાદ ફેલાવે છે.બંનેએ લોકોના જીવ લીધા છે અને બંનેનું દુશ્મન પણ અમેરિકા જ છે.જોકે તેમ છતાં બંનેને એકબીજા સાથે નથી બનતું.તેનું કારણ ખૂબ જ સામાન્ય છે- બંનેની કામ કરવાની સ્ટાઈલ.
જ્યારે 2015ના વર્ષમાં ISIS-K પોતાને મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યું હતું તે સમયે તેણે આરોપ લગાવ્યો હતો કે, તાલિબાને જિહાદી મુહિમને કમજોર કરી છે.એટલે સુધી કહેવાતું કે, તાલિબાન મજબૂતીથી શરિયા કાયદાનું પાલન નથી કરતું અને તે અમેરિકાની એક કઠપૂતળી બનીને રહી ગયું છે.
તાલિબાન અને ISIS-K વચ્ચે અંતર
હવે એ સમજવું જરૂરી બને છે કે, તાલિબાન પોતાને અફઘાનિસ્તાન પૂરતું સીમિત રાખે છે જ્યારે ISIS અને ISIS-Kના સપના ખૂબ મોટા છે.તેમણે અનેક બીજા પ્રદેશો સુધી શરિયા કાયદાનો વિસ્તાર કરવાનું સપનું જોયું છે.ખુરાસનની કાલ્પનિક સીમા અંતર્ગત જેટલા પણ દેશ આવે છે તે બધી જ જગ્યાએ જિહાદી માનસિકતાને મજબૂત કરવાનું અને શરિયા કાયદાને લાગુ કરવાનું તેનું મિશન છે.પરંતુ તાલિબાન સાથે આવું નથી.તાલિબાને હંમેશાથી પોતાને ફક્ત અને ફક્ત અફઘાનિસ્તાન પૂરતું સીમિત રાખ્યું છે. તેને પણ શરિયા કાયદો લાગુ કરાવવો છે પરંતુ ફક્ત અફઘાનિસ્તાનમાં.તેને પણ અમેરિકા સામે લડવું છે પણ હથિયારો સાથે વાતચીત દ્વારા.
કેવી રીતે બની ગયા મોટા દુશ્મન?
હવે આ ‘વાતચીત’ જ એવું પાસું છે જે તાલિબાન અને ISIS-Kને એકબીજાથી બિલકુલ અલગ કરે છે.જ્યારે અમેરિકાએ નિર્ણય લીધો હતો કે, તે અફઘાનિસ્તાનથી પોતાની સેના પાછી બોલાવશે ત્યારે તાલિબાન સાથે એક લાંબી વાતચીત ચાલી હતી. દોહા વાર્તા અંતર્ગત અનેક સમજૂતીઓ થઈ હતી. તાલિબાને પણ મોટા મોટા વચનો આપી દીધા હતા.હવે તે વચનોને જ ISIS-K દગો અને ગદ્દારી માને છે.તેની નજરમાં તાલિબાને તેના સૌથી મોટા દુશ્મન અમેરિકા સાથે હાથ મિલાવ્યો છે.સમગ્ર વિશ્વ ભલે વર્તમાનમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વિજય માનતી હોય પરંતુ ISIS-K માટે આ ફક્ત એક સમજૂતી છે જેના કારણે તેની જિહાદી મુહિમ નબળી પડી રહી છે.
તાલિબાન માટે પણ ISIS-K એક મોટી અડચણ સમાન છે.તાલિબાન અફઘાનિસ્તાનમાં પોતાની સરકાર રચવા ઈચ્છે છે પરંતુ તેને સમગ્ર વિશ્વમાં પોતાના સંગઠનને માન્યતા અપાવવી છે.તે પ્રયત્નો પણ કરી રહ્યું છે પરંતુ અનેક પ્રસંગે ISIS-Kએ તેના પર પાણી ફેરવ્યું છે.તાલિબાનના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાનની ધરતી પર આતંકવાદને નહીં વિકસવા દેવામાં આવે પરંતુ ત્યારે જ ISIS-K આત્મઘાતી હુમલા કરી દે છે.આ કારણે જ અમેરિકા અને તાલિબાને અનેક પ્રસંગે ISIS-Kના ફાઈટર્સ પર હુમલો કરેલો છે.